હાઇડ્રેલેઝિન
February, 2009
હાઇડ્રેલેઝિન : નસોને પહોળી કરીને લોહીનું દબાણ ઘટાડતું ઔષધ. તે મૂળ પ્રતિહિસ્ટામિન દ્રવ્ય તરીકે વિકસ્યું હતું; પરંતુ તે લોહીનું દબાણ ઘટાડતું હોવાથી તે વિષમોર્જા(allergy)ને બદલે લોહીના ઊંચા દબાણના રોગમાં ઉપયોગી નીવડ્યું છે. તેની રાસાયણિક સંરચના આકૃતિમાં દર્શાવી છે :
ઔષધીય કાર્ય : તે ધમનિકાઓના સ્નાયુતંતુઓને શિથિલ કરીને તેમને પહોળા કરે છે અને આમ લોહીનું દબાણ ઘટે છે. તે ધીમેથી અસર કરે છે અને તે લાંબી ચાલે છે. લોહીની નસો પહોળી થવાથી પરિઘીય અવરોધ (peripheral resistance) ઘટે છે, હૃદયના ધબકારા ઝડપી બને છે, દરેક ધબકારે હૃદયમાંથી મહાધમનીમાં ઠલવાતું લોહીનું કદ વધે છે અને તેથી હૃદયમાંથી નીકળતા લોહીનો પુરવઠો પણ વધે છે. સૂવામાંથી બેસતાં કે ઊભા થતાં લોહીનું દબાણ ઘટતું નથી. આવી રીતે જો લોહીનું દબાણ ઘટે તો તેને અંગવિન્યાસી અલ્પરુધિરદાબ (postural hypotension) અથવા ઉત્તિષ્ઠન અલ્પરુધિરદાબ (orthostatic hypotension) કહે છે. તેનાથી રેનિન નામના દ્રવ્યની સક્રિયતા વધે છે અને શરીરમાં પાણીનો ભરાવો થાય છે. તેને કારણે અવયવો, હૃદયની મુકુટધમની (coronary artery), મગજ તથા મૂત્રપિંડમાં લોહીનો પ્રવાહ વધે છે.
તે 10, 25 અને 50 મિગ્રા.ની ગોળીઓ અને 20 મિગ્રા./મિલિ.વાળા ઇન્જેક્શન રૂપે મળે છે. મુખમાર્ગે ઔષધ લેવાય તેના 3થી 4 કલાકે તેની પર્યાપ્ત રુધિરસપાટી થાય છે અને 95 % ઔષધનો 24 કલાકમાં ચયાપચય થાય છે અને તે નિષ્ક્રિય બને છે. મૂત્રમાં ફક્ત 5 % ઔષધ વહી જતું હોવાથી તેને મૂત્રપિંડના વિકારમાં વાપરી શકાય છે.
આડઅસરો : તેની આડઅસરો ઘણી થાય છે અને તેથી તેનો ઉપયોગ સીમિત રહ્યો છે. તેની આડઅસર રૂપે ઊબકા, ઊલટી, અરુચિ, ઝાડા, હૃદયના ધબકારાના દરમાં વૃદ્ધિ તથા તેને કારણે ઉદભવતી અસ્વસ્થતા (palpitation), હૃદયપીડ (angina pectoris), માથાનો દુખાવો, ધ્રુજારી, અંધારાં આવવાં તથા સોજા આવવા વગેરે થાય છે. તે ક્યારેક તાવ, ચામડી પર સ્ફોટ, લોહીના કોષોની સંખ્યામાં ઘટાડો, જઠર-આંતરડામાં રુધિરસ્રાવ વગેરે કરે છે.
શિલીન નં. શુક્લ