હાડસાંકળ : દ્વિદળી વર્ગમાં આવેલા વાઇટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cissus quadrangula Linn. syn. Vitis quadrangula (Linn.) Wall. ex Wight & Arn. (સં. અસ્થિશૃંખલા, અસ્થિસંહારી, વજ્રવલ્લી; હિં. હડજોડ, હડજોરા, હારસાંકરી; બં. હાડજોડા, હારભંગા; મ. ચોધારી, હુરસંહેર, કાંડવેલ; ત. પિંડપિ, વચિરાવલ્લી; તે. નબ્લેરુટીગા; ક. મંગરોલી; ગુ. ચોધારી, હાડસંદ, વેધારી, હાડસાંકળ; અં. બોનસેટર, ધી એડીબલ-સ્ટૅમ્ડ વાઇન) છે.

હાડસાંકળ(Cissus quadrangula)નો છોડ

સ્વરૂપ અને વિતરણ : તે રસાળ, કૅક્ટસ-સમ, સંધિમય, આરોહી વનસ્પતિ છે. તે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અને ભારતના અન્ય ઉષ્ણ પ્રદેશોમાં થાય છે. તે ખેતરની વાડ ઉપર અને જંગલની ઝાડીઓમાં ખાસ થાય છે. ઉદ્યાનોમાં પણ તેને ઉછેરવામાં આવે છે. તેનું પ્રકાંડ સંયુક્તાક્ષજન્ય (sympodium), માંસલ, જાડું, લીસું, સફેદ પડતા લીલા રંગનું, ચળકતું, ટૂંકા ટૂંકા અંતરે સાંધા(ગાંઠો)વાળું અને ચોરસ હોય છે. હાડસાંકળની કેટલીક જાતમાં પ્રકાંડ ગોળ કે ત્રિધારું હોય છે. પર્ણની સામેની બાજુએ કેટલીક ગાંઠો ઉપર દીર્ઘસ્થાયી (persistent) સૂત્ર (tendril) આવેલું હોય છે. ચોમાસામાં હવાઈ મૂળ ઉત્પન્ન થાય છે. પર્ણો સાદાં, એકાંતરિક, જાડાં, પહોળાં, અંડાકાર કે વૃક્કાકાર (reniform), કુંઠદંતી (crenate), કેટલીક વાર 37 ખંડી, લીસાં, 2.57.5 સેમી. × 39 સેમી. હોય છે. પુષ્પો નાનાં, લીલાશ પડતાં સફેદ અને રોમિલ હોય છે તથા ટૂંકા પરિમિત છત્રક સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ નાનાં પ્રતિ-અંડાકાર (ob-ovoid) કે ગોળાકાર, માંસલ, વટાણા જેવડાં, એકબીજમય અને અત્યંત તીખાં હોય છે. પુષ્પ વર્ષા ઋતુમાં અને ફળ શિયાળામાં આવે છે. આ વેલની એક ગાંઠ જમીનમાં રોપતાં નવી વેલ ઉત્પન્ન થાય છે.

વનસ્પતિ રસાયણ : વાયુ-શુષ્ક છોડનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 13.1 %, પ્રોટીન 12.8 %, લિપિડ અને મીણ 1.0 %, રેસો 15.6 %, કાર્બોદિતો 36.6 %, શ્લેષ્મ અને પૅક્ટિન 1.2 % અને ભસ્મ 18.2 %. ભસ્મમાં મુખ્યત્વે કાર્બોનેટ અને અલ્પ પ્રમાણમાં સોડિયમ, પોટૅશિયમ, મૅગ્નેશિયમ અને કૅલ્શિયમના ફૉસ્ફેટ હોય છે. પોટૅશિયમ ટાર્ટરેટની હાજરી પણ નોંધાઈ છે. છોડમાં વિટામિન ‘સી’ વિપુલ પ્રમાણમાં હોય છે. પ્રકાંડમાં જલદ્રાવ્ય ગ્લુકોસાઇડ હોય છે; જે નિશ્ચેત (anaesthetized) બિલાડીમાં રુધિરના દબાણમાં ઘટાડો કરે છે. તાજાં પ્રકાંડ દ્વારા ત્વચામાં ઉત્તેજનાની ક્રિયા થાય છે; જે કૅલ્શિયમ ઑક્ઝેલેટની હાજરીને કારણે હોઈ શકે છે.

પ્રકાંડમાં બે અસમમિત (unsymmetric) ટેટ્રાસાઇક્લિક ટ્રાઇટર્પેનૉઇડો, ઓનોસેર-7-ઇન-3α, 21 β-ડાયોલ (C30H52O2, ગ.બિં. 200–202° સે.) અને ઓનોસેર-7-ઇન-3β, 21 α-ડાયોલ (C30H52O2, ગ.બિં. 233–234° સે.) તથા બે સ્ટૅરૉઇડીય ઘટકો, I (C27H45O, ગ.બિં. 249–252° સે.) અને II (C23H41O, ગ.બિં. 136–138° સે.). β-સીટોસ્ટેરોલ, δ-એમાયરિન અને δ-એમાયરોનની હાજરી પણ જાણવા મળી છે. ચયિક (anabolic) સ્ટૅરૉઇડીય ઘટકો અસ્થિભંગમાં રૂઝની પ્રક્રિયાના દર ઉપર નોંધપાત્ર અસર કરે છે. તેઓ રૂઝની પ્રક્રિયા સાથે સંકળાયેલી બધી સંયોજક-પેશીઓના પ્રારંભિક પુનર્જનન(regeneration)ને અસર કરે છે અને કેલસ(callus)ના ખનિજીભવન(mineralization)ની પ્રક્રિયા વધારે ઝડપી બનાવે છે. છોડનો આલ્કોહૉલીય નિષ્કર્ષ આંત્રેતર (parenteral) પદ્ધતિ દ્વારા આપતાં અસ્થિભંગની રૂઝની ક્રિયામાં કૉર્ટિઝોનની ચય-રોધી (anti-anabolic) અસરનું તટસ્થીકરણ કરે છે. નિષ્કર્ષની ઉત્તેજક અસર સંભવત: વિટામિનોને કારણે છે અને ચયિક અંત:સ્રાવ, ડ્યુરેબોલિન કરતાં આ અસર વધારે હોય છે.

છોડનો જલીય નિષ્કર્ષ મોં દ્વારા કે અંત:સ્નાયુ (intramuscular) અંત:ક્ષેપણ કરતાં અસ્થિભંગનો રૂઝનો સમય ઉંદરો અને કૂતરાઓમાં કુલ રોગોપશમ (convalescent) સમયમાં 33 % જેટલો ઘટે છે. તે છ અઠવાડિયાંમાં અસ્થિઓની ક્ષમતાની પુન:પ્રાપ્તિ(recovery)માં 90 % જેટલો ઉમેરો કરે છે. તેના ઔષધની અસ્થિભંગની રૂઝના કાર્બનિક અને ખનિજના તબક્કાઓ ઉપર ચોક્કસ અસર હોય છે; જે પ્રાણીઓની પુન:પ્રાપ્તિ તરફ વધારે ઝડપથી દોરી જાય છે. Ca45–ગ્રહણનો સંશોધનાત્મક અભ્યાસ નિર્દેશ કરે છે કે કૅલ્શીકરણ(calcification)ની પ્રક્રિયા અને પુન:પ્રતિરૂપણ-(remodelling)ની ઘટના વહેલી પૂર્ણતાએ પહોંચે છે. ઔષધ અસ્થિની કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે.

ઉપયોગ : તેનાં કોમળ પ્રકાંડ કઢી અને ચટણીઓ બનાવવામાં ઉપયોગી છે. દક્ષિણ ભારતમાં તેનું શાક બનાવી લોકો ખાય છે. દૂધના સ્રાવમાં વધારો કરવા ઢોરોને હાડસાંકળ આપવામાં આવે છે. બેકિંગ પાઉડરની અવેજીમાં આ છોડની ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે. પર્ણોનો નિષ્કર્ષ ફૂગરોધી (anti-fungal) સક્રિયતા દાખવે છે. પ્રકાંડ અને મૂળમાંથી મજબૂત રેસા પ્રાપ્ત થાય છે.

પ્રકાંડનો મસામાં ઉપયોગ થાય છે. તેનો રસ સ્કર્વી અને અનિયમિત ઋતુસ્રાવમાં લાભદાયી છે. તે કાનના રોગો અને નસકોરી ફૂટવા ઉપર ઉપયોગી છે. પ્રકાંડનો મલમ સ્નાયુના દુખાવામાં, દમ અને વ્રણ ઉપર, ઘોડા અને ઊંટના જીન કારણે થતા વ્રણ ઉપર, દાઝવા અને ઝેરી કીટકો કરડવા ઉપર ઉપયોગી છે. શુષ્ક પ્રરોહોનું ચૂર્ણ પાચનમાર્ગની તકલીફોમાં વપરાય છે. પ્રરોહનો સૂંઠ અને કાળા મરીનો કાઢો શરીરના દુખાવામાં ઉપયોગી છે. છોડનો આસવ કૃમિઘ્ન (anthelmintic) ગુણધર્મ ધરાવે છે. છોડનો નિષ્કર્ષ હૃદ્-બલ્ય (cardiotonic) અને પુંજનક (androgenic) હોય છે તથા પ્રકાંડનો આલ્કોહૉલીય નિષ્કર્ષ Escherichia coli સામે સક્રિયતા દર્શાવે છે.

આયુર્વેદ અનુસાર તે લઘુ, સારક, રુક્ષ, અગ્નિદીપક, ઉષ્ણ, વીર્યવર્ધક, પાચક, મધુર અને અસ્થિસંધાનકારક હોય છે. તે નેત્રરોગ, કૃમિ, અર્શ, વાત, પિત્ત અને કફનો નાશ કરે છે. નવા મત પ્રમાણે, તે રક્તસંગ્રાહક, શોધક અને પાચક છે. માત્રા : સ્વરસ 12–24 ગ્રા. અને ચૂર્ણ 1.2–2.4 ગ્રા.

ઔષધિપ્રયોગો : (1) ગરદન જકડાવી (મન્યાસ્તંભ = spondylitis), સંધિવા અને વાયુનાં દર્દો : હાડસાંકળની ડાંડીની ચટણી (લૂગદી) બનાવી અડદની દાળ કે ચણાના લોટમાં ભેળવી, તેમાં જરૂર પૂરતું પાણી અને અન્ય મસાલા નાખી તેલમાં તેનાં ભજિયાં બનાવી રોજ ખાવાથી લાભ થાય છે. (2) અસ્થિભંગ : હાડસાંકળના ટુકડા કરી, ખાંડીને તેની ચટણી (કલ્ક) કરવામાં આવે છે. તૂટેલાં કે ખસેલાં અસ્થિ તેમનાં મૂળ સ્થાને બેસાડ્યાં બાદ, ચટણી ગરમ કરી તેનો લેપ કરી દેવામાં આવે છે. તે સાથે હાડસાંકળથી સિદ્ધ ઘી રોજ એક ચમચી બે વાર પિવડાવવામાં આવે છે. (3) માર-ચોટની પીડા : હાડસાંકળની ચટણી તથા રસમાં તેલ સિદ્ધ કરી તેની માલિશ કરવાથી પીડા શમે છે. (4) અનિયમિત કે વધુ પડતા ઋતુસ્રાવની સમસ્યામાં તેના 20.00 મિલી. રસમાં એક ચમચી ઘી, 2 ગ્રા. ગોપીચંદન તથા 5.0 ગ્રા. સાકર મેળવી સવાર-સાંજ આપવામાં આવે છે. (5) પુરુષેન્દ્રિય જાડી અને મજબૂત બનાવવા માટે હાડસાંકળની કૂણી ડાળી, અશ્વગંધા, લીલ તથા નાની ભોંયરિંગણીના પાકા ફળનું સમ ભાગે ચૂર્ણ બનાવી પાણીમાં વાટી, રોજ શિશ્ન પર લેપ કરવાથી લાંબા સમયે લાભ થાય છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ