હળપતિ : હળનો માલિક. મહાત્મા ગાંધીજીએ 1923માં આ લોકો પર લાગેલા ‘બંધુઆ મજૂર’(bonded labour)ના કલંકને દૂર કરવા ‘હળપતિ’ એવું નામ આપ્યું ત્યારથી તેઓ હળપતિ તરીકે ઓળખાય છે. આ લોકો ઘણે ભાગે ઉજળિયાત કે સવર્ણના હાળી તરીકે પેઢી દર પેઢી કામ કરતા હોવાથી હળપતિ તરીકે ઓળખાય છે. હાળી એટલે કાયમી ખેતમજૂર, જે હળથી ખેતી કરે છે તે.
હળપતિઓ ‘દૂબળા’ તરીકે ઓળખાય છે. ‘દૂબળા’નો અર્થ દુર્બલ, નબળો કે માયકાંગલો થાય છે. આ લોકો સખત પરિશ્રમ કરતા હોવાને લીધે જલદી વૃદ્ધ બની જાય છે. આ લોકો અમુક કામ કરવાનો નિશ્ચય કરે તો તે કામ પૂર્ણ કરીને જ બેસે છે. તેમની સાથે સારો વર્તાવ કરવામાં આવે તો કલાકો સુધી કામ કરે છે અને જો ધમકાવવામાં આવે તો તેઓ રિસાઈ જાય છે અને કામ કરતા નથી.
ગુજરાતમાં સંખ્યાની દૃષ્ટિએ ભીલ પછી બીજો ક્રમ હળપતિનો આવે છે. સને 2001ની વસ્તીગણતરી પ્રમાણે તેમની વસ્તી સાત લાખથી વધુ હોવાનો અંદાજ છે. આ લોકો મુખ્યત્વે સૂરત, ભરૂચ, નર્મદા, ડાંગ, નવસારી ઉપરાંત વડોદરા જિલ્લામાં વસવાટ કરે છે. આ સિવાય તેઓ મહારાષ્ટ્રના થાણા જિલ્લાના દહાણુ અને તલસરી વિસ્તારમાં તેમજ દીવ, દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં વસે છે. ઘણે ભાગે આ લોકો સવર્ણો તેમજ અન્ય આદિવાસી સમુદાયો વચ્ચે ફળદ્રૂપ અને સપાટ મેદાની વિસ્તારમાં રહે છે.
હળપતિ લોકો ખેતી અને ખેતમજૂરીનું કામ કરીને જીવનનિર્વાહ કરે છે. તેમનામાં બીજી કોઈ આવડત ન હોવાથી શેઠ, શાહુકારો અને જમીનમાલિકોને ત્યાં ખેતમજૂરીનું કામ કરે છે. શેઠ, શાહુકારો અને જમીનદારો તેમના પર ખેતીકામ માટે આધાર રાખીને ઉછીના પૈસા આપે છે. જ્યાં સુધી પૈસા ચૂકવાય નહિ ત્યાં સુધી જમીનદારોને ત્યાં મજૂરી કામ કરે છે. હળપતિનું કુટુંબ પણ જમીનદારને ત્યાં ઘરઘાટી તરીકે ઘરનું અને ખેતીનું કામ કરે છે. હળપતિ પાસે પોતાનું ઝૂંપડું બાંધવા પૂરતીયે પોતાની જમીન હોતી નથી. કાનૂને ભલે તેમને વેઠ અને ગુલામીમાંથી મુક્ત કર્યા હોય, પણ તેઓ હજુ ગુલામીમાંથી બહાર આવ્યા નથી. તેમને સવર્ણોની ગુલામીમાંથી છોડાવવાનું કામ કઠિન છે.
હળપતિ લોકો સૂકા દુષ્કાળગ્રસ્ત પ્રદેશમાંથી, તો કેટલાક દરિયાઈ માર્ગે આવ્યા હોવાનું મનાય છે. આ લોકો ફળદ્રૂપ જમીન, સારો વરસાદ, સારું ઉત્પાદન થતું હોય તેવા પ્રદેશોમાં રહેવાનું પસંદ કરે છે. ખેતી અને ખેતમજૂરીનાં કામો કરે છે.
હળપતિ પોતાને રાજપૂત તરીકે ગણાવે છે. રણમેદાનમાં લડાઈ કરવાનો પડકાર તેઓ ઝીલી ન શક્યા. હારવાના ભયથી તેમના નાયકે લડવાની ના પાડી અને ઉપરથી દૂબળા કહ્યા. દૂબળાના મૂળ વતનમાં દુષ્કાળ પડ્યો. તેનાથી બચવા તેઓ હિજરત કરીને એક ગામમાં પહોંચ્યા. ઘણા સમય સુધી અન્ન-જળ ન મળ્યાં એટલે કોઈકે કહ્યું કે તેઓ અહીંના પ્રદેશમાં રહેતા દૂબળા છે.
હળપતિનાં ઘર જમીનદારની જમીન પર હોય છે. આ લોકોની ખેતી અને ઘરના રોજિંદા કામમાં વારંવાર જરૂર પડે છે એટલે જમીનદાર તેમને ખેતરની નજીકમાં થોડી જમીન ઝૂંપડું બનાવવા માટે કાઢી આપે છે. આ જમીન પર તેઓ જાતે મહેનત કરીને ઝૂંપડું ઊભું કરે છે. દીવાલો સાંઠી અને માટીની બનેલી હોય છે અને છાપરું ઘાસ અને નળિયાનું. એક ઝૂંપડામાં 7થી 8 વ્યક્તિઓ રહે છે. તેમની પાસે ઘરવખરીમાં વાસણો, ખાટલા, ગોદડાં, રેડિયો, ટેલિવિઝન વગેરે હોય છે. કેટલાક લોકો પાસે ટેબલ, ખુરશી, પલંગ, કબાટ વગેરે પણ જોવા મળે છે.
આ લોકોનો પહેરવેશ સવર્ણો જેવો હોય છે. પુરુષો ખમીસ-ધોતિયું અને માથે ટોપી પહેરે છે. યુવાનો પૅન્ટ-શર્ટ પહેરે છે. સ્ત્રીઓ ગુજરાતી ઢબે તો કેટલીક કછોટો મારીને સાડી પહેરે છે. નાના છોકરાઓ ચડ્ડી, બુશકોટ અને છોકરીઓ ચડ્ડી-ફ્રૉક પહેરે છે. યુવાન સ્ત્રીઓ પંજાબી ડ્રેસ અને દક્ષિણી સાડી પહેરે છે. સ્ત્રીઓ ઘરેણાંની શોખીન હોય છે.
આ લોકોની કોઈ આગવી બોલી નથી. ગુજરાતી ભાષાનો ઉપયોગ વાતચીત કરવા માટે કરે છે. એમનું સાહિત્ય પણ ગુજરાતી ભાષામાં જ છે. પ્રથમ ગુજરાતી સમાચારપત્ર છાપવાનું શરૂ કરનારા પારસી લોકો પોતાની સાથે હળપતિને મુંબઈ લઈ ગયા હતા. તેઓ દિવસે ગાડી હાંકવાનું અને રાત્રે કંપોઝિંગનું કામ કરતા હતા.
આ લોકોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, પણ જે લોકોએ થોડું શિક્ષણ મેળવ્યું છે તેઓ નાના પાયાના ઉદ્યોગોમાં કામદાર તરીકે, હીરાના કારખાનામાં કારીગર તરીકે કામ કરે છે. કેટલાક ચોથા વર્ગના કર્મચારી તરીકે કામ કરે છે. થોડાક શિક્ષિત લોકો શહેરી વિસ્તારમાં સરકારી કે ખાનગી નોકરી કરે છે, બાકીના ખેતી અને ખેતમજૂરીનું કામ કરતા હોય છે.
હળપતિ લોકો શાકાહારી અને પ્રસંગોપાત્ત, બિનશાકાહારી ખોરાક લે છે. ખોરાકમાં સામાન્ય રીતે જુવારના રોટલા, શાક, ભડથું, કંદમૂળ વગેરે ખાય છે. વારતહેવારે મિષ્ટાન્ન ખાય છે. આ લોકો શિકાર અને દારૂના શોખીન હોય છે. મહુડાનો દારૂ દેવને પ્રસાદી રૂપે ધરાવીને પીએ છે. લગ્ન, મરણ જેવા પ્રસંગોમાં સગાંસંબંધીઓને દારૂ પાય છે. અન્ય વ્યસનોમાં બીડી, તમાકુ અને ગુટકા લે છે.
હળપતિઓ સમાજમાન્ય લગ્નપ્રથાને અનુસરે છે. મા-બાપ દ્વારા નક્કી કરેલ તથા સ્વ-પસંદગીનાં લગ્ન માન્ય ગણાય છે. લગ્નસાથીની પસંદગીમાં માતા-પિતાની પાંચ પેઢીને બાકાત રાખી અમુક નિશ્ચિત વિસ્તાર કે ગોળમાં લગ્ન કરે છે. લગ્ન 18થી 25 વર્ષની વચ્ચે હિન્દુ વિધિ પ્રમાણે હોળી પછી બ્રાહ્મણ પાસે કરાવે છે. લગ્ન પૂર્વે નાની તાડી અને મોટી તાડી જેવા પ્રસંગો ઊજવે છે.
માણસ મૃત્યુ પામે કે તરત જ સગાંસંબંધીને ખબર કરે છે. મૃતદેહને સ્નાન કરાવી નવાં કપડાં પહેરાવીને સ્મશાનયાત્રા કાઢે છે. મૃતદેહની ચારે બાજુ દીવા મૂકી પ્રદક્ષિણા ફરે છે જેને ‘વિસામો’ કહે છે. મૃતદેહના અગ્નિસંસ્કાર કરી તેનાં અસ્થિ અને રાખ નદી કે તળાવમાં પધરાવે છે. ત્રીજા કે પાંચમા દિવસે મુંડન કરાવે છે. 12 દિવસ સુધી સૂતક રાખે છે. બારમે દિવસે બારમાની વિધિ કરવા ભગતને બોલાવે છે. સગાંસંબંધીઓને જમાડે છે. મૃતકની પાછળ લાકડાનાં પૂતળાં કે ખતરા બેસાડીને વારતહેવારે તેની પૂજા કરે છે અને દર ચૈત્ર માસમાં શ્રાદ્ધ કરે છે.
આ લોકોમાં ભૂત, પ્રેત, ભગત, ભૂવા, ડાકણ વગેરેની માન્યતા જોવા મળે છે. નજર લાગવી, દેવદેવી કોપાયમાન થાય તો રોગ થાય અને મુશ્કેલી આવે જેવી માન્યતાઓ ધરાવે છે. એ બધાંથી બચવા દેવીદેવતાની બાધા-માનતા રાખીને ભગત, ભૂવા પાસે જાય છે. તેઓ વિવિધ દેવદેવીઓમાં શ્રદ્ધા ધરાવે છે. કંસરી દેવી, ઉનાઈ માતા, વેરાઈ માતા, ભોખલી માતા, મરકી માતા, શિકોતરી માતા, દેવલ માડી જેવી માતાઓ તથા ભરમ-દેવ, બળિયાકાકા, હીરવાદેવ વગેરેમાં માને છે. દેવીદેવતાને પ્રસન્ન રાખવા બકરા કે કૂકડાનો ભોગ ધરાવીને ધાર્મિક વિધિ કરે છે.
આ જાતિની 25 પેટાજાતિઓ છે, તે પૈકીની ત્રણ મુખ્ય છે : તલાવિયા, વહોરિયા અને ખારચા. તળાવના કાંઠે રહેનારા તલાવિયા, વહોરાઓને ત્યાં નોકરી કરતા હોવાથી વહોરિયા કહેવાયા. ખારચા હલકા ગણાય છે. અન્ય પેટા જાતિઓનાં નામ સ્થળ પરથી પડ્યાં છે; જેમ કે, માંડવિયા, વલસાડિયા, ઓલપાડિયા વગેરે. મુખ્ય જાતિઓને બાદ કરતાં અન્ય પેટા જાતિઓના લોકો સાથે તેઓ રોટીબેટીનો વ્યવહાર રાખતા નથી.
હોળી, દિવાળી, દિવાસો, શીતળા સાતમ વગેરે તેમના મુખ્ય તહેવારો છે. દિવાસાના દિવસે કુંવારી કન્યા ઢીંગલા-ઢીંગલીનાં લગ્ન કરાવે છે. તહેવારના દિવસોમાં તૂર અને થાળી સાથે તાલ મિલાવીને, નાચગાન કરીને મનોરંજન મેળવે છે. બેલડી-નૃત્ય, હોળી-નૃત્ય, ઘેરિયા-નૃત્ય, સમૂહ-નૃત્ય, મરઘી-ચાળો, પાટલા-ઘો-ચાળો, શેરડી-ચાળો, ખિસકોલી-ચાળો વગેરે જેવાં નૃત્યો કરે છે. નૃત્યોમાં પણ આધુનિકીકરણની અસર થવાથી નૃત્યોનું પ્રમાણ ઓછું થયું છે; આમ છતાં તેમની મૌખિક પરંપરાને સંગીત અને નૃત્ય દ્વારા અનુમોદન આપવામાં આવે છે. ઢોલ અને નાગદા જેવાં સંગીતનાં સાધનોનો ઉપયોગ સામાજિક–ધાર્મિક તહેવારોની ઉજવણી માટે કરે છે.
તેમનું પરંપરાગત જ્ઞાતિપંચ હોય છે, જેની મુખ્ય વ્યક્તિ ફળિયા-પટેલ કે મુખી હોય છે. પ્રાદેશિક પંચાયત હળપતિ સમાજ તરીકે પ્રચલિત છે; જેમાં પ્રમુખ, મંત્રી, મુખી અને કમિટીના સભ્યો હોય છે. આ પંચ ઝઘડાનો ઉકેલ લાવે છે. જ્ઞાતિના આંતરિક માળખામાં સુધારાવધારા કરીને સમાજવિકાસનાં અને ગ્રામવિકાસનાં કામો કરવામાં આવે છે.
હળપતિની દારુણ સ્થિતિને ધ્યાનમાં રાખીને મહાત્મા ગાંધીજીએ ‘હળપતિ સેવા સંઘ’ની સ્થાપના કરી, જેમાં સરદાર પટેલ અને જુગતરામ દવે જેવા સંનિષ્ઠ કાર્યકરોએ હળપતિ-કલ્યાણ દ્વારા સર્વાંગી વિકાસ કરવાનો પ્રયાસ કર્યો છે. તેના પરિણામે હળપતિ લોકો પોતાનાં સંતાનોના શિક્ષણમાં રસ દાખવીને શાળામાં મોકલે છે. આરોગ્ય અને તબીબી સેવાનો લાભ લેતા થયા છે. કુટુંબકલ્યાણનાં કાર્યો અસરકારક બન્યાં છે. આ ઉપરાંત હળપતિ-સંગઠન, ખેતમજૂર સહકારી મંડળી, હળપતિ શિક્ષણ પ્રચાર જેવી સંસ્થાઓ તેઓના કલ્યાણ માટે કાર્ય કરે છે.
હર્ષિદા દવે