હવાના

February, 2009

હવાના : ક્યુબાનું પાટનગર, મોટામાં મોટું શહેર તથા મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : તે 23° 08´ ઉ. અ. અને 82° 22´ પ. રે. પરનો આશરે 740 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ક્યુબાના વાયવ્ય કિનારા પર આવેલું છે. સ્પેનિશ ભાષામાં તેનું નામ લા હબાના છે. વસ્તી : 22,01,610 (2002).

હવાના શહેરનું એક દૃશ્ય

હવાના શહેર જૂના અને નવા વિભાગોમાં વહેંચાયેલું છે. જૂના હવાના શહેરનો વસાહતી વિભાગ તેના બારાથી પશ્ચિમ તરફ આવેલો છે. સોળમી-સત્તરમી સદીમાં બાંધેલાં, નળિયાં સજાવેલાં છાપરાંવાળાં તેનાં મકાનો સાંકડા માર્ગોની બંને બાજુ પર પથરાયેલાં છે. તેના આ ઐતિહાસિક વિસ્તારમાં અઢારમી સદીની શરૂઆતમાં બાંધેલા, જાણીતા બનેલા હવાના કેથિડ્રલનો પણ સમાવેશ થાય છે. જૂના શહેરની પશ્ચિમ તરફના મધ્ય હવાનામાં જૂનું પાટનગર અને ઘણી સરકારી ઇમારતો આવેલી છે. નવા નિવાસી વિસ્તારો અને પરાં મધ્ય હવાનાની પશ્ચિમ તરફ છે. અહીં કાંઠાની ધારે ધારે મુખ્ય ધોરી માર્ગ ચાલ્યો જાય છે, જે પશ્ચિમના નિવાસી વિસ્તારોને મધ્ય હવાના સાથે જોડે છે. શહેરનો મોટા ભાગનો વાહનવ્યવહાર બસો મારફતે થાય છે. અહીં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ આવેલું છે.

સંસ્કૃતિશિક્ષણ : હવાનાનાં સાંસ્કૃતિક આકર્ષણોમાં સરકાર તરફથી નૅશનલ બેલે અને હવાના સિમ્ફની ઑર્કેસ્ટ્રા ચલાવવામાં આવે છે. મ્યુઝિયમ ઑવ્ ફાઇન આર્ટ્સ અહીંનું મુખ્ય સંગ્રહાલય છે, તેમાં સાંસ્કૃતિક કલા અને અર્વાચીન કલાનો સુભગ સમન્વય જોવા મળે છે. ઐતિહાસિક સંગ્રહાલયોમાં મ્યુઝિયમ ઑવ રેવોલ્યૂશન, કોલોનિયલ મ્યુઝિયમ અને મ્યુનિસિપલ મ્યુઝિયમનો સમાવેશ થાય છે. હવાનાની શાળાઓ સરકાર હસ્તક છે. અહીં શિક્ષણ નિ:શુલ્ક છે. પુખ્ત વયના ઘણા લોકો રાત્રિશાળાઓમાં તેમજ વ્યાવસાયિક તાલીમવર્ગોમાં જાય છે. હવાના યુનિવર્સિટીમાં આશરે 54,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ટ્રોકૅડેરા – મૉન્ટસેરેટમાં આવેલું લલિતકલા સંગ્રહાલય

અર્થતંત્ર : હવાના એ ક્યુબાનું વ્યાપારી અને ઔદ્યોગિક મથક છે. ક્યુબાના બધા જ ધંધા અને ઉદ્યોગો સરકાર હસ્તક છે. મોટા ભાગના કર્મચારીઓ તેમજ શ્રમિકોની નોકરીઓની વ્યવસ્થા સરકારી એજન્સીઓ દ્વારા થાય છે.

તમાકુનું પ્રક્રમણ એ હવાનાની મુખ્ય ઉત્પાદક પ્રવૃત્તિ છે. અન્ય ઉદ્યોગોમાં બિયર, ખાદ્યપ્રક્રમણ, રસાયણો, ખાંડ, કૉફી, ફળો, સિગાર, પગરખાં તથા કાપડ ઉદ્યોગનો સમાવેશ થાય છે. ક્યુબાની 20 % જેટલી નિકાસ તેમજ
50 % જેટલી આયાત હવાના મારફતે થાય છે. નિકાસી વસ્તુઓમાં હવાચુસ્ત ડબ્બાઓમાં પૅક કરેલાં ફળો, ખાંડ, માછલી તેમજ તમાકુની પેદાશોનો તથા આયાતી વસ્તુઓમાં ખાદ્યચીજો, યંત્રસામગ્રી, પેટ્રોલિયમ અને મોટરગાડીઓનો સમાવેશ થાય છે. ક્યુબાએ હવે અન્ય દેશો સાથે પણ પોતાનો વેપાર વધારવા માંડ્યો છે.

સ્પૅનિશ કિલ્લો : મોરો કૅસલ

હવાનાનો વહીવટ મ્યુનિસિપલ કમિટી કરે છે. ક્યુબન સામ્યવાદી પક્ષથી બનેલું લોકજૂથ આ કમિટિના સભ્યોને ચૂંટી કાઢે છે.

ઇતિહાસ : અગાઉના સ્પૅનિશ અભિયંતા અને ક્યુબાના સર્વપ્રથમ ગવર્નર ડિયેઝ વેલાઝ ક્વેઝે 1515માં ટાપુના દક્ષિણ કાંઠે હવાનાની સ્થાપના કરેલી; પરંતુ ત્યાં આ સ્થળ સમૃદ્ધ થયું નહિ; તેથી 1519માં તેને વાયવ્ય કાંઠાના આજના સ્થળે ખસેડવામાં આવ્યું. અહીંના તેના મોકાના સ્થાન અને બારાને કારણે વેપારી વહાણોની અવરજવર વધતી ગઈ, ક્રમે ક્રમે તે મહત્વના વ્યાપારી મથક તરીકે વિકસતું ગયું. 1552માં તેને ક્યુબાનું પાટનગર બનાવાયું. સોળમી સદીના અંતિમ ચરણમાં બાંધેલો સ્પૅનિશ કિલ્લો ‘મોરો કૅસલ’ હજી આજે પણ જોવા મળે છે અને બારાનું રક્ષણ કરે છે. 1762માં ઍંગ્લો-અમેરિકી દળોએ હવાનાનો કબજો કરી લીધેલો; પરંતુ 1763માં પાછું તે સ્પેનને સોંપી દેવાયેલું. અહીં રહેલા બ્રિટિશ વસાહતીઓએ હવાના અને ઉત્તર અમેરિકી વસાહતીઓ સાથે વેપાર શરૂ કરેલો.

1898માં યુ.એસ.એ હવાનાનું બારું ફૂંકી મારેલું, આ ઘટનાથી સ્પેન-અમેરિકી યુદ્ધ થયેલું. 1898 સુધી સ્પેને અહીં શાસન કરેલું. 1898માં ક્યુબા સ્વતંત્ર થયું. વીસમી સદીના પૂર્વાર્ધકાળ દરમિયાન હવાના રજાઓ ગાળવા માટેનું ખૂબ જ લોકપ્રિય મથક ગણાતું હતું. તેની જીવંત રાત્રિક્લબો અને ભવ્ય સાગરતટથી આકર્ષાઈને યુ.એસ.ના તથા અન્ય દેશોના ઘણા સહેલાણીઓ અહીં પ્રવાસે આવતા રહેતા. તે દરમિયાન ક્યુબા સરકારે અહીં વિહારધામ વિકસે તે હેતુથી ઘણાં નાણાં ખર્ચેલાં. અમેરિકી કંપનીઓએ પણ હવાના ખાતે ધંધા શરૂ કરવા ઘણો ખર્ચ કરેલો.

1959માં અહીં ફિડેલ કાસ્ટ્રો પ્રમુખ બન્યા. પછીથી અહીં પ્રવાસનનું મહત્વ ઘટી ગયું છે. 1960ના દશકા દરમિયાન, સરકારે અહીંની ઘણી હોટેલોનું રાષ્ટ્રીયકરણ કર્યું છે. જેઓ ક્યુબા છોડી ગયા છે, તેમના આવાસો સરકારે પોતાને હસ્તક લઈને જાહેર જનતાના ઉપયોગમાં લીધા છે. 1961માં યુ.એસ. સરકારે ક્યુબા સાથેના રાજદ્વારી સંબંધો કાપી નાખેલા, પોતાના નાગરિકો માટે ક્યુબા જવા પર મર્યાદાઓ મૂકી દીધેલી; પરંતુ 1977માં યુ.એસ. તરફથી આ મર્યાદાઓ ઉઠાવી લેવામાં આવેલી. કાસ્ટ્રો વડાપ્રધાન બન્યા પછી, ક્યુબાની સરકારે અહીંના ગ્રામીણ વિસ્તારોને વિકસાવવામાં જુદા જુદા આર્થિક સ્રોતોનો ઉપયોગ કર્યો. હવાનામાં ક્યુબાની લગભગ 20 % જેટલી વસ્તી હોવાથી આવાસોની તંગીની સમસ્યા ઊભી થયેલી. આ તંગી નિવારવા ક્યુબા સરકારે નવા આવાસો પણ બાંધ્યા છે.

ગિરીશભાઈ પંડ્યા