હાઉન્સફિલ્ડ ગૉડફ્રે એન. (સર) (Hounsfield Sir Godfrey N.)
February, 2009
હાઉન્સફિલ્ડ, ગૉડફ્રે એન. (સર) (Hounsfield, Sir Godfrey N.) (જ. 28 ઑગસ્ટ 1919, નૉટિંગહેમ્શાયર, યુ.કે.; અ. 12 ઑગસ્ટ 2004) : તબીબી વિદ્યામાં નોબેલ પુરસ્કારના વિજેતા. કમ્પ્યૂટર ઍસિસ્ટેડ ટોમૉગ્રાફી(CAT અથવા CT Scan)ની શોધ માટે તેમને અમેરિકાના એલેન કોર્મેક સાથે અર્ધા ભાગનો સન 1979નો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો.
સર ગોડફ્રે એન. હાઉન્સફિલ્ડ
તેમના શાળાશિક્ષણમાં તેમને ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં રસ પડતો, પણ અન્ય વિષયોમાં તેમને અભ્યાસમાં તકલીફ રહેતી. તેઓ બીજા વિશ્વયુદ્ધમાં રૉયલ ઍરફૉર્સમાં જોડાયા અને ત્યાં તે રડાર મિકૅનિક ઇન્સ્ટ્રક્ટર બન્યા. ત્યાં તેમણે રેડિયો કમ્યૂનિકેશનની પરીક્ષા પાસ કરી. વળી તેમણે તેમના કાર્ય માટે મોટા પડદાવાળો ઓસિલોસ્કોપ બનાવ્યો, જેને માટે તેમને ઍવૉર્ડ પણ મળ્યો. યુદ્ધ પછી અનુદાન મેળવીને તેમણે ફરાડે હાઉસ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કૉલેજમાંથી ડિપ્લોમા મેળવ્યો. સન 1951થી એક ખાનગી ડિઝાઇન પ્રયોગશાળામાં શરૂ કરેલા પ્રયોગોને અંતે સન 1958માં તેમણે કમ્પ્યૂટર અંગેના શરૂઆતના સંશોધનના સમયમાં સૌપ્રથમ સંપૂર્ણ ટ્રાન્ઝિસ્ટરવાળું કમ્પ્યૂટર શોધ્યું હતું. ભાત-પરખ (pattern-recognition) અંગેના તેમના વિચારો અને પ્રયોગોએ તેમને સન 1967માં સંગણક-સંબંધિત અનુપ્રસ્થછેદ ચિત્રણ (computed tomography, CT Scan) વિકસાવવાની દિશામાં દોર્યા અને વિશ્વને સીટી સ્કૅન જેવું નિદાન માટેનું મહત્વનું ઉપકરણ મળ્યું.
શિલીન નં. શુક્લ