હસન માસ્ટર કંટ્રોલ ફૅસિલિટી, કર્ણાટક : ભૂ-સ્થિર કક્ષામાં કાર્યરત ભારતના ઇનસેટ પ્રકારના બધા ઉપગ્રહોનું સંપૂર્ણ સંચાલન અને નિયંત્રણ કરવા માટે કર્ણાટક રાજ્યમાં હસન ખાતે સ્થાપવામાં આવેલી ‘મુખ્ય નિયંત્રણ સુવિધા’(Master Control Facility). આ સુવિધા ભૂ-સ્થિર કક્ષામાં કાર્ય કરતા ભારતના બધા ઉપગ્રહો માટેના ભૂમિ-તંત્રનું એક પ્રમુખ અંગ છે.
ભૂ-સ્થિર સ્થાનાંતરણ કક્ષા(Geostationary Transfer Orbit)માં ઉપગ્રહ પ્રક્ષેપિત થાય ત્યારથી તેનું આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી આ સુવિધા દ્વારા એ ઉપગ્રહનું સંપૂર્ણ સંચાલન અને નિયંત્રણ કરવામાં આવે છે. તેના દ્વારા નીચેનાં મુખ્ય કાર્યો કરવામાં આવે છે :
(1) સ્થાનાંતરણ કક્ષામાંથી ઉપગ્રહને ભૂ-સ્થિર કક્ષામાં તેના નિયત સ્થાન (રેખાંશ) ઉપર લઈ જવાનું કાર્ય.
(2) ઉપગ્રહની કક્ષાનું નિયમિત મૂલ્યાંકન અને આવશ્યકતા પ્રમાણે તેનું સ્થાન-નિયંત્રણ.
(3) શરૂઆતમાં ઉપગ્રહનાં બધાં ઉપ-તંત્રોની ચકાસણી, દિશા-નિયંત્રણ વગેરે.
(4) દૂર-માપન આંકડા દ્વારા ઉપગ્રહના સ્વાસ્થ્યની સંપૂર્ણ જાણકારી.
(5) હવામાન-ઉપકરણની કામગીરી જાણવા માટે તેના દ્વારા મળતાં વાદળ-ચિત્રનું ત્વરિત મૂલ્યાંકન.
(6) સંદેશા-વ્યવહાર તંત્રના બધા ટ્રાન્સપોન્ડરના કાર્યનું નિયમિત મૂલ્યાંકન.
(7) વસંત-સંપાત અને શરદ-સંપાત વખતે થતા ઉપગ્રહના ગ્રહણ દરમિયાન તેનું સંચાલન.
મોસમ વિભાગનું દિલ્હીનું મથક આ સુવિધા સાથે કમ્પ્યૂટર દ્વારા જોડાયેલું છે. એ જ રીતે સંદેશા-વ્યવહાર અંગેનાં દેશનાં મુખ્ય સંચારકેન્દ્રો પણ આ સુવિધા સાથે હંમેશાં સંપર્કમાં રહે છે.
વર્ષ 2002-’03ના અંતરીક્ષ વિભાગના વાર્ષિક અહેવાલ પ્રમાણે આ સુવિધા દ્વારા ભારતના ભૂ-સ્થિર કક્ષાના પાંચ કાર્યરત ઉપગ્રહોનું સંચાલન/નિયંત્રણ થાય છે. આ ઇનસેટ ઉપગ્રહો છે : ઇનસેટ – 2DT, ઇનસેટ – 2E, ઇનસેટ – 3B, ઇનસેટ – 3C, કલ્પના1 (હવામાન ઉપગ્રહ) તથા શૂન્યથી વધારે નમનકોણ ધરાવતી ભૂ-સ્થિર કક્ષામાંના ઇનસેટ – 2B અને ઇનસેટ – 2C.
આ સુવિધામાં સંવેદનશીલ રેડિયો-રિસીવર, શક્તિશાળી ટ્રાન્સમિટર, નાનાંમોટાં થાળી-આકારનાં ડિશ ઍન્ટિના, મોટાં કમ્પ્યૂટર તથા અન્ય આવશ્યક વીજાણુયંત્ર-સામગ્રી છે. આ સુવિધાનું કાર્ય અટક્યા વગર ચોવીસે કલાક એકધારું ચાલી શકે તે માટે અહીં એક સ્વતંત્ર વિદ્યુત-મથક પણ સ્થાપવામાં આવ્યું છે.
અંતરીક્ષ કૉર્પોરેશન દ્વારા કરવામાં આવેલા વાણિજ્ય-કરાર પ્રમાણે આ સુવિધાઓનો ઉપયોગ વિદેશના ભૂ-સ્થિર કક્ષાના કેટલાક ઉપગ્રહો માટે પણ કરવામાં આવે છે.
હસન મુખ્ય નિયંત્રણ સુવિધા ઉપરાંત, મધ્યપ્રદેશમાં ભોપાલ ખાતે પણ એક વધારાનું નિયંત્રણકેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે.
પરંતપ પાઠક