હાઇડ્રોજન સલ્ફાઇડ (આયુર્વિજ્ઞાન) : કહોવાયેલાં ઈંડાંનો કે વાછૂટમાંનો દુર્ગંધવાળો, રંગવિહીન, ઝેરી અને જ્વલનશીલ વાયુ. તેનું રાસાયણિક સૂત્ર છે H2S. ગટર કે મોટા આંતરડામાં ઑક્સિજનની ગેરહાજરીમાં જ્યારે સેન્દ્રિય (organic) પદાર્થોમાંના સલ્ફેટનું જીવાણુઓ (bacteria) દ્વારા વિઘટન થાય ત્યારે તે ઉત્પન્ન થાય છે. તેને અજારક પાચન (anaerobic digestion) કહે છે. તે જ્વાળામુખીના વાયુઓ, ભૂગર્ભમાંના નૈસર્ગિક વાયુ (natural gas) અને કેટલાક કૂવાઓનાં પાણીમાં પણ હોય છે. તે સલ્ફેન, સલ્ફ્યુરેટેડ હાઇડ્રોજન, સલ્ફર હાઇડ્રાઇડ, ખટ્વવાત (sour gas), હાઇડ્રોસલ્ફયુરિક ઍસિડ, ગટરવાયુ (sewer gas) વગેરે નામે પણ ઓળખાય છે. તેનું ગલનબિન્દુ –82.30° સે. છે. તે હવા કરતાં ભારે છે.

તેની ઝેરી અસરો હાઇડ્રોજન સાયનાઇડ જેવી છે. સામાન્ય રીતે તે વ્યાવસાયિક સ્થળે જોવા મળે છે. તે ચેતાતંત્રને ખરાબ અસર પહોંચાડે છે. તે કોષોમાંના લોહતત્વ સાથે સંકુલ બનાવીને કોષોનું શ્વસન બંધ કરાવે છે. શરીરમાંના ઉત્સેચકો (enzyme) તેને નિષ્ક્રિય સલ્ફેટમાં રૂપાંતરિત કરે છે; પરંતુ જ્યારે તેનું પ્રમાણ 300–350 ppm કરતાં વધે છે ત્યારે શરીરના ઉત્સેચકો નિષ્ફળ જાય છે. H2Sની ઝેરી અસરથી સંપીડિત (victim) વ્યક્તિના ખિસ્સામાં તાંબાના સિક્કા હોય તો તેમનો રંગ બદલાઈ જાય છે. સારવારમાં એમાયલ નાઇટ્રેટને શ્વાસમાં લેવું, સોડિયમ નાઇટ્રેટનું ઇન્જેક્શન આપવું, શુદ્ધ પ્રાણવાયુને શ્વાસમાં લેવો, શ્વસનનલિકાઓને પહોળી કરે તેવા શ્વસનનલિકા-વિસ્ફારકો (bronchodilator) પ્રકારનાં ઔષધો આપવાં તથા જરૂર પડ્યે પ્રદમિત પ્રાણવાયુ (hyperbaric oxygen) એટલે કે ખૂબ દબાણવાળો પ્રાણવાયુ વગેરે વપરાય છે. અતિપ્રદમીય પ્રાણવાયુનો ઉપયોગ હજુ સર્વસ્વીકૃત નથી.

જો તે ઓછા પ્રમાણમાં સંસર્ગમાં આવે તો આંખો બળવી, ગળું બળવું, ખાંસી, ઊબકા, શ્વાસમાં મુશ્કેલી તથા ક્યારેક ફેફસાંમાં પ્રવાહી ભરાવું વગેરે અસરો જોવા મળે છે. તે થોડાંક અઠવાડિયાંમાં શમે છે. લાંબા સમયના અલ્પપ્રમાણમાંના સંસર્ગથી થાક લાગવો, અરુચિ થવી, માથું દુખવું, અકળામણ થવી, સ્મૃતિ ઘટવી, અંધારાં આવવાં વગેરે થાય છે.

માનવશરીરમાં તેનું કાર્ય : મગજમાં આવેલી મેમેલિયન બોડી નામની સંરચના તેને સિસ્ટિન નામના એક ઍમિનોઍસિડમાંથી ઉત્સેચકોની મદદથી થોડા પ્રમાણમાં ઉત્પન્ન કરે છે. તે નસોને પહોળી કરે છે અને સ્મૃતિસર્જનના કાર્યને બળવત્તર કરે છે. તે હૃદયને પણ રક્ષણ આપે છે. ચાંદુંમાંના પૉલિસલ્ફાઇડનું ગ્લુટાથિયોનની હાજરીમાં H2Sમાં રૂપાંતર થાય છે. ત્યાં તે સ્થાનિક નસોને પહોળી કરે છે. ડાઉનના સંલક્ષણ (21 ત્રિસૂત્રિતા, 21-trisomy) નામના રંગસૂત્રીય રોગમાં પણ શરીર વધુ પ્રમાણમાં H2S ઉત્પન્ન કરે છે. ઉંદરોને H2Sની અલ્પમાત્રા મળે તેવા વાતાવરણમાં મૂકવાથી તેમના શરીરનું તાપમાન ઘટે છે અને તે શીતસમાધિ (hybernation) જેવી સ્થિતિમાં પ્રવેશે છે. દેડકામાં H2S કુદરતી રીતે હોય છે અને તેથી તે તેમની શીતસમાધિમાં સક્રિય હોઈ શકે છે. જોકે ઉંદરમાં જોવા મળતી આવી અસર વધુ મોટાં સસ્તન પ્રાણીઓમાં દર્શાવી શકાઈ નથી.

શિલીન નં. શુક્લ