હર્મેટિસિઝમ (Hermeticism) (ઇટાલિયન એર્મેતિસ્મો)

February, 2009

હર્મેટિસિઝમ (Hermeticism) (ઇટાલિયન એર્મેતિસ્મો) : વીસમી સદીની શરૂઆતમાં ઇટાલીમાં શરૂ થયેલી કવિતા સંબંધી સુધારાવાદી ચળવળ, જેનાં મુખ્ય લક્ષણો હતાં – અરૂઢ માળખું, વિસંગત નિષ્પત્તિ અને ચુસ્ત વસ્તુલક્ષી ભાષા. ઇટાલીની બહાર પણ કવિઓના ઘણા મોટા વર્તુળમાં હર્મેટિસિઝમનો પ્રભાવ પડ્યો હતો, આમ છતાં આ વાદ આમ લોકો માટે તો દુર્ગ્રાહ્ય બની રહેલો.

હર્મેટિસિઝમનો ઉદભવ ઓગણીસમી સદીની કવિતામાં તથા ફ્રેન્ચ પ્રતીકવાદી કવિઓ – ખાસ કરીને બોદલેર, માલાર્મે, વાલેરી અને રૅમ્બો જેવા કવિઓની કાવ્યકલામાંથી થયો. વીસમી સદીના ઇટાલિયન કવિઓ માટે આ સંજ્ઞાનો સવિશેષ ઉપયોગ થતો. અર્તુરો ઓનોફ્રિ (Arturo Onofri) હર્મેટિસિઝમના પુરોગામી હતા અને જૂઝેપ્પે ઉન્ગારેત્તી (Giuseppe Ungaretti) તેના મુખ્ય પ્રવર્તક હતા. હર્મેટિસિઝમે સાહિત્યિક ભાષા અને વિષયવસ્તુ બાબતે સ્થાપિત પ્રણાલિકાઓમાં સારા એવા ફેરફારો માટે ઉત્તેજન-પ્રોત્સાહન પૂરાં પાડ્યાં.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર બીજા બે કવિઓ – સલ્વતોર ક્વોસિમોદો (Salvatore Quasimodo) અને યુજેનિઓ મોન્તાલે (Eugenio Montale) પણ આ ચળવળ સાથે સંકળાયેલા હતા. આ ચળવળના નેતા ઉન્ગારેત્તીએ શિક્ષણ પૅરિસમાં લીધું હોઈ તેમના પર ફ્રેન્ચ પ્રતીકવાદનો ભારોભાર પ્રભાવ હતો. તેમના પ્રથમ કાવ્યગ્રંથ – Il porto sepolto (1916, ‘The Buried Port’)માં, દરેક શબ્દની આંતરિક શક્તિના ઉઘાડ પર ભાર મૂકવા માટે વિરામ, પદવિન્યાસ, પરંપરાગત માળખું વગેરે બંધનો ફગાવ્યાં. મોન્તાલે અને પછીથી ક્વોસિમોદો તેમના અનુયાયી બન્યા.

બીજા વિશ્વયુદ્ધ પછી હર્મેટિસિઝમના આ ત્રણે મોટા કવિઓએ પોતપોતાની શૈલી વિકસાવી. ઉન્ગારેત્તી વધારે સરળ સૂરમાં અપાર્થિવને મૂર્ત કરવા અને માળખા સાથે કામ પાર પાડવા લાગ્યા, મોન્તાલે સાદગી તથા માનવીય હૂંફ ભણી આગળ વધ્યા અને ક્વોસિમોદો સશક્ત, સામાજિક નિસબતવાળાં કામોમાં પરોવાયા. 1959માં ક્વોસિમોદોને અને 1975માં મોન્તાલેને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.

યોગેશ જોષી