હલ, સારા જૉસેફ (બ્યુલ) (જ. 24 ઑક્ટોબર 1788, ન્યૂ પૉટ, ન્યૂ હેમ્પશાયર, અમેરિકા; અ. 30 એપ્રિલ 1879, ફિલાડેલ્ફિયા) : અમેરિકાની મહિલાવાદી નેત્રી, કવયિત્રી, નવલકથાકાર અને સંપાદક. અઢારમી સદીના આરંભે અમેરિકામાં મહિલાશિક્ષણ નહિવત્ હતું ત્યારે ભાઈ હોરેશિયો પાસે વાંચન-લેખન શીખી, મોડેથી સ્નાતક બન્યાં તેમજ થોડા સમય માટે શિક્ષિકા બન્યાં. 25ની વયે ડૅવિડ હલ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. લગ્નજીવનનાં પ્રારંભિક બે વર્ષ દરમિયાન આ દંપતી પ્રત્યેક રાત્રે ફ્રેંચ, લૅટિન, વનસ્પતિશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર અને જગતના ઇતિહાસનો અભ્યાસ કરતાં. પતિના પ્રોત્સાહનથી સારાએ પ્રાસંગિક લેખો લખવાનું કામ આરંભ્યું.
નવ વર્ષના લગ્નજીવન દરમિયાન તેઓ પાંચ બાળકોનાં માતા બન્યાં; પરંતુ પાંચમા બાળકના જન્મના બે મહિના પૂર્વે જ તેમના પતિનું ન્યુમોનિયાને કારણે અચાનક અવસાન થયું ત્યારે તેમનું સૌથી મોટું બાળક નવ વર્ષનું હતું. આ વેળા તેમની આર્થિક મૂડી શૂન્ય હતી, વળી બાળકોની સારસંભાળ કરવા તેમની પાસે ભરણપોષણની કોઈ ક્ષમતા પણ નહોતી.
આથી ઉદરનિર્વાહ માટે તેમણે મહિલાઓ માટેની ટોપીઓની એક દુકાન ખોલી પણ તે પ્રયાસ નિષ્ફળ નીવડ્યો. તેમણે લેખનની કામગીરી આરંભી અને ચમત્કાર સર્જાયો. તેમની ‘નૉર્થવુડ : અ ટેલ ઑવ્ ન્યૂ ઇંગ્લૅન્ડ’ (1827) નવલકથા પ્રકાશિત થઈ. ગુલામીપ્રથાની ભારે નિંદા કરતી અમેરિકાના અંગ્રેજી સાહિત્યની આ બીજી નવલકથા હતી. હૅરિયેટ સ્ટૉવની ‘અંકલ ટૉમ્સ કેબિન’ (1811–1896) પછી 20 વર્ષ બાદ ગુલામી પ્રથાનો વિરોધ કરતી આ નોંધપાત્ર નવલકથા હતી, જે તે વર્ષોમાં ‘ઉત્તમ વેચાણ’ ધરાવતી નવલકથા બની રહી. હજુ તો ત્રણ દાયકા બાદ ગુલામીપ્રથાના પ્રશ્ને અમેરિકા ગૃહયુદ્ધ (1861–65) લડવાનું હતું, ત્યારે સારાની આ નવલકથાએ ખળભળાટ મચાવી મૂક્યો. આ નવલકથા દ્વારા તેમણે અપ્રતિમ સાહસ સાથે પાકી સિદ્ધાંતનિષ્ઠા વ્યક્ત કરી. ત્યાર બાદ બૉસ્ટન પબ્લિશિંગ હાઉસ નામની પ્રકાશનસંસ્થાએ તેમને સંપાદક તરીકે આમંત્રિત કરતાં તેમણે જનજીવનના પ્રશ્નોને વાચા આપી.
સારા જૉસેફ હલ (બ્યુલ)
આ અરસામાં અમેરિકાના ચાર્લ્સટાઉન ખાતે ‘બંકરહિલ મૉન્યુમેન્ટ’ (બંકરહિલ રાષ્ટ્રીય સ્મારક) બની રહ્યું હતું. 12.2 મીટર(40 ફૂટ)ની ઊંચાઈએ પહોંચેલા આ સ્મારકનું કામ નાણાંના અભાવે અટકી ગયેલું. આ માટે તેમણે બૉસ્ટનના ક્વીન્સી હૉલ ખાતે પ્રદર્શન યોજી, દેશભરની મહિલાઓએ ગૂંથણ, અંકોડીકામ તથા જામ-જેલી બનાવી મહિલા-સંચાલિત ઉદ્યોગોનાં ઉત્પાદન વેચી 30,000 ડૉલર એકત્ર કર્યા. રાષ્ટ્રીય સ્મારકના આર્થિક અવરોધમાં નાનું શું કોડિયું બની તેમણે નાણાકીય તંગીના અંધકારને ઉલેચ્યો. ‘ધ મૉન્યુમેન્ટ’ના પ્રકાશનમાં તેમણે જણાવેલું કે ‘ગરીબોને તમારું દાન નહિ પણ રોજગારી જોઈએ છે.’
આ પછી સારાએ ‘સીમેન્સ એઇડ સોસાયટી’ (Seaman’s Aid Society) રચી. ‘અમેરિકન મર્ચન્ટ મરિન લાઇબ્રેરી’ નામની મહિલાઓ માટેની ઔદ્યોગિક શાળાની અને નર્સરી શાળાની શરૂઆત કરી. મહિલાઓનાં વેતનો અને કામની સ્થિતિ સુધારવા માટે સૌપ્રથમ મહિલા સંગઠન શરૂ કર્યું. સારા બાળમજૂરી વિરુદ્ધ ઊહાપોહનો આરંભ કરનાર પ્રથમ મહિલા હતી. એ જ રીતે કિશોરો અને યુવાનોને રમતગમત માટે જાહેર ખેલમેદાનો મળે તે માટે તેમણે નિષ્ફળ લડત આદરેલી. રહેણાક માટે સ્વચ્છ આવાસોના સંદર્ભમાં મૉડલ ટેનામેન્ટ્સના વિચાર અને પ્રયાસોને તેમણે સમર્થન પૂરું પાડ્યું. પરિણીત મહિલા માટે મિલકતના અધિકારને પુરસ્કાર્યો અને 40 વર્ષ સુધી તેની ઝુંબેશ (campaining) ઉઠાવી.
ફિલાડેલ્ફિયાના લુઈ એન્ટની ગોડીએ સારાના ‘લેડીઝ મૅગેઝીન’ સાથે જોડાણ કરી ‘ગોડીઝ લેડીઝ બુક’ પ્રકાશિત કરવા માંડ્યું જે બૉસ્ટનથી પ્રકાશિત થતું. આ સામયિકની ફૅશન પ્લેટ્સ પર હાથથી રંગપૂરણી કરાતી અને તે માટે દોઢસો મહિલાઓ ઘરે રંગપૂરણીનું કામ કરતી. તેમની સુરુચિપૂર્ણ અને વિવેકભરી સાહિત્યિક સૂઝને કારણે તે સામયિક 1,50,000 નકલોનો અસાધારણ ફેલાવો ધરાવતું, જેનું તેમણે સતત 40 વર્ષ સંપાદન કર્યું હતું. આ સામયિક તે સમયે રાષ્ટ્રવ્યાપી પ્રભાવ ધરાવતું હતું. લૉંગફેલો, હોમ્સ, વ્હીટર, હોથોર્ન અને ઈમરસન વગેરે જાણીતા લેખકોનાં પ્રારંભિક લખાણો સારાએ પ્રસિદ્ધ કરેલાં.
તેઓ મહિલા-શિક્ષણના પ્રખર પુરસ્કર્તા હતાં. શાળાઓ ખોલવા ઉપરાંત તેમણે મેથ્યુ વાસારને સૌપ્રથમ મહિલા કૉલેજ સ્થાપવા પ્રેર્યા. એ જ રીતે શિક્ષિત મહિલાઓને શિક્ષિકા બનવા પ્રેરી. ઘરકામમાં સમયની બચત કરવા ગૃહોપયોગી સાધનોની શોધોને તેમણે આવકારી. આ પ્રયાસોના ભાગ રૂપે 1853માં તેમણે કપડાં ધોવાના યંત્રની શોધને આવકારી જે 1854માં 40 ડૉલરની કિંમતે વેચાતું હતું. એ જ રીતે સલામતીભર્યા ઇલ્યૂમિનેટિંગ ગૅસની શોધને પણ તેમણે આવકારી.
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનને તેમણે ‘નૅશનલ થૅંક્સ ગિવિંગ ડે’ને રાષ્ટ્રીય તહેવાર તરીકે પુન:સ્થાપન (1864) કરવામાં મદદ પૂરી પાડી જેને કારણે તેમને આ દિનના પ્રખર પુરસ્કર્તા તરીકે યાદ કરાય છે.
સાહિત્ય-ક્ષેત્રે બે ડઝન નવલકથાઓ ઉપરાંત તેમનાં અન્ય નોંધપાત્ર પ્રકાશનો હતાં. ‘પોએમ્સ ફૉર અવર ચિલ્ડ્રન’ (1830)ની અંગ્રેજી બાળકાવ્યોની રચના માટે તે ખૂબ જાણીતાં છે. જેમાં ‘મૅરી હૅડ અ લિટલ લેમ્બ’ તેમનું અંગ્રેજી બાળસાહિત્યનું ચિરંજીવ કાવ્ય છે. તેમનું અન્ય નોંધપાત્ર પ્રદાન ‘ધ લેડીઝ રીથ’ (1837) છે, જે અમેરિકાની અને અંગ્રેજી મહિલાઓની કવિતાનો સંગ્રહ છે. મહિલાઓ વિષેની નોંધો, મૂલ્યવાન માહિતી અને જીવનવિષયક માહિતી પૂરી પાડતો કોશસ્વરૂપનો ગ્રંથ ‘વીમેન્સ રેકૉર્ડ ઑર સ્કેચીઝ ઑવ્ ઑલ ડિસ્ટિંગ્વિશ્ડ વીમેન ફ્રૉમ ધ બિગિનિંગ ટિલ એ.ડી. 1850’ (1853) છે. આ ગ્રંથ તેમણે ‘ટુ ધ મૅન ઑવ્ અમેરિકા’ને અર્પણ કરીને મહિલાશક્તિની પિછાન કરાવેલી. આમ ઓગણીસમી સદીના પ્રારંભે તેઓ અમેરિકાની મહિલાઓના વિકાસ માટેનું પ્રચંડ પરિબળ બની રહ્યાં હતાં.
રક્ષા મ. વ્યાસ