હાઇડ્રૉફાઇલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે ઑસ્ટ્રેલિયા સિવાય બધા ખંડોમાં વ્યાપક પ્રમાણમાં વિતરણ પામેલું છે. ખાસ કરીને પશ્ચિમ-ઉત્તર અમેરિકામાં તે પુષ્કળ પ્રમાણમાં થાય છે અને દક્ષિણ તરફ મેગેલનના જલસંયોગી (strait) સુધી વિસ્તરેલું છે. આ કુળ લગભગ 20 પ્રજાતિઓ અને 265 જાતિઓ ધરાવે છે; તે પૈકી 15 પ્રજાતિઓ ઉત્તર અમેરિકામાં થાય છે. Hydrophyllum, Phacelia, Nama, Nemophila, Ellisia અને Hydrolea માત્ર પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ પ્રદેશો પૂરતું મર્યાદિત છે. Phacelia લગભગ 130 જાતિઓ ધરાવતી આ કુળની સૌથી મોટી પ્રજાતિ છે.

આકૃતિ 1 : હાઇડ્રૉફાઇલેસી (Phacelia campanularia) : (અ) પુષ્પીય શાખાઓ, (આ) પુષ્પ, (ઇ) પુષ્પનો ઊભો છેદ, (ઈ) પુંકેસર, (ઉ) બીજાશયનો આડો છેદ, (ઊ) પ્રાવર (capsule), (ઋ) P. tanaceti foliaનો પુષ્પવિન્યાસ.

આ કુળની મોટા ભાગની જાતિઓ એકવર્ષાયુ કે બહુવર્ષાયુ (perennial) શાકીય હોય છે. (Eriodictyon ક્ષુપ-સ્વરૂપ ધરાવે છે.) તેઓ ઘણી વાર રુક્ષ (scabrid), રોમિલ, ગ્રંથિયુક્ત કે દૃઢલોમી (bristly) હોય છે. પર્ણો સાદાં, એકાંતરિત કે સંમુખ; ઘણી વાર તલસ્થ ગુચ્છ(rosette)માં, અખંડિત અથવા પક્ષવત્ (pinnate) કે ક્વચિત્ પાણિવત્ (palmate) છેદનવાળાં હોય છે.

પુષ્પવિન્યાસ પરિમિત (cymose) પ્રકારનો, એકતોવિકાસી (helicoid) કે કુંતલાગ્ર (circinate) હોય છે. કેટલીક વાર તે 2 કે તેથી વધારે પુષ્પો, અનિપત્રી (ebracteate) દ્વિશાખી (dichasial) પરિમિત કે છત્રક (umbel) સ્વરૂપે; અથવા કક્ષીય એકાકી સ્વરૂપે જોવા મળે છે.

પુષ્પ નિયમિત, દ્વિલિંગી, સામાન્યત: પંચાવયવી (pentamerous) કે આફ્રિકીય Codon-માં બહુ-અવયવી (pleiomerous) અને અધોજાયી (hypogynous) હોય છે.

વજ્ર (calyx) 5 વજ્રપત્રો(sepals)નું બનેલું, કેટલીક પ્રજાતિઓમાં લગભગ મુક્ત, કોરછાદી (imbricate) અને તેની ખાંચો ઉપાંગોયુક્ત હોય છે. દલપુંજ (corolla) 5 દલપત્રો(petals)નો બનેલો, યુક્તદલપત્રી (gamopetalous), કોરછાદી કે કેટલીક વાર વ્યાવૃત (contorted) હોય છે. તે ચક્રાકાર (rotate), ઘંટાકાર (campanulate) કે નિવાપાકાર (funnelform) હોય છે.

પુંકેસરચક્ર (androecium) 5 પુંકેસરોનું બનેલું, દલલગ્ન (epipetalous), દલપુંજના તલસ્થ ભાગેથી ઉદભવ ધરાવતું અને દલપત્રો સાથે એકાંતરિત જોવા મળે છે. પુંકેસરતંતુઓ સમાન કે અસમાન અને પરાગાશય દ્વિખંડી, મુક્તદોલી (versatile) તથા અંતર્મુખી (introse) હોય છે. પરાગાશયનું સ્ફોટન લંબવર્તી (longitudinal) રીતે થાય છે. ઘણી વાર પુંકેસરો શલ્ક જેવાં કે રોમ જેવાં ઉપાંગો સાથે એકાંતરિત ગોઠવાયેલાં કે કક્ષાંતરિત (subtended) થયેલાં હોય છે. અધોજાયી વંધ્યપુંકેસરો હાજર કે ગેરહાજર હોય છે.

સ્ત્રીકેસરચક્ર દ્વિયુક્ત સ્ત્રીકેસરોનું બનેલું; બીજાશય ઊર્ધ્વસ્થ (superior) કે Nama spp.માં અર્ધ અધ:સ્થ (half-inferior) અને એકકોટરીય હોય છે. જરાયુવિન્યાસ ચર્મવર્તી (parietal) અને વધતે-ઓછે અંશે કેન્દ્ર તરફ અતિક્રમણ (intrusion) કરી જોડાઈ જઈ દ્વિકોટરીય દૃશ્ય રચે છે. અંડકો મોટે ભાગે અસંખ્ય કે Hydrophyllum-માં 4, લટકતાં, અધોમુખી (anatropous) કે અનુપ્રસ્થ (amphitropous) હોય છે. પરાગવાહિની એક કે દ્વિશાખી; અને પરાગાસન સમુંડ (capitate) હોય છે.

ફળ મોટે ભાગે વિવરીય સ્ફોટી (loculicidal) પ્રાવર પ્રકારનું હોય છે; જે સામાન્યત: બે અથવા ભાગ્યે જ ચાર કપાટ (valve) દ્વારા ફાટે છે. કેટલીક જાતિઓમાં અસ્ફોટી (indehiscent) ફળો પણ જોવા મળે છે. બીજ કેટલીક વાર બીજચોલયુક્ત (carunculate), વિવિધ ગર્તવાળાં (pitted) જાલાકાર, કોતરાયેલાં (sculptured) કે અક્ષવર્ધ (muricate) હોય છે. ભ્રૂણપોષ (endosperm) વિપુલ પ્રમાણમાં અથવા અલ્પ; કઠણ અથવા મૃદુ હોય છે. ભ્રૂણ (embryo) નાનો અને સીધો હોય છે.

હાઇડ્રૉફાઇલેસી પૉલિમોનિયેસી અને બોરાજિનેસીથી કોરછાદી કલિકાન્તર વિન્યાસ (aestivation) અને બે ચર્મવર્તી જરાયુઓ તથા એકતોવિકાસી પુષ્પવિન્યાસ દ્વારા અલગ પાડી શકાય છે.

આ કુળ કોન્વોલ્વ્યુલેસી, પૉલિમૉનિયેસી અને બોરાજિનેસી સાથે ગાઢ રીતે સંબંધિત હોવાનું મનાય છે. બેસી આ કુળોને પૉલિમૉનિયેલ્સમાં તથા વેટસ્ટેઇન અને હૅન્ડલ ટ્યૂબીફ્લૉરીના ઉપયોગી બોરાજિનીમાં મૂકે છે. હચિન્સન પૉલિમૉનિયેલ્સ ગોત્રમાં પૉલિમોનિયેસી અને હાઇડ્રૉફાઇલેસીને મૂકે છે. હેલિયર હાઇડ્રૉફાઇલેસીને બોરાજિનેસી કુળમાં સમાવિષ્ટ કરે છે અને ટ્યૂબીફ્લૉરીમાંથી ખસેડી કૅમ્પેન્યુલેલ્સમાં આદ્ય વર્ગક (taxon) તરીકે મૂકે છે.

Nemophila, Wigandia અને Phacelia જેવી પ્રજાતિઓની કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં શોભાની વનસ્પતિઓ તરીકે ઉછેરવામાં આવે છે.

બળદેવભાઈ પટેલ