હર્સિનિયન ગિરિનિર્માણ (Hercynian Orogeny)
February, 2009
હર્સિનિયન ગિરિનિર્માણ (Hercynian Orogeny) : પશ્ચ-કાર્બોનિફેરસ ગિરિનિર્માણક્રિયા. કાર્બોપર્મિયન ભૂસંચલન-ઘટના. કાર્બોનિફેરસ કાળના અંતિમ ચરણ વખતે મોટા પાયા પર શરૂ થઈને પર્મિયનના મધ્યકાળ વખતે સમાપ્ત થયેલી, પર્વતમાળાઓનું નિર્માણ કરતી, પૃથ્વીના પોપડામાં થયેલી પ્રચંડ હલનચલનની ઘટના.
મુખ્યત્વે કરીને વાયવ્ય યુરોપ, યુરોપીય રશિયા તેમજ ઉત્તર અમેરિકાના ભૂપૃષ્ઠમાં થયેલાં ઘણાં અગત્યનાં ભૂસંચલનોની ક્રમિક શ્રેણીઓ દ્વારા કાર્બોનિફેરસ સમયનો અંત આવે છે અને પર્મિયનના અમુક કાળગાળા સુધી ચાલુ રહી તેના મધ્ય કાળમાં આ ઘટના પૂરી થાય છે. ઉપર જણાવેલાં સ્થળોમાં રહેલાં થાળાંઓમાં થયેલી કણજમાવટ આ ભૂસંચલન-ઘટનામાં સામેલ થાય છે અને તેને સ્થાને જુદી જુદી પર્વતમાળાઓનાં સંકુલોનું જુદા જુદા તબક્કાઓમાં ઉત્થાન થતું જાય છે.
પૃથ્વીના પટ પર થતાં ભૂસંચલનોનો સર્વસામાન્ય ઘટનાક્રમ કંઈક આ પ્રકારનો હોય છે : પ્રત્યેક ભૂસંચલન કોઈ એક નાના સમયગાળા પૂરતું મર્યાદિત નથી હોતું, એકાએક શરૂ થતું નથી કે એકાએક પૂરું થતું નથી; પરંતુ તે હંમેશાં ક્રમિક હોય છે, એટલે કે ધીમે ધીમે શરૂ થઈ, અમુક સમયગાળે તેની પરાકાષ્ઠાએ પહોંચે છે અને ધીમે ધીમે ક્ષય પામતું જાય છે. આ પ્રકારનું ભૂસંચલન લાંબા સમયગાળાને આવરી લેતું હોય છે. આ સંદર્ભમાં જોતાં, આ ભૂસંચલન-ઘટના કાર્બોનિફેરસ કાળના અંતિમ ચરણ વખતે ઉત્તર ગોળાર્ધના જુદા જુદા વિભાગોને અસર કરતી મોટા પાયા પરની ભૂસંચલનક્રિયાનાં પગરણ મંડાય છે, જેને પરિણામે પર્વતોનું ઉત્થાન શરૂ થાય છે. જર્મનીમાં આવેલા હાર્ઝ પર્વતોના વર્તમાન સ્થાન પર આ ક્રિયાની તીવ્ર અસર થાય છે, તેથી તેને હર્સિનિયન ગિરિનિર્માણ તરીકે ઓળખાવવામાં આવેલી છે. કેટલાક તેને વેરિસ્કન ગિરિનિર્માણ પણ કહે છે. ઉત્તર અમેરિકામાં તેનો કાળગાળો પર્મોટ્રાયાસ સમયનો પણ છે, જ્યારે ભારત અને તેની આજુબાજુના વિસ્તારો માટે તેનો સમયગાળો મધ્ય કાર્બોનિફેરસનો છે, જે અસંગતિ દ્વારા નિમ્ન અને ઊર્ધ્વ કાર્બોનિફેરસ સ્તરોને અલગ પાડી આપે છે.
આ ભૂસંચલન-ક્રિયાને કારણે વાયવ્ય યુરોપના દેશોમાં વધુ અસર થયેલી છે. પૂર્વ યુ.એસ.ના ઍપેલેશિયન વિસ્તારમાં વિરૂપતાઓ સર્જાઈ; ઓક્લાહોમા, ન્યૂ મેક્સિકો, કોલોરેડો અને ઉટાહના વિસ્તારોમાં ઔચિતા, અર્બુકલ અને વિચિતા પર્વતપટ્ટાઓ રચાયા; કૅનેડાના મેરીટાઇમ પ્રોવિન્સમાં અસર થઈ; નેવાડા અને ઇડાહોમાં ઍન્ટલર ગિરિનિર્માણ થયું; યુરોપીય રશિયામાં યુરલ પર્વતમાળા બની; પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં પણ કેનિમ્બ્લાન ગિરિનિર્માણ થયું. યુરોપનો વાયવ્ય ભાગ, ખાસ કરીને બ્રિટિશ ટાપુઓ, જર્મનીની આજુબાજુનો વિસ્તાર વધુમાં વધુ અસર હેઠળ આવેલો છે. અહીં તે પશ્ચાત્ કાર્બોનિફેરસ અને પૂર્વ પર્મિયન વચ્ચેના સંક્રાંતિકાળમાં થયેલું જણાય છે, તેમ છતાં કુલ અસરની દૃષ્ટિએ જોતાં, તેનો પ્રારંભ અંતિમ કાર્બોનિફેરસમાં થયેલો અને પર્મિયનમાં તે અમુક સમય સુધી ચાલુ રહેલો; કારણ કે આ ઘટના નિમ્ન કાર્બોનિફેરસ (ઍવોનિયન) દરમિયાન થયેલી. આગ્નેય પ્રક્રિયા તેનો પૂર્વપ્રારંભ થવા માટેની સાક્ષી પૂરે છે. દક્ષિણ ઇંગ્લૅન્ડમાં – ડેવોન, કૉર્નવૉલ અને સમરસેટના વિસ્તારોમાં – આ દરમિયાન થયેલી ખડકરચનાઓની ઉપસ્થિતિ પૂર્વ-પશ્ચિમ જોવા મળે છે, ત્યાં ગેડીકરણની દિશા પણ પૂર્વ-પશ્ચિમ હોવાનું શોધી શકાય છે. આ માટેના વધુ પુરાવા ડેવોન અને કૉર્નવૉલમાં થયેલાં વિશાળ ગ્રૅનાઇટ જથ્થાઓનાં અંતર્ભેદનો દ્વારા મળી રહે છે. હ્રાઇન ગ્રેબનના બે સીમા-સ્તરભંગોની ધારે ધારે વૉસ્જિસ અને બ્લૅક ફૉરેસ્ટ પર્વતોનાં ગ્રૅનાઇટનાં અંતર્ભેદનો પણ હર્સિનિયન ગિરિનિર્માણની અસરની સાબિતી આપે છે. જૂના કાળનાં ગેડીકરણ અને સ્તરભંગો જેવા નબળા વિસ્તારોમાં પણ ભૂસંચલનની આ ઘટનાએ અસર પહોંચાડેલી છે. જે જે સ્થળો ઉત્થાન પામ્યાં, ત્યાં થાળાં પણ ઉદભવ્યાં, જેમાં પર્મિયન કાળમાં નિક્ષેપ-જમાવટ થયેલી છે. પર્વતોનાં ઉત્થાન થવાથી ભૂપૃષ્ઠમાં મોટા પાયા પરના ફેરફારો ઉદભવ્યા, અમુક સ્થળોમાં શુષ્કતા પ્રવર્તી રહી, જેના પુરાવા તે સમયની પર્મિયન રેતીખડક-રચનાનાં લક્ષણો પરથી અને અસંગતિ અને અતિવ્યાપ્તિ જેવાં રચનાત્મક લક્ષણો પરથી મળી રહે છે.
ગિરીશભાઈ પંડ્યા