હર્બિન (Harbin) (પિન્કિયાંગ) : ચીનનાં મોટાં શહેરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : 45° 45´ ઉ. અ. અને 126° 41´ પૂ. રે.. તે ઈશાન ચીનના હિલાંગજિયાંગ પ્રાંતનું, સુંગારી નદી પર આવેલું પાટનગર તથા નદીબંદર છે. આ શહેર હર્બિન અથવા પિન્કિયાંગ નામથી પણ ઓળખાય છે. હર્બિન આ વિસ્તારનું મહત્વનું રેલમાર્ગોનું કેન્દ્ર પણ છે. મંચુરિયાના પૂર્વ-પશ્ચિમ તેમજ ઉત્તર-દક્ષિણ રેલમાર્ગો અહીં ભેગા થાય છે. ચીની રેલમાર્ગો વાયવ્ય અને પૂર્વ તરફ રશિયાના માર્ગોને સાંકળે છે તથા દક્ષિણ તરફ લુશુનલુડા અને કોરિયાની સરહદ સુધી વિસ્તરેલા છે.

સુંગારી નદી પરના તેના સ્થાનને કારણે હર્બિન એક મહત્વનું બંદર બની રહેલું છે. અહીંની જમીન ફળદ્રૂપ હોવાથી તેમાં મકાઈ, સોયાબીન અને ઘઉં ઉગાડાય છે. સોયાબીનની પેદાશો અને આટો અહીંથી નિકાસ થાય છે. અહીં ઉત્પન્ન થતી પેદાશોમાં કૃષિસાધનો, રસાયણો અને ચામડાંનો સમાવેશ થાય છે. ધાતુશોધન, યંત્રસામગ્રી, કાગળ, ખાદ્યપ્રક્રમણ અને ખાંડના શુદ્ધીકરણના ઉદ્યોગો અહીં વિકસ્યા છે.

રશિયાએ રેલવેના વહીવટી મથક તરીકે 1895માં હર્બિનની સ્થાપના કરેલી. 1896માં રશિયાને વેપારી હકો મંજૂર કરવામાં આવ્યા પછી રશિયન વસાહતીઓ દ્વારા તેનો વિકાસ થયેલો. 1917ની ઑક્ટોબર ક્રાંતિ બાદ અહીં વધુ રશિયન નિર્વાસિતો પણ આવેલા. 1904–05માં રુસ-જાપાનનું યુદ્ધ થયેલું, તેમાં જાપાને રશિયાને હરાવ્યા બાદ ચીન અને જાપાને હર્બિન પર સંયુક્તપણે અંકુશ રાખેલો.

હર્બિન : શહેરનું એક દૃશ્ય

જાપાને 1932થી 1945 સુધી વહીવટ કર્યો, પછીથી ચીનને તેનો કબજો મળ્યો. 1960ના દશકામાં ચીને રશિયાના હુમલાની દહેશતથી અહીં ઘણાં ભૂગર્ભીય કારખાનાં બાંધ્યાં તેમજ ભંડારો તૈયાર કર્યા. અગાઉ રશિયા પાસે જ્યારે હર્બિનનો કબજો હતો ત્યારની રશિયાઈ સ્થાપત્ય-શૈલીની ઘણી ઇમારતો અહીં જોવા મળે છે. 2000 મુજબ હર્બિનની વસ્તી 34.8 લાખ જેટલી હતી.

ગિરીશભાઈ પંડ્યા