હર્ષ, અશોક (જ. 23 સપ્ટેમ્બર 1915, મુન્દ્રા, જિ. કચ્છ; અ. 13 ડિસેમ્બર 2003, અમદાવાદ) : પત્રકાર, સંપાદક, ચરિત્રકાર, વાર્તાકાર અને અનુવાદક. પિતાનું નામ રતનશી અને માતાનું નામ લક્ષ્મીબહેન. પદ્ધતિસરની કેળવણીનો લાભ એમને બહુ ઓછો મળ્યો હતો. જે થોડું શિક્ષણ પામ્યા તે વતન મુન્દ્રામાં જ. રાષ્ટ્રીય ચળવળમાં તેઓ સક્રિય રહેલા. અભ્યાસ અધૂરો મૂકી પાછળથી અમદાવાદમાં રહ્યા હતા. કિશોર વયે જ ‘કુમાર’માં લખવાની શરૂઆત કરેલી. 1935માં ‘કુમાર’માં બચુભાઈ રાવત સાથે સહાયક સંપાદક તરીકે નિમાયા. આ પછી તેમણે 1940માં જયંતી દલાલના ‘ગતિ’ અને ‘રેખા’ માસિકનું સંપાદન નીરુ દેસાઈ સાથે કર્યું. 1945–1949 સુધી તેઓ સાપ્તાહિક ‘આનંદ’ના સંપાદક રહ્યા. એ પછી તેઓ સાપ્તાહિક ‘પ્રજાબંધુ’માં જોડાયા. ‘ચાંદની’ અને ‘રંગતરંગ’ના સંપાદક તરીકેની કામગીરી તેમણે 1955માં સંભાળી, જે ખૂબ વખણાઈ. ‘જનસત્તા’માંની તેમની કૉલમો ખૂબ લોકપ્રિય થઈ હતી. ‘જનસત્તા’માંથી નિવૃત્ત થયા બાદ તેમની લેખનપ્રવૃત્તિ ચાલુ જ હતી. ‘સંદેશ’, ‘ગુજરાત સમાચાર’, ‘સમભાવ’, ‘કુમાર’, ‘નવચેતન’ વગેરેની કૉલમ નિમિત્તે તેમણે વિપુલ સાહિત્યસર્જન કર્યું છે.
અશોક હર્ષ
રાષ્ટ્રીય સ્વાતંત્ર્યસંગ્રામમાં તેમણે અનેકોને પ્રેરણા આપી હતી. મહાગુજરાતની ચળવળમાં પણ તેમણે આગળ પડતો ભાગ ભજવ્યો હતો. ‘મેરી-ટાઇમ બૉર્ડ’ તથા ‘વર્કિંગ જર્નાલિસ્ટ ઍસોસિયેશન’માં પણ તેમણે સેવાઓ આપી હતી.
સાહિત્યનાં મોટા ભાગનાં સ્વરૂપોમાં તેમણે સફળતાપૂર્વક ખેડાણ કર્યું હતું. ‘સાગરના સાવજ’ (1944), ‘સુષમા’ (1947), ‘પંચામૃત’ (1985, દૃષ્ટાંતકથાઓ) તેમના વાર્તાસંગ્રહો છે. ‘સાગરનાં છૈયાં’ (1948) એ પરદેશનાં કેટલાંક ઉત્તમ એકાંકીઓના અનુવાદનો ગ્રંથ છે. ‘ડૉ. એ. એસ. ભટનાગરનું જીવનચરિત્ર’ (1939), ‘વિભૂતિમંદિર’ (1941) તેમના ચરિત્રગ્રંથો છે. સોવિયેત રશિયાના લેખક દોસ્તોએવસ્કીના ‘Crime and Punishment’ પુસ્તકના અનુવાદ ‘અપરાધ અને સજા’ – એ કૃતિને 1995નું ગુજરાત સાહિત્ય અકાદમીનું અનુવાદનું પારિતોષિક મળેલું.
તેમણે કિશોરો માટે ‘કિશોરચરિતમાળા’ દ્વારા અનેક પ્રેરણાદાયી ચરિત્રો આપ્યાં છે. તેમને તે માટે 1995નું ‘રમણલાલ સોની પારિતોષિક’ મળેલું. તેમનું પુસ્તક ‘માનવજીવનનો ઉષ:કાળ’ માનવવંશશાસ્ત્ર આ વિષય પરના સંદર્ભપુસ્તક જેવું છે.
સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે તેમણે કરેલા મૂલ્યવાન પ્રદાનના સંદર્ભે તેમને અનેક ઍવૉર્ડ્સ–પારિતોષિક મળ્યાં હતાં. 1953માં તેમને ‘કુમાર’ ચંદ્રક મળેલો.
શ્રદ્ધા ત્રિવેદી