હાઇન, લેવિસ વિક્સ (Hine, Lewis Wickes) (જ. 26 સપ્ટેમ્બર 1874, ઓરકોશ, વિસ્કોન્સિન, અમેરિકા; અ. 3 નવેમ્બર 1940, ડોબ્સ ફેરી, ન્યૂયૉર્ક, અમેરિકા) : અમેરિકન ફોટોજર્નાલિસ્ટ અને સમાજસુધારક. યુનિવર્સિટી ઑવ્ શિકાગો, કોલમ્બિયા યુનિવર્સિટી અને ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર(Sociology)નો અભ્યાસ કર્યા બાદ હાઇન ન્યૂયૉર્ક શહેરની એથિકલ કલ્ચર સ્કૂલમાં એક શિક્ષક તરીકે જોડાયા. ન્યૂયૉર્ક બંદરના એલિસ આયલૅન્ડ પર આવતા નવા વસાહતીઓના ફોટા પાડતાં 1904 સુધીમાં હાઇનને પોતાનો જીવનધર્મ ફોટોજર્નાલિઝમની કામગીરીનો જડી ગયો.

 

લેવિસ વિક્સ હાઇન

1907માં નૅશનલ ચાઇલ્ડ લેબર કમિટી(NCLC)ના ફોટોગ્રાફર તરીકે હાઇનની નિમણૂક થઈ. અમેરિકાના ઉદ્યોગોમાં ચાઇલ્ડ લેબર(બાળમજૂરી)ના દાખલા અને હકીકતોને તેમણે પોતાની ફોટોગ્રાફી દ્વારા દસ્તાવેજી રૂપ આપ્યું. એની મદદથી બાળમજૂરી ડામવામાં NCLCને મદદ મળી. સમાજસુધારા માટેના એક સામયિક ‘ધ સર્વે’ સાથે 1908માં હાઇન ફ્રીલાન્સ પત્રકાર તરીકે જોડાયા. બાળમજૂરીની અમેરિકામાં પ્રવર્તી રહેલી વરવી અને ક્રૂર વાસ્તવિકતાને હાઇન, NCLC અને ‘ધ સર્વે’ના સંયુક્ત પ્રયાસોએ ઉઘાડી પાડી. આ ઉપરાંત પેન્સિલ્વેનિયાના પીટસબર્ગના પોલાદ-ઉદ્યોગમાં જોતરાયેલાં બાળમજૂરોના હાઇને પાડેલા ફોટા ઘણા જાણીતા બન્યા.

કામમાં વ્યસ્ત અમેરિકન મજૂરનો હાઇને લીધેલો એક લાક્ષણિક ફોટોગ્રાફ, (1920)

પ્રથમ વિશ્વયુદ્ધમાં યુરોપ ખાતેના અમેરિકન રેડ ક્રૉસની સેવાઓની ફોટોગ્રાફી તેમણે કરી. 1930માં તેમણે ન્યૂયૉર્ક શહેરમાં ધ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના ચાલી રહેલા બાંધકામની પ્રક્રિયાને કંડારતી ફોટોશ્રેણી સર્જી. આ માટે કામદારોની માફક હાઇને પણ લટકતા ઝૂલા, ક્રેનમાં બેસવાનું અને પાતળા રૅમ્પ પર ચાલવાનું જોખમ ઉઠાવેલું. ‘ગ્રેટ ડિપ્રેશન’ વેળાએ તેમણે ટેનેસીના જનજીવનનું ફોટોગ્રાફીથી દસ્તાવેજીકરણ કર્યું હતું. વકર્સ પ્રોગ્રેસ ઍડ્મિનિસ્ટ્રેશનના નૅશનલ રિસર્ચ પ્રૉજેક્ટના મુખ્ય ફોટોગ્રાફર તરીકે પણ તેમણે 1936માં કામ કર્યું, ‘એથિકલ કલ્ચર ફિલ્ડ્સ્ટન સ્કૂલ’માં ફોટોજર્નાલિઝમ વિષય ભણાવ્યો. 66 વર્ષની ઉંમરે 1940માં તદ્દન કંગાળ હાલતમાં તેમનું અવસાન થયું.

અમેરિકાની ‘ધ લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ’માં હાઇનના 5000થી વધુ ફોટોગ્રાફ સચવાયા છે. આ ઉપરાંત જ્યૉર્જ ઈસ્ટમૅન હાઉસ, એલ્બિન ઓ. કુન લાઇબ્રેરી, યુનિવર્સિટી ઑવ્ મેરીલૅન્ડ, ગૅલરી, બોડોઇન કૉલેજ મ્યુઝિયમ ઑવ્ આર્ટ, જે. પોલ ગેટી મ્યુઝિયમ, મિનિયાપૉલિસ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્ટ, સિન્સાનિટી આર્ટ મ્યુઝિયમ, મેઇયર મ્યુઝિયમ ઑવ્ આર્ટ, મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટ, ફાઇન આર્ટ મ્યુઝિયમ ઑવ્ સાન ફ્રાન્સિસ્કોમાં હાઇનના 10,000થી વધુ ફોટોગ્રાફ સચવાયા છે.

અમિતાભ મડિયા