હર્ષબાક ડડલી રૉબર્ટ (Herschbach Dudley Robert)
February, 2009
હર્ષબાક, ડડલી રૉબર્ટ (Herschbach, Dudley Robert) (જ. 18 જૂન 1932, સાન જોઝે (San Joze), કૅલિફૉર્નિયા, યુ.એસ.) : યુ.એસ.ના રસાયણવિદ અને 1986ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેઓએ સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાંથી 1954માં મૅથેમૅટિક્સમાં બી.એસસી. અને 1955માં રસાયણશાસ્ત્રમાં એમ.એસસી.ની પદવી જ્યારે 1958માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.
1959થી 1963 દરમિયાન તેઓએ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા એટ બર્કલી ખાતે અધ્યાપનકાર્ય કર્યું. 1963થી તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોડાયા જ્યાં 1976માં વિજ્ઞાનના બાયર્ડ (Baird) પ્રાધ્યાપક બન્યા.
રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારોના વિગતવાર અભ્યાસ માટે હર્ષબાકે તે સમયે વધુ જાણીતી અને ભૌતિક વિજ્ઞાનમાં મૂળભૂત (elementary) કણોના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતી આણ્વીય પુંજ(beam)ના પ્રકીર્ણન(વિખેરણ, scattering)ની રીતનો ઉપયોગ કર્યો. તેમણે 1959માં એવું સાધન શોધી કાઢ્યું કે જેમાં એક જ પદાર્થના કણોના બનેલા હોય તેવા બે પુંજ એકબીજા સાથે પારસ્પરિક પ્રક્રિયા કરી શકે. આ પદ્ધતિ (crossed) આણ્વીય પુંજ ટૅકનિક (crossed molecular beam technique) તરીકે ઓળખાય છે. આમાં સંભાળપૂર્વક નિયંત્રિત કરાયેલા સંજોગો હેઠળ અણુઓના પુંજને (શૂન્યાવકાશમાં) પરાધ્વનિક (supersonic) ઝડપે એકબીજા સાથે અથડાવવામાં આવે છે.
ડડલી રૉબર્ટ હર્ષબાક
તેમણે જોયું કે વિભિન્ન સ્પીસીઝના પરમાણુઓ અને અણુઓ જ્યારે સંઘાત પામ્યા ત્યારે તેઓ એકબીજા સાથે પ્રક્રિયા પામ્યા અને જ્યાં બે પુંજ એકબીજાને ઓળંગતા હતા ત્યાં નવા ઉત્પન્ન થયેલા પદાર્થોના અણુઓ સ્થળ (site) ઉપરથી દૂર જતા હતા. કેટલીક પ્રક્રિયાઓમાં અંતિમ નીપજ એ સંઘાતનું તાત્કાલિક પરિણામ ન હોતાં વચ્ચે ઉદભવતા મધ્યસ્થી (intermediate) સ્પીસીઝના વિઘટનથી ઉત્પન્ન થતા હતા. વિવિધ પ્રકારના કણ-પરખકો વાપરી હર્ષબાકે પ્રક્રિયાની નીપજની ઊર્જા તથા આ ઊર્જા સ્થાનાંતરણ, પરિભ્રમણીય અને કંપનીય જેવાં સ્વરૂપોમાં કેવી રીતે વિતરિત થાય છે તે પણ નક્કી કરી શક્યા. તેમની ટૅકનિકને કારણે પ્રક્રિયાની ઘટનાનો પ્રત્યેક અણુવાર (molecule-by-molecule) અભ્યાસ શક્ય બન્યો છે.
1961થી 1968ના ગાળામાં યુઆન લી (Yuan Lee) તેમના સહકાર્યકરોમાંના એક હતા : પ્રથમ ડૉક્ટરની પદવીના ઉમેદવાર તરીકે અને ત્યાર પછી પોસ્ટડૉક્ટરલ ફેલો તરીકે.
હર્ષબાક, લી અને પોલાન્યી(Polanyi)ને રસાયણશાસ્ત્રમાંના પ્રક્રિયા-ગતિકી(reaction dynamics)ના નવા સંશોધનક્ષેત્રમાંના પ્રદાન બદલ 1986નો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
જ. પો. ત્રિવેદી