હવાઈ દળ : યુદ્ધ અથવા સશસ્ત્ર સંઘર્ષો દરમિયાન આકાશમાર્ગે દેશનું રક્ષણ કરનાર તથા શત્રુપક્ષનો વિનાશ નોતરનાર લશ્કરની એક લડાયક શાખા અથવા પાંખ. પ્રાથમિક સ્વરૂપે તેની શરૂઆત પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918) દરમિયાન થઈ હતી. પછી વીસમી સદીના અંત સુધીમાં તે લશ્કરની એક સ્વતંત્ર અને મહત્વની શાખા બની ગઈ હતી, તે એટલે સુધી કે હવે કોઈ પણ દેશની સંહારક શક્તિનું માપ તેના હવાઈ દળની લડાયક ક્ષમતા દ્વારા આંકવામાં આવે છે. લશ્કરની આ શાખા શત્રુનાં થાણાંઓ તથા નાગરિક પ્રતિષ્ઠાનો પર બૉંબ ઝીંકી તેમનો નાશ કરવાની કામગીરી કરે છે, પાયદળ તથા નૌકાદળને તેમની લડાયક કામગીરી દરમિયાન આકાશમાંથી ટેકો આપે છે તથા દેશના સંરક્ષણની દૃષ્ટિએ મહત્વ ધરાવતા સંશોધનકાર્યમાં મદદરૂપ થતી હોય છે. એક લડાયક ઘટક તરીકે વિધિવત્ રીતે તેનું લશ્કરમાં પદાર્પણ વીસમી સદીના પૂર્વાર્ધમાં થયું હતું. તે પૂર્વે 1859માં ફ્રાન્સની સેનાએ ઇટાલી સાથેના સંઘર્ષમાં તથા 1861–1865ના ગાળામાં અમેરિકાના આંતરવિગ્રહમાં જે રીતે આકાશમાંથી ગુબ્બારાઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવ્યો તે ઘટનાઓ આધુનિક હવાઈ દળના પૂર્વગામી તરીકે ગણી શકાય; પરંતુ એક સંહારક ઘટક તરીકે વિશ્વને તેનો પરિચય પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જ થયો હતો. તે પૂર્વેના તેના વિકાસના પ્રાથમિક તબક્કામાં તેનો ઉપયોગ જમીન પરની શત્રુની લશ્કરી હિલચાલના નિરીક્ષણ પૂરતો જ મર્યાદિત રહ્યો હતો. ત્યાર બાદ તેના વિકાસના બીજા તબક્કામાં આ પાંખનો ઉપયોગ જમીન પરની પોતાના લશ્કરની લડાયક ટુકડીઓને ટેકો આપવા માટે (supporting units) થવા લાગ્યો. આ બંને તબક્કાઓમાં આ પાંખ લશ્કરની એક પૂરક કે ગૌણ શાખા તરીકે જ અસ્તિત્વ ધરાવતી હતી; પરંતુ વીસમી સદીના ચોથા દાયકામાં હિટલરના નેતૃત્વ હેઠળના નાઝી જર્મનીમાં ત્યાંના લશ્કરના વિસ્તરણના એક અગત્યના ભાગ તરીકે હવાઈ શક્તિનો જે વિકાસ હાથ ધરવામાં આવ્યો તેને હવાઈ દળના વિકાસનો વૈશ્વિક સ્તર પર નિર્ણાયક તબક્કો ગણી શકાય. આ તબક્કામાં જર્મનીમાં ‘લુફ્તવાફ’ નામક લડાયક વિમાનોની સંહારક ટુકડીઓ ઘણી મોટી સંખ્યામાં ઊભી કરવામાં આવી અને તે દ્વારા આધુનિક યુદ્ધ-સંચાલનમાં એક નવું પરિમાણ દાખલ કરવામાં આવ્યું. નાઝી જર્મનીનાં આ વિમાનોએ મિત્રરાષ્ટ્રોનાં અને તેમાં પણ ખાસ કરીને બ્રિટનનાં લશ્કરી થાણાંઓ પર ત્રાટકી તેના પર વારંવાર હુમલાઓ કર્યા અને તે દ્વારા મિત્ર-રાષ્ટ્રોના વર્તુળમાં ભારે દહેશત ઊભી કરવામાં સફળતા મેળવી. ત્યાર બાદ ડિસેમ્બર 1941માં જાપાનનાં લડાયક વિમાનોએ અમેરિકાના તાબા હેઠળના પૅસિફિક વિસ્તારના પર્લ હાર્બર બંદર પર ભયંકર વિનાશક હુમલો કર્યો અને તે દ્વારા હવાઈ દળની અમાપ ગર્ભિત શક્તિનો વિશ્વને પરિચય કરાવ્યો. જાપાને કરેલા આ ઓચિંતા હુમલામાં અમેરિકાની કુલ ઓગણીસ લડાયક નૌકાઓ, જેમાં આઠ મોટી નૌકાઓ હતી, ડુબાડવામાં આવી. અમેરિકાનાં 188 લડાયક વિમાનો નષ્ટ કરવામાં આવ્યાં અને સૈનિકોની ખુવારી પણ મોટા પાયા પર થઈ હતી જેમાં 60 મૃત નાગરિકો હતા અને 1109 ઈજાગ્રસ્ત). આ ઐતિહાસિક બનાવ બાદ જ અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધમાં પ્રત્યક્ષ રીતે ઝંપલાવ્યું હતું અને બધા જ દેશોએ સંરક્ષણની એક અગત્યની સ્વતંત્ર પાંખ તરીકે હવાઈ દળનો સ્વીકાર કર્યો હતો. પર્લ હાર્બરના બનાવને પરિણામે ત્યાર પછીના સશસ્ત્ર સંઘર્ષોમાં વ્યૂહરચના (strategy) અને રણનીતિ (tactics) આ બંનેમાં પાયાના ફેરફારો દાખલ થયા હતા.
જુલાઈ 1947માં અમેરિકાએ હવાઈ દળનો લશ્કરના એક સ્વતંત્ર ઘટક તરીકે વિકાસ કરવાનો નિર્ણય કર્યો. કોરિયાનું યુદ્ધ (1950–1953), વિયેટનામનું યુદ્ધ (1957–1975), ખાડી યુદ્ધ (1990) અને છેલ્લે ઇરાક સામેની લશ્કરી કાર્યવાહી (2005) દરમિયાન અમેરિકાએ પોતાના હવાઈ દળનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. અમેરિકા પાસે વર્ષ 2008માં જે હવાઈ દળ છે તેની સંહારક શક્તિ વિશ્વના અન્ય બધા જ દેશોના હવાઈ દળની એકંદર સંહારક શક્તિ કરતાં બમણી છે એવી માન્યતા છે. 1945ના મધ્યમાં જાપાનનાં બે નગરો – હિરોશિમા અને નાગાસાકી પર બે અણુબૉમ્બ ઝીંકીને અમેરિકાએ પોતાના હવાઈ દળની સંહારક શક્તિનો પરિચય વિશ્વને કરાવ્યો હતો આ હકીકત નોંધપાત્ર છે.
મિરાજ 2000
ભારતનું હવાઈ દળ : ભારતના લશ્કરની ત્રણ મુખ્ય પાંખોમાં ભારતનું હવાઈ દળ (Indian Air Force) સૌથી છેલ્લે અસ્તિત્વમાં આવેલું લડાયક દળ છે. ઑક્ટોબર 1932માં ભારતની તત્કાલીન કેન્દ્રીય ધારાસભાએ પસાર કરેલ ખરડા મુજબ 01 એપ્રિલ 1933ના રોજ ભારતીય હવાઈ દળનું નંબર 01 સ્ક્વૉડ્રન અસ્તિત્વમાં આવ્યું હતું જેમાં છ તાલીમબદ્ધ અધિકારીઓ, 19 હવાઈ સૈનિકો અને 4 વેસ્ટલૅન્ડ વાપિતિ 11A બાયપ્લેન્સનો સમાવેશ થયો હતો. બીજું વિશ્વયુદ્ધ (1939–1945) શરૂ થયું ત્યારે ભારતીય હવાઈ દળમાં 16 અધિકારીઓ અને 612 જવાનોનો સમાવેશ હતો જે પાંચ શાખાઓ(flights)માં વિભાજિત કરવામાં આવ્યું હતું : (1) ચેન્નાઈ ખાતે નંબર 01 ફ્લાઇટ, (2) મુંબઈ ખાતે નંબર 02 ફ્લાઇટ, (3) કોલકાતા ખાતે નંબર 03 ફ્લાઇટ, (4) કરાંચી ખાતે નંબર 04 ફ્લાઇટ અને (5) કોચી ખાતે નંબર 05 ફ્લાઇટ. ત્યાર બાદ વિશાખાપટ્ટનમ ખાતે 06 નંબરનો ફ્લાઇટ એકમ પણ ઊભો કરવામાં આવ્યો હતો. 19391944 દરમિયાન ભારતીય હવાઈ દળનું નવ સ્ક્વૉડ્રન્સમાં વિસ્તરણ થયું હતું. 26 જાન્યુઆરી 1950 સુધી તે ‘રૉયલ ઍર ફોર્સ’ (RAF) તરીકે ઓળખાયું; પરંતુ તે તારીખથી અને ત્યાર બાદ હવે તે ‘ઇન્ડિયન ઍર ફોર્સ’(IAF)ના નવા નામથી ઓળખાય છે. ઑગસ્ટ 1945માં તેનું સંખ્યાબળ 28,500 જેટલું હતું જેમાં 1,600 અધિકારીઓ અને બાકીના સૈનિકો હતા. જાન્યુઆરી 1950માં ભારતીય હવાઈ દળના છ લડાયક સ્ક્વૉડ્રન્સ હતા જેમાં સ્પિટફાયર્સ, વૅમ્પાયર્સ અને ટેમ્પેસ્ટ્સ – આ ત્રણ પ્રકારનાં લડાયક વિમાનોનો સમાવેશ થયો હતો.
ભારતીય હવાઈ દળની સ્થાપનાથી અત્યાર સુધી(2008)માં તેણે 74 પ્રકારનાં લડાયક વિમાનોનો અખતરો કર્યો છે જેનું ઉત્પાદન જુદા જુદા દેશોમાં થયેલું છે. તેમાં ફાઇટર બૉમ્બર્સ, ઍર સુપિરિયોરિટી ફાઇટર વિમાનો, ઇન્ટરસેપ્ટર્સ, ટ્રાન્સપૉર્ટ અને લૉજિસ્ટિક ઍરક્રાફ્ટ, હેલિકૉપ્ટર્સ વગેરેનો સમાવેશ થાય છે. આ વિમાનોમાં હન્ટર્સ, મિગ લડાયક વિમાનો, મિરાજ વિમાનો, કૅનબેરા, બોઇન્ગ, એમ.આઈ. (MI), ચેતક અને ચીતા, સુખોવ ઇત્યાદિ વિમાનો હોય છે. મિગ-23 અને કૅનબેરા લડાયક વિમાનોને વર્ષ 2007માં ભારતીય વિમાનદળમાંથી ફારેગ કરવામાં આવ્યાં છે, જ્યારે બ્રિટનમાં બનાવેલાં વિશ્વમાં પ્રથમ નંબરનાં ગણાતાં હૉક ટ્રેનર ઍરક્રાફ્ટ વર્ષ 2004ના એક કરાર મુજબ ભારતીય હવાઈ દળમાં સામેલ કરવામાં આવ્યાં છે જેમની સંખ્યા 66 છે (2008).
ચીતા
ભારતીય હવાઈ દળના સર્વોચ્ચ અધિકારી ‘ચીફ ઑવ્ ધી ઍર સ્ટાફ’નો હોદ્દો ધરાવે છે જેમને મદદ કરવા વાઇસ ચીફ ઑવ્ ઍર સ્ટાફ, ડેપ્યુટી ચીફ ઑવ્ ઍર સ્ટાફ, ઍર ઑફિસર ઇનચાર્જ (ઍડમિનિસ્ટ્રેશન), ઍર ઑફિસર ઇન ચાર્જ (પર્સોનેલ) અને ઍર ઑફિસર ઇન ચાર્જ (મેન્ટેનન્સ). આ પાંચ ઉચ્ચ અધિકારીઓ હોય છે. ભારતીય હવાઈ દળનું મુખ્ય મથક દિલ્હી ખાતે છે.
ભારતીય હવાઈ દળને પાંચ ભૌગોલિક વિભાગોમાં વહેંચવામાં આવેલ છે : (1) વેસ્ટર્ન ઍર કમાન્ડ, (2) સાઉથ-વેસ્ટર્ન ઍર કમાન્ડ, (3) સેન્ટ્રલ ઍર કમાન્ડ, (4) ઇસ્ટર્ન ઍર કમાન્ડ, અને (5) સધર્ન ઍર કમાન્ડ.
સુખોઈ 30
ભારતીય હવાઈ દળના ઉચ્ચ અધિકારીઓના હોદ્દાઓનાં નામ આ પ્રમાણે હોય છે : ઍર ચીફ માર્શલ (સર્વોચ્ચ અધિકારી), ઍર માર્શલ, ઍર વાઇસ માર્શલ, ઍર કમાન્ડર, ગ્રૂપ કૅપ્ટન, વિંગ કમાન્ડર, સ્ક્વૉડ્રન લીડર, ફ્લાઇટ લેફ્ટેનન્ટ, ફ્લાઇંગ ઑફિસર અને પાઇલટ ઑફિસર. ભારતીય હવાઈ દળના નિવૃત્ત વડા ઍર માર્શલ અર્જનસિંગને વર્ષ 2002માં ઍર ચીફ માર્શલનો હોદ્દો આપવામાં આવ્યો હતો જે પાયદળના ફીલ્ડ માર્શલની સમકક્ષ ગણાય છે.
ભારતે પ્રક્ષેપણોના વિકાસમાં નોંધપાત્ર કામગીરી કરી છે. તેમાં પૃથ્વી, ત્રિશૂલ, આકાશ, નાગ અને અગ્નિ નામ ધરાવતાં પ્રક્ષેપણાર્થોનો સમાવેશ થાય છે. ઓરિસાના ચાંદીપુર ખાતે નવાં પ્રક્ષેપણોની કસોટી અને ચકાસણી થતી હોય છે. અગ્નિ પ્રક્ષેપણાસ્ત્ર 2500 કિમી. જેટલી સંહારક શક્તિ ધરાવે છે અને તે ઇન્ટરમીડિએટ રેન્જ બૅલિસ્ટિક સર્ફેસ-ટુ-સર્ફેસ પ્રકારનું પ્રક્ષેપણાસ્ત્ર છે. પ્રક્ષેપણાસ્ત્રોના વિકાસની બાબતમાં વિશ્વમાં ભારતનો ક્રમ અમેરિકા, ફ્રાન્સ, રશિયા અને ચીન પછી પાંચમો છે.
15 ઑગસ્ટ 1947માં ભારત દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી ભારત પર થયેલાં પાંચ સશસ્ત્ર વિદેશી આક્રમણોનો જડબેસલાક જવાબ આપવામાં ભારતીય હવાઈ દળની કામગીરી શકવર્તી સાબિત થઈ છે. આઝાદી મળ્યા પછી લગભગ તરત જ જમ્મુ અને કાશ્મીર પર આક્રમણ દ્વારા કબજો મેળવવાના પાકિસ્તાનના છદ્મ પ્રયાસ દરમિયાન તે ખાળવા માટે ભારતીય હવાઈ દળે પાટનગર દિલ્હીના હવાઈ મથકથી શ્રીનગર હવાઈ માર્ગ પર ભારતીય સૈનિકોને ઉતારવાની સફળ અને કપરી કામગીરીને કારણે જ કાશ્મીરમાં કવાયતીઓના સ્વાંગમાં ઘૂસણખોરી કરનાર પાકિસ્તાની લશ્કરને પાછા ખસેડવાનું શક્ય બન્યું હતું. તેવી જ રીતે ઑક્ટોબર 1962માં ચીને જ્યારે ભારતના ઉત્તરપૂર્વથી દેશ પર આક્રમણ કર્યું ત્યારે અગ્રિમ ઇલાકાઓમાં ચીની લશ્કર સામે લડતા ભારતના સૈનિકો માટે રસદ (supplies) પૂરી પાડવાની જોખમભરી કામગીરી પણ ભારતના હવાઈ દળે સફળતાથી પૂરી પાડી હતી. 1971માં બાંગ્લાદેશની આઝાદીના સંગ્રામ વખતે તે વર્ષના ડિસેમ્બર માસમાં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ત્યારે પણ દુશ્મનનાં લશ્કરી થાણા પર આક્રમણ કરી પાકિસ્તાની લશ્કરનો સફાયો કરવામાં ભારતીય હવાઈ દળે શકવર્તી કામગીરી કરી હતી. ઉપરની કામગીરી દરમિયાન ભારતીય હવાઈ દળનાં હન્ટર્સ, નૅટ્સ, મિગ-21 જેવાં લડાયક વિમાનોની શૌર્યગાથાની યાદ આજે પણ તાજી છે. મે 1999માં કારગીલ ક્ષેત્રમાં પણ પાકિસ્તાને જે ઘૂસણખોરી કરી હતી તેનો જડબેસલાક જવાબ ભારતીય લશ્કરે આપ્યો હતો અને તેમાં પણ ભારતીય હવાઈ દળની કામગીરી નોંધપાત્ર રહી હતી.
તે ઉપરાંત ભારતીય હવાઈ દળની ત્રણ અન્ય શૌર્યગાથા પણ નોંધપાત્ર ગણાય છે : (1) લદ્દાખના ઉત્તર તરફના સિયાચીન હિમખંડ (ગ્લૅશિયર) પર કબજો મેળવવા માટે હાથ ધરવામાં આવેલ લશ્કરી કામગીરી જે ‘ઑપરેશન મેઘદૂત’ નામથી ઓળખાય છે. છેક એપ્રિલ 1984થી ભારતીય હવાઈ દળ તે વિસ્તારમાં અત્યંત જટિલ ઇલાકામાં રસદ પહોંચાડવાનું અત્યંત કપરું કામ કરી રહ્યું છે. (2) 1987માં સતત ત્રીસ માસ સુધી ચલાવવામાં આવેલ ‘ઑપરેશન પવન’ જેને આશ્રયે ભારતીય હવાઈ દળે શ્રીલંકામાં શાંતિ પ્રસ્થાપિત કરવાની કામગીરી માટે મોકલવામાં આવેલ એક લાખ ભારતીય સૈનિકો(IPKF)ને રસદ પહોંચાડવા માટે કરેલી કામગીરી. (3) 1988માં ‘ઑપરેશન કૅક્ટસ’ હેઠળ ભારતના દક્ષિણ-પશ્ચિમ કિનારા નજીક સ્વતંત્ર માલદીવ ટાપુ પર થયેલ બાહ્ય આક્રમણ ખાળવા માટે ભારતીય હવાઈ દળે કરેલ ઝડપી કામગીરી.
મિગ 23
ઑક્ટોબર 1993થી ડિસેમ્બર 1994 દરમિયાન ભારતીય હવાઈ દળે રાષ્ટ્રસંઘના નેજા હેઠળ સોમાલિયામાં પણ શાંતિસ્થાપના માટે યશસ્વી કામગીરી કરી હતી. ભારતમાં જ્યારે પણ કોઈ પ્રાકૃતિક આપદા આવે છે ત્યારે ભારતીય હવાઈ દળ તે દરમિયાન તેને સોંપેલ કામગીરી નિષ્ઠાપૂર્વક કરે છે. ડિસેમ્બર 2008ના મધ્યમાં મળેલ માહિતી મુજબ ભારતીય હવાઈ દળની મંજૂર થયેલ (authorised) સંખ્યા 39.5 સ્ક્વૉડ્રન્સની છે જેની હાલની વાસ્તવિક સંખ્યા માત્ર 32 સ્ક્વૉડ્રન્સ જેટલી છે. આ ક્ષતિ દૂર કરવા માટે વર્ષ 2001–08ના ગાળામાં SU–30 MKI જાતના માત્ર ત્રણ સ્ક્વૉડ્રન્સ ભારતીય હવાઈ દળમાં ઉમેરવામાં આવ્યા છે. સંરક્ષણ વ્યવસ્થાના સંદર્ભમાં આ ત્રુટિ જોખમકારક ગણાય.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે