હર્ષમેન, આલ્બર્ટ ઓ. (જ. 7 એપ્રિલ 1915, બર્લિન, જર્મની) : વિકાસશીલ દેશોના સંદર્ભમાં ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે ઇરાદાપૂર્વકની નીતિ તરીકે અસમતોલ વિકાસ(unbalanced growth)ના અભિગમની તરફેણ કરનારા અમેરિકન અર્થશાસ્ત્રી. તેમના મત મુજબ અર્થતંત્રનાં વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્વનાં ગણાતાં ઉદ્યોગો કે ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરવાથી સમગ્ર અર્થતંત્રમાં નવા મૂડીરોકાણની તકો વિસ્તરીને તે મૂડીરોકાણ સમગ્ર અર્થતંત્રના વિકાસને પ્રોત્સાહન આપશે. તેમનો એવો દાવો છે કે અત્યાર સુધીના વિકાસશીલ દેશોના આર્થિક વિકાસનો અનુભવજન્ય ઇતિહાસ આ હકીકતની યથાર્થતા પ્રસ્થાપિત કરે છે. અત્યાર સુધીનો અનુભવ બતાવે છે કે ઝડપી આર્થિક વિકાસની પ્રક્રિયા સર્વપ્રથમ અર્થતંત્રનાં આગળ પડતાં (leading) ક્ષેત્રોમાં દાખલ થાય છે અને પરિપક્વ થાય છે તે દરમિયાન તેની અસર અર્થતંત્રનાં બીજાં અવિકસિત ક્ષેત્રોમાં થવા લાગે છે.

આલ્બર્ટ ઓ. હર્ષમેન

હર્ષમેન વિકાસશીલ દેશોના વિકાસની પ્રક્રિયાને ‘અસમતુલાઓની હારમાળા’(chain of disequilibria)ની રીતે જુએ છે જેને તેમના મત મુજબ ટકાવી રાખવી જરૂરી અને લાભદાયી હોય છે. આર્થિક વિકાસની પ્રક્રિયા આગળ ધપાવવી હોય તો તેની સામેનું ધ્યેય તંગદિલી અને ઉત્તેજના (tension), અપ્રમાણસરતા (disproportionality) અને અસમતુલાઓ(disequilibria)ને ટકાવી રાખવાનું હોવું જોઈએ. ‘પકડા-પકડી’ની આ રમત (seasaw game) અસમતુલાની એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં પરિણમે છે તે અને તે અનંતકાળ સુધી સતત આગળ ચાલ્યા જ કરે છે, અર્થતંત્ર પૂર્ણ વિકસિત ન થાય ત્યાં સુધી. આ જ પ્રક્રિયા નવેસરથી હાથ ધરવામાં આવેલા પ્રકલ્પોને પણ લાગુ પડે છે. દા. ત., જ્યારે નવા પ્રકલ્પો હાથમાં લેવાય છે ત્યારે તે નવા પ્રકલ્પો, જૂના પ્રકલ્પોએ અર્થતંત્રમાં અગાઉ ઊભા કરેલ કદવિકાસના બાહ્ય લાભોનો પોતાના માટે અંગીકાર કરે છે તેમાંથી કદવિકાસના નવા લાભ સર્જાતા હોય છે. આ પ્રક્રિયાની હારમાળા સતત ચાલ્યા કરે છે. હર્ષમેન એમ પણ માને છે કે કેટલાક પ્રકલ્પો એવા પણ હોય છે જે કદવિકાસના લાભનું સર્જન જેટલા પ્રમાણમાં કરે છે તેના કરતાં તે વધુ લાભનો અંગીકાર કરતા હોય છે. હર્ષમેન આ પ્રક્રિયાને ‘Convergent series of investments’ (કેન્દ્રાભિસારી મૂડીરોકાણોની હારમાળા) અથવા ‘પ્રેરક મૂડીરોકાણ’ (induced investment) નામથી ઓળખાવે છે. આનાથી ઊલટું, કેટલાક પ્રકલ્પો એવા પણ હોય છે જેને કદવિકાસના પ્રાપ્ત કરેલ લાભ કરતાં તેના લાભનું સર્જન વધુ પ્રમાણમાં કરતા હોય છે. જેને ‘અપસારી કે વિકીર્ણ મૂડીરોકાણની હારમાળા’ (divergent series of investments) કહી શકાય.

આર્થિક વિકાસનીતિના બે મુખ્ય ઉદ્દેશો તરફ હર્ષમેન અંગુલિનિર્દેશ કરે છે : (1) અર્થતંત્રમાં કેન્દ્રાભિસારી મૂડીરોકાણોની હારમાળા અટકાવવી અને (2) અર્થતંત્રમાં અપસારી કે વિકીર્ણ મૂડીરોકાણની હારમાળાને પ્રોત્સાહિત કરવી. અર્થતંત્રને આ રીતે અસમતોલ બનાવવાથી આર્થિક વિકાસનું ધ્યેય હાંસલ કરી શકાય તેમ છે એવી હર્ષમેનની રજૂઆત છે.

હર્ષમેનના આ સિદ્ધાંતની સમીક્ષા કરતાં જણાશે કે તે અસમતોલ વિકાસના બંધારણ (composition), તેની દિશા તથા તેના સમયગાળાના નિર્ધારણની અવગણના કરે છે; અસમતોલ વિકાસનું દૃષ્ટિબિંદુ કયું, કયાં ક્ષેત્રોમાં અસમતુલા દાખલ કરવી અને અસમતુલાનું પ્રમાણ કેટલું રાખવું આ ત્રણ બાબતો પર હર્ષમેનનો સિદ્ધાંત કોઈ પ્રકાશ પાડતો નથી; અસમતોલ વિકાસને કારણે અર્થતંત્રમાં જે પરસ્પર પ્રતિકાર કરનારાં પરિબળો દાખલ થશે તેમને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તેની કોઈ સમજ આ સિદ્ધાંતમાં મળતી નથી; જે ક્ષેત્રો અસમતોલ વિકાસની પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવે તે ક્ષેત્રોને પોતાનો વિકાસ સાધવા માટે ઉત્પાદનનાં સાધનોની પ્રાપ્તિ કેવી રીતે થશે તેના વિશે પણ હર્ષમેનના સિદ્ધાંતમાં કોઈ માર્ગદર્શન મળતું નથી. આ સિદ્ધાંત માત્ર મૂડીરોકાણ પર ભાર મૂકે છે અને તેથી અન્ય પરિબળોની તે અવગણના કરે છે.

હર્ષમેને ‘અસમતોલ વિકાસ’નો સિદ્ધાંત રૅગ્નર નર્ક્સના ‘સમતોલ વિકાસ’ના સિદ્ધાંતની અવેજીમાં રજૂ કર્યો છે. બહુ ઓછા અર્થશાસ્ત્રીઓએ તેની તરફેણ કરી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે