હાઇન, હાઇનરિક (Heine Heinrich) (જ. 13 ડિસેમ્બર 1797, ડ્યુસેલડોર્ફ, પ્રુશિયા; અ. 17 ફેબ્રુઆરી 1856, પૅરિસ) : જર્મન કવિ. મૂળ નામ હેરીક હાઇન. માતા-પિતા જ્યુઇશ. દેખાવડા. પિતા વેપાર કરતા. તેમની માતા તે સમયમાં સારું ભણેલી અને પુત્ર માટે મહત્વાકાંક્ષી હતી. તેમના ધનાઢ્ય કાકા સલોમન હાઇનનો તેમના પર ખાસ્સો પ્રભાવ હતો. ડ્યુસેલડોર્ફમાં અભ્યાસ કર્યા બાદ, કાકાની ઇચ્છા મુજબ તેમણે પહેલાં બૅન્કિંગ-ક્ષેત્રે અને પછી વેપાર-ક્ષેત્રે કમાવાના પ્રયત્નો કર્યા, પણ સફળતા મળી નહિ. બોન અને ગોટિન્જન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો. 1825માં ‘લૉ’માં ડિગ્રી પ્રાપ્ત કરી; પરંતુ તેમણે વકીલાત કરી નહિ કે સરકારી નોકરીમાંય રસ દાખવ્યો નહિ. નાનપણથી જ તેમને ભણવાના બદલે કવિતા, સાહિત્ય અને ઇતિહાસમાં વધારે રસ પડતો. નેપોલિયનની હકાલપટ્ટી બાદ જર્મનીમાં ઉદારમતવાદી રાજ્યશાસન-પદ્ધતિની તેમની આશાઓ ફળે તેમ લાગ્યું  નહિ. ફ્રાન્સમાં આવેલ જુલાઈ 1830ની ક્રાન્તિ બાદ 1831ની વસંતમાં તેમણે પૅરિસમાં સ્થળાંતર કર્યું. બાકીનું જીવન તેમણે પૅરિસમાં ગાળ્યું. જર્મન અને ફ્રેન્ચ, બેય ભાષાઓમાં તેઓ લખતા. તેમનાં રાજકીય લખાણો થકી તેઓ ઉદારમતવાદી અને વિશ્વમાનવ જણાય છે; પરંતુ ગીતકવિ તરીકે તેઓ ખૂબ પ્રસિદ્ધ થયા. ઓગણીસમી સદીમાં જર્મન સ્વરરચનાકારોએ એમનાં અનેક ગીતોને સંગીતમાં  ઢાળ્યાં.

હાઇનરિક હાઇન

તેઓ પોતાની જાતને ‘the last romantic’ લેખતા. વેદનાની મીઠાશભર્યાં તેમનાં ગીતોમાં સાનુકૂળ લાગણીઓ અને જાત પ્રત્યેની ધારદાર સમાલોચના તેમજ વક્રતાનો સમન્વય જોવા મળે છે. તેમનો ગીતસંગ્રહ ‘બુચ દેર લાઇડર’ (‘બુક ઑવ્ સૉંગ્ઝ’, 1827) જર્મન કવિતામાં ખૂબ વંચાતા મહત્વના કાવ્યસંગ્રહોમાંનો એક ગણાય છે, જેમાં રંગદર્શિતાવાદ વક્રતા સાથે પ્રગટ થાય છે. ‘રીઝબિલ્ડર’ (‘ટ્રાવેલ પિક્ચર્સ’, 1826–1931)માં તેમનાં કટાક્ષભર્યાં પ્રવાસ-ચિત્રો ચાર ગ્રંથોમાં સંગ્રહાયાં છે. તેમાં ‘ઇડીન દાસ બુચ લ ગ્રાન્ડ’ (1827, ‘આઇડિયાઝ ધ બુક લ ગ્રાન્ડ’) શ્રેષ્ઠ છે. તે આંતરપ્રવાસનો ગ્રંથ છે, જેમાં બાળપણનાં સ્મરણો, નેપોલિયન માટેની ઉત્કટ ભાવના, નિષ્ફળ પ્રણયની વક્રતાભરી વેદના અને રાજકીય ઉલ્લેખો વિનોદાત્મક રીતિથી ગૂંથાયાં છે. રાજકીય અને સામાજિક બાબતોમાં તેઓ સઘન રસ ધરાવતા. ફ્રાન્સમાં નવા આદેશો–હુકમો વિશે તેમણે છાપામાં વેધક લેખો લખ્યા. આ શ્રેણીના લેખો પુસ્તક રૂપે ‘ફ્રાન્ઝોસિશ્ચે ઝુસ્તાંડ’(1832, ‘ફ્રેન્ચ અફેર્સ’)માં સંગ્રહાયા છે. ત્યાર બાદ તેમણે જર્મન સંસ્કૃતિના અભ્યાસ વિશે બે ગ્રંથો લખ્યા – ‘ડાય રોમાન્ટિશ્ચે સ્કૂલ’ (1833–1835, ‘ધ રોમૅન્ટિક સ્કૂલ’), ‘ઝુર ગેસ્ચિચ્તે દર રિલિજિયન ઍન્ડ ફિલૉસૉફી ઇન ડ્યુટ્ચલૅન્ડ’ (1834–35), ‘ઑન ધ હિસ્ટરી ઑવ્ રિલિજિયન ઍન્ડ ફિલૉસૉફી ઇન જર્મની). ફ્રેન્ચ જીવન, સંસ્કૃતિ અને રાજકારણ વિશે એમણે 1840–43 દરમિયાન છાપામાં બીજી લેખ-શ્રેણી કરી. આ લેખોનો સંગ્રહ ‘લુટેઝિયા’ નામે 1854માં પ્રગટ થયો. હાઇનનાં પૅરિસમાંનાં શરૂઆતનાં વર્ષો સુખમય હતાં. તેમનાં વેધક અને કટાક્ષમય લખાણોના કારણે જર્મન સેન્સરશિપની મુશ્કેલીઓ ઊભી થઈ અને 1835ના અંતમાં જર્મનીમાં તેમનાં કામો પર પ્રતિબંધ મુકાયો. 1841માં તેમણે લગ્ન કર્યાં. તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘ન્યૂ ગેડિચ્ટે’ (1846, ‘ન્યૂ પોએમ્સ’) પ્રગટ થયો. જેમાં પ્રેમકાવ્યો ઉપરાંત બૅલડ, પૅરિસની પ્રસન્ન કન્યાઓ સાથેના ચંચળ સંબંધની સ્થિતિ-રીતિ વિશેનાં કટુમિજાજી કાવ્યો તથા રાજકીય કઠોર કટાક્ષનાં કાવ્યોનો સમાવેશ થયો છે. આમાંનાં કેટલાંક કાવ્યો કાર્લ માર્કસના પત્ર ‘વોર્વર્ઝ’ (‘ફૉર્વર્ડ’) માટે લખાયેલાં. રાજકીય કટાક્ષનાં દીર્ઘકાવ્યો પણ તેમણે રચ્યાં છે. 1848માં ટીબી થવાના કારણે તેઓ લકવામાં સપડાયા અને શેષ જીવન પથારીવશ રહ્યા. 1851માં તેમનો ત્રીજો કાવ્યસંગ્રહ ‘રોમાન્ઝર્સ’ આવ્યો જેમાં માનવ-સ્થિતિ પર ઠંડી ટીકાઓ તથા હૈયાફાટ વિલાપ પ્રગટે છે. તેમનો અંતિમ સંગ્રહ ‘ગેડિચ્ટે’ (1853), ‘અન્ડ’ (1854) (‘પોએમ્સ’ 1853 and 1854) પ્રગટ થયો. એલિયટે તેમના કામનું મૂલ્યાંકન કર્યું છે.

યોગેશ જોષી