હલવારવી, હરભજનસિંહ (જ. 10 માર્ચ 1943, હલવારા, જિ. લુધિયાણા, પંજાબ) : પંજાબી કવિ અને પત્રકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘પુલાં તોં પાર’ માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ગણિત અને પંજાબી સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ પંજાબી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવે છે. તેઓ માધ્યમિક શાળામાં વિજ્ઞાનના શિક્ષક તરીકે જોડાયા. પંજાબી ટ્રિબ્યૂન નામના દૈનિકમાં સંપાદક તરીકે 2002 સુધી કાર્યરત રહ્યા. 1985થી તેઓ પંજાબી ભાષા અકાદમીના ઉપપ્રમુખ, 1989–92 દરમિયાન પંજાબ રાજ્ય યુનિવર્સિટી પાઠ્યપુસ્તક બોર્ડની વહીવટી પરિષદના સભ્ય, 1990–95 દરમિયાન માખનલાલ ચતુર્વેદી રાષ્ટ્રીય પત્રકારિતા વિશ્વવિદ્યાલય, ભોપાલની જનરલ કાઉન્સિલના સભ્ય, 1991 –94 દરમિયાન પંજાબ આર્ટ્સ કાઉન્સિલના સભ્ય, 1991–95 ચંડીગઢ સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષ અને 1994થી પંજાબ સાહિત્ય અકાદમીના પ્રમુખ રહ્યા.
હરભજનસિંહ હલવારવી
તેમણે કુલ 7 ગ્રંથો આપ્યા છે. તેમાં 4 કાવ્યસંગ્રહો : ‘પોન ઉદાસ હૈ’ (1981), ‘પિઘલે હોએ પલ’ (1985), ‘પંખ વિહુણા’ (1991) અને ‘પુલાં તોં પાર’; જ્યારે પ્રવાસવર્ણનના ગ્રંથો : ‘ચીન વિચ કુઝ દિન’ (1986), ‘યાદાં મિત્તેર દેશ દિયાં’ (1991) વગેરે છે.
તેમને અનેક પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે; તેમાં પંજાબ સરકારના ભાષા વિભાગનો ભાઈ વીરસિંહ પુરસ્કાર, ગુરુ નાનકદેવ વિશ્વવિદ્યાલય, અમૃતસરનો પ્રો. મોહનસિંહ માહિર પુરસ્કાર, પંજાબ સરકારનો શિરોમણિ પંજાબી પત્રકાર પુરસ્કાર, પત્રકારત્વ માટે ડૉ. સાધુસિંહ હમદર્દ પુરસ્કાર, પંજાબી સાહિત્ય અકાદમી, લુધિયાણાનો કરતારસિંહ ધાલીવાલ પુરસ્કારનો સમાવેશ થાય છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘પુલાં તોં પાર’ નામક કાવ્યસંગ્રહ તેમાંની સચેત વિચારધારા, રચનાત્મક અને સૌંદર્યપરક દૃષ્ટિ તથા તેની સુગેય શૈલીને કારણે વિશિષ્ટ બન્યો છે. આ ગુણોને કારણે આ કૃતિનું પંજાબીમાં રચાયેલ ભારતીય કાવ્યમાં એક સુંદર યોગદાન રહ્યું છે.
બળદેવભાઈ કનીજિયા