હાટકેશ્વર મહાદેવનું મંદિર, વડનગર : સલ્તનતકાલીન ગુજરાતનું એક પ્રસિદ્ધ મંદિર. આ મંદિર નાગર બ્રાહ્મણોના ઇષ્ટદેવ હાટકેશ્વર મહાદેવનું મૂળ સ્થાનક હોવાનું મનાય છે. તેના તલમાનમાં ગર્ભગૃહ, અંતરાલ, સભામંડપ અને ત્રણ શૃંગારચોકીઓ આવેલાં છે. સમગ્ર મંદિર સુંદર શિલ્પો વડે વિભૂષિત છે. મંડોવર, પીઠ અને મંડપ તથા શૃંગારચોકીઓની વેદિકા પર નવગ્રહો, દિક્પાલો અને દેવદેવીઓની મૂર્તિઓ તથા કૃષ્ણ અને પાંડવોના કેટલાક જીવનપ્રસંગો કોતરેલાં છે. તેમાં મત્સ્યાવતાર વિષ્ણુનું શિલ્પ ઉલ્લેખનીય છે. માથાથી જંઘા સુધીનો ભાગ મનુષ્યાકાર અને તેથી નીચેનો ભાગ મત્સ્યાકાર છે. ચાર હાથ પૈકી ઉપરના જમણા હાથમાં ગદા અને ડાબા હાથમાં ચક્ર છે, જ્યારે નીચેનો જમણો હાથ શંખયુક્ત વરદ મુદ્રામાં અને ડાબો હાથ પદ્મયુક્ત વરદ મુદ્રામાં છે. શંખયુક્ત હાથ વડે વિષ્ણુએ નીચે હાથ જોડીને બેઠેલા ભક્તને સ્પર્શ કર્યો છે. સભામંડપ અને શૃંગાર-ચોકીઓ ઘુંમટ વડે ઢાંકેલાં છે. ગર્ભગૃહની ઉપરનું શિખર દરેક બાજુએ ત્રણ ત્રણ ઉરુશુંગો ધરાવે છે. મંદિરના પરિસરમાં અનેક નાનીમોટી દેરીઓ આવેલી છે. આ મંદિરનો અનેક વાર જીર્ણોદ્ધાર થયેલો છે. સમયની દૃષ્ટિએ એ 15મી સદી પછીનું નથી. મોટે ભાગે ગામનું મુખ્ય મંદિર ગામની અંદર આવેલું હોય; પરંતુ આ મંદિર ગામની બહાર આવેલું છે. એ રીતે મંદિરની સ્થળ(location)ની દૃષ્ટિએ વિશેષતા છે.

હાટકેશ્વર મહાદેવનું મંદિર, વડનગર

થૉમસ પરમાર