હર્મિતાજ મ્યુઝિયમ (Hermitage Museum)
February, 2009
હર્મિતાજ મ્યુઝિયમ (Hermitage Museum) : 1764માં રશિયામાં સેંટ પીટર્સબર્ગ ખાતે સ્થપાયેલું પશ્ચિમ યુરોપનાં ચિત્રો અને શિલ્પો ધરાવતું ઉત્તમ મ્યુઝિયમ. પશ્ચિમ યુરોપિયન કલા અંગેના સૌથી મહત્ત્વના મ્યુઝિયમમાં તેની ગણના થાય છે. રશિયાના ઝાર પીટર પહેલાએ આ મ્યુઝિયમ માટે 1716માં હૉલેન્ડ અને બેલ્જિયમમાંથી 121 ચિત્રો ખરીદીને આ મ્યુઝિયમની શરૂઆત કરી અને થોડા જ વખતમાં વેપારીઓ પાસેથી તેમણે બીજાં 236 ફ્લેમિશ અને ડચ ચિત્રો ખરીદીને ઉમેરો કર્યો. તેમાં પીટર પૉલ રૂબેન્સ, વાન ડીક રૅમ્બ્રાં, ઇયાન સ્ટીન, બ્રુગેલ, વર્ફ અને ઑસ્ટેડ જેવા નામાંકિત ચિત્રકારોનાં ચિત્રો પણ સમાવેશ પામતાં હતાં. રૅમ્બ્રાંનું જાણીતું ચિત્ર ‘ડૅવિડ ઍન્ડ જોનાથન’ અઢારમી સદીથી આ મ્યુઝિયમમાં છે.
મહારાણી ઝારિના કેથેરિન બીજાના રાજ્યકાળમાં આ મ્યુઝિયમ વધુ સમૃદ્ધ થયું. આ સમય દરમિયાન 1769માં મુખ્યત્વે ડચ, ફ્લેમિશ અને જર્મન ચિત્રો અને કેટલાંક ઇટાલિયન અને ફ્રેંચ ચિત્રો ખરીદવામાં આવ્યાં. તેમાં રૅમ્બ્રાંનાં ચાર ચિત્રો, જેકોબ રુઇસ્ડાયલનાં ચાર નિસર્ગ-ચિત્રો, પોલ વૉસનાં કેટલાંક શિકારદૃશ્યો, ઑસ્ટેડનાં કેટલાંક ચિત્રો, વાત્યુનાં બે ચિત્રો ‘એમ્બેરેસિંગ પ્રપોઝલ’ તથા ‘રેસ્ટ ઑન ધ ફ્લાઇટ ઇન્ટુ ઇજિપ્ત’ તથા ત્યાપોલો(Tiepolo)નું એક ચિત્ર સમાવેશ પામે છે.
હર્મિતાજ મ્યુઝિયમનું પ્રવેશદ્વાર
1779માં ફ્રેંચ ચિત્રકારો પુસોં, લ નૈન, બૂર્દો, વાત્યુ શાર્દા, ગ્રૂઝ અને બૂશર, સ્પૅનિશ ચિત્રકાર મુરિલ્યો (Murillo), ડચ ચિત્રકાર રૅમ્બ્રાં, ફ્લેમિશ ચિત્રકારો રુબેન્સ અને વાન ડીક (dyck), ઇટાલિયન ચિત્રકારો રેની, આલ્બાની, મારાતી, જિયોર્દાનો અને બાતોની રફાયેલ, જ્યોજિયોં તિશ્યોં, વેરોનિઝ, તિન્તોરેતો બ્રિટિશ ચિત્રકારો રાઇટ અને રેનોલ્ડ્સ તથા જર્મન ચિત્રકારો મેગ્નસ અને કૉફમાનના – એમ ઘણાં ચિત્રો આ મ્યુઝિયમ માટે ખરીદવામાં આવ્યાં. 1797ના અંતમાં આ મ્યુઝિયમમાં આવાં ચિત્રોની કુલ સંખ્યા 3,996 હતી.
ઓગણીસમી સદીમાં ડચ ચિત્રકાર ગાસાર્ટ (Goassaert), ઇટાલિયન ચિત્રકારો કારાચી તિશ્યોં (Titiau), ચિમા દા (Cima), કોનેલ્યાનો (Conegliano), ફ્રાન્ચેસ્કો ગાર્દી, સિમોની માર્તિની, બીતો આન્જેલિકો, કારાવાજિયો (Carvaggio) અને લિયોનાર્દો દ વિન્ચીનાં ચિત્રો આ મ્યુઝિયમે પ્રાપ્ત કર્યાં.
વીસમી સદીમાં બ્રિટિશ ચિત્રકારો ઓપી (Opie), લોરેન્સ, હોપ્નર, રોમ્ની (Romney), રેબર્ન (Raeburn), રાઇટ (Wright), ગેઇન્સબરો (Gainsborough), ઇટાલિયન ચિત્રકારો ઉગોલિનો લોરેન્ઝેતી, સ્પિનેલો આરેતિનો, ફિલિપો લીપી, લૉરેન્ઝો કોસ્તા, ફ્રાન્ચેસ્કો ફ્રાન્સિયા, બાર્તોલોમિયો માન્ફ્રેદી, માતિયા પ્રેતી, બર્નાડો સ્ત્રોત્ઝી, લુચા જિયોર્દાનો, ત્યાપોલો, ફ્રેન્ચ ચિત્રકારો કલુએ (Clowet), વાત્યુ, બૂશર, ગ્રુઝ, ત્રોપોન, કોરો, ફ્રેગોનાર્ડ અને શાર્દાં, થિયોડોર રૂસો આંગ, પ્રૂધોં, દેલાક્રવા, કૂર્બે, મિલે, ડૅવિડ, ડચ ચિત્રકાર રૅમ્બ્રાં, ફ્લેમિશ ચિત્રકાર રૂબેન્સ, સ્પૅનિશ ચિત્રકારો અલ ગ્રેકો, વાલા સ્ક્વેથ, જુર્બારેન અને એન્તોલિનેઝ તથા રશિયન ચિત્રકારો નિકોલસ રોરિકનાં ચિત્રોનો આ મ્યુઝિયમમાં ઉમેરો થયો.
1930 પછી આધુનિક ચિત્રો આ મ્યુઝિયમમાં ઉમેરાયાં. તેમાં ફ્રેન્ચ ચિત્રકારો મોને (Monet), સિસ્લે (Sisley), દેગા (Degas), પિસારો, રેન્વા (Renoir), સેઝાં (Cezanne), માતીસ (Matisse), માર્કે (Marquet), દેરાઈ (Derains), બોનાર્ડ (Bonnard), સ્પૅનિશ ચિત્રકાર પિકાસો, જર્મન ચિત્રકારો લાઇબલ (Leibl), લીબર્મેન (Liebermann), કૅમ્પેન્ડોન્ક (Campendonk), એમ્સેન (Ehmsen), નાગેલ (Nagel), ગ્રૂડિંગ (Gruding) અને ડચ ચિત્રકાર વાન ગોઘનો સમાવેશ થાય છે. પાછલી સદીઓનાં કેટલાંક ચિત્રો પણ વીસમી સદીમાં પ્રાપ્ત થયાં છે તેમાં સ્ટેન્ઝિયોને (Stanzione), આસ્ટેડ (Ostade), બર્કમ (Berchem) તથા બુદીન(Boudin)નો સમાવેશ થાય છે. આધુનિક ફ્રેન્ચ શિલ્પી રોદાં(Rodin)નાં શિલ્પ પણ અહીં છે.
પશ્ચિમ યુરોપનાં શ્રેષ્ઠ ચિત્રકારોની ઘણી બધી કૃતિઓ ધરાવવા માટે આજે હર્મિતાજ મ્યુઝિયમ વિશ્વનાં શ્રેષ્ઠ મ્યુઝિયમોમાં ગણના પામે છે.
અમિતાભ મડિયા