હલાહલ : ચીનમાં પ્રચલિત અવલોકિતેશ્વર બોધિસત્વનું વિશિષ્ટ મૂર્તિસ્વરૂપ. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે (લલિતાસનમાં બેઠેલ) આ સ્વરૂપનો વર્ણ શ્વેત છે. તેઓ ત્રિમુખ અને ષડ્ભુજ છે. જમણી બાજુનું મુખ નીલવર્ણનું, ડાબી બાજુનું મુખ રક્તવર્ણનું અને મધ્ય મુખ શ્વેત હોય છે. મસ્તક પાછળ પ્રભામંડળ હોય છે. મસ્તક પર મુકુટમાં અમિતાભ ધ્યાની બુદ્ધને ધારણ કરેલા હોય છે. દેહ પર વ્યાઘ્રચર્મ અને મુખ પર મનોહર હાસ્ય રેલાયેલું જોવા મળે છે. જમણી બાજુના ત્રણ હાથમાં અનુક્રમે વરદ મુદ્રા, અક્ષમાલા અને બાણ ધારણ કરેલ છે જ્યારે ડાબા હાથમાં ધનુષ્ય, કમળ અને ત્રીજો હાથ શક્તિ(પ્રજ્ઞા)ના સાન ઉપર મૂકેલો હોય છે. શક્તિ પ્રજ્ઞા તેમની બાજુમાં અંકિત હોય છે, જે પોતાના ડાબા હાથમાં કમળ ધારણ કરે છે અને જમણા હાથ વડે હલાહલ અવલોકિતેશ્વરને આલિંગન આપતી જણાય છે. તેના મસ્તક પર ફૂલના સુંદર ગજરા શોભે છે. તેમની જમણી બાજુ સર્પ વીંટાળેલ ત્રિશૂળ અને ડાબી બાજુએ કમળ ઉપર કપાલની આકૃતિ કંડારેલી હોય છે. ચીનમાંથી આ સ્વરૂપની વિવિધ પ્રતિમાઓ મળી આવે છે. નેપાળમાંથી એક ઊભી પ્રતિમા પ્રાપ્ત થઈ છે. જેનું મૂર્તિસ્વરૂપ ઉપરોક્ત ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણેનું નજરે પડે છે. ભારતમાંથી હલાહલની પ્રતિમા જવલ્લે જ પ્રાપ્ત થાય છે.
પ્રવીણચંદ્ર પરીખ