હર્પિસ બહુપીડક (herpes zoster) : અછબડા કરતા વિષાણુ પુન:સક્રિય થઈને મોટે ભાગે કોઈ એક ચર્મપટ્ટા (dermatome) સુધી સીમિત સ્ફોટ કરતો રોગ. આ વિષાણુ પ્રાથમિક ચેપ રૂપે અછબડા (chicken pox) અથવા લઘુક્ષતાંકી સ્ફોટ (varicella) કરે છે અને શરીરના ચેતાતંત્રમાં સુષુપ્ત રહીને પુન:સક્રિય થાય ત્યારે જે તે ચેતા દ્વારા ચામડીના જે પટ્ટા પરથી સંવેદના લેવાતી હોય છે તે ચર્મપટ્ટા (dermatome) સુધી સામાન્ય રીતે સીમિત રહેતો પાણી અને પરુ ભરેલી ફોલ્લીઓવાળો સ્ફોટ સર્જે છે. ચર્મપટ્ટો સામાન્ય રીતે ધડમાં ગોળ વીંટાતી શૃંખલા (zoster અથવા shingles) જેવો હોય છે, માટે તે પ્રકારનો સ્ફોટ કરતા વિષાણુને વિસ્તારી શૃંખલન (herpes zoster) વિષાણુ કહેવાય છે અને તે રોગને સપીડશૃંખલા સ્ફોટ (shingles) કહેવાય છે. તે પીડાકારક હોવાથી તેને હર્પિસ બહુપીડક પણ કહે છે. વિસ્તારી શૃંખલન વિષાણુ આમ અછબડા (લઘુક્ષતાંકી સ્ફોટ) કરતો વિષાણુ પણ છે માટે તેને અછબડા (લઘુક્ષતાંકી) સપીડશૃંખલા વિષાણુ (varicella zoster virus, VZV) કહે છે. તે ચામડી અને ચેતાતંત્રમાં સક્રિય રહે છે માટે તેને ચર્મરાગી (dermotropy) અને ચેતારાગી (neurotropy) વિષાણુ કહે છે. અછબડા કરતો પ્રાથમિક ચેપ હવા દ્વારા થૂંકબિન્દુઓથી ફેલાય છે અને ચેપવશ્ય વ્યક્તિઓમાં ઝડપથી ચેપ કરે છે. (અછબડાના રોગ અંગે માહિતી માટે જુઓ વિશ્વકોશ ખંડ 1). એસાઇક્લોવિર, વેલેસિક્લોવિર અને ફેમ્સિક્લોવિર સક્રિય ઔષધો છે; પરંતુ જ્યારે વિષાણુજ ન્યુમોનિયા થાય તેવા કિસ્સામાં તથા પ્રતિરક્ષાની ઊણપવાળા દર્દીઓમાં વધુ લાભકારક રહે છે. અસ્થિમજ્જા પ્રત્યારોપણ (bonemarrow transplant) મેળવતી વ્યક્તિઓ, અતિગંભીર માંદગીવાળી વ્યક્તિઓ, HIV/એઇડ્ઝનો ચેપ ધરાવતી કે તેના સંસર્ગમાં આવતી વ્યક્તિઓ, અછબડા સામે, પ્રતિદ્રવ્યો વડે સુરક્ષિત ન હોય તેવી સગર્ભા સ્ત્રી, પ્રસવના પ્રથમ 1 અઠવાડિયા પહેલાં કે તે પછીનાં 4 અઠવાડિયાંમાં અછબડા થયા હોય તેવી માતાના નવજાત શિશુઓ તથા કાલપૂર્વ જન્મેલા અને અછબડાના દર્દીના સંસર્ગમાં આવતાં શિશુઓમાં પ્રતિરક્ષાગ્લોબ્યુલિન (immunoglobulin) આપવાનું સૂચવાય છે.

અછબડા કરતો વિષાણુ (VZV) પુન:સક્રિય થાય ત્યારે વિસ્તારી શૃંખલન (herpes zoster) અથવા સપીડશૃંખલન(shingle)નો સ્ફોટવાળો વિકાર કરે છે, જેમાં એક ચર્મપટ્ટામાં શૃંખલાના આકારે, મધ્યરેખાની એક બાજુએ પ્રવાહીવાળી ફોલ્લીઓ(સજલસ્ફોટિકાઓ, vesicles)વાળો પીડાકારક સ્ફોટ થાય છે. સામાન્ય રીતે આ વિષાણુ ચેતાકંદુક(nerve ganglion)માં સુષુપ્ત રહે છે અને સક્રિય બને ત્યારે તે ચેતા જે ચામડીના પટ્ટા(ચર્મપટ્ટો, dermatome)ની સંવેદનાઓનું વહન કરતી હોય તે ચર્મપટ્ટા પર પહેલાં પાણીભરેલી અને પછી પરુભરેલી ફોલ્લીઓનો સ્ફોટ કરે છે, જે કરમાય ત્યારે પોપડી બનાવે છે. તે મોટી ઉંમરે વધુ જોવા મળે છે પરંતુ ક્યારેક યુવાનીમાં પ્રતિરક્ષાની ઊણપ થાય તો જોવા મળે છે. મોટે ભાગે છાતી અસરગ્રસ્ત થાય છે; પરંતુ ક્યારેક જાંઘ કે ચહેરો પણ અસરગ્રસ્ત થાય છે. ચહેરાના સ્નાયુઓને સંદેશ આપતી છઠ્ઠી કર્પરીચેતા (cranial nerve) અથવા વદનચેતા(facial nerve)નો ચેતાકંદુક અસરગ્રસ્ત હોય તો રામસે-હંટનો સંલક્ષણ થાય છે જેમાં ચહેરાનો એક બાજુનો લકવો, તે બાજુએ ગલોફામાં ચાંદાં તથા જીભની તે બાજુએ સ્વાદ પારખવામાં તકલીફ વગેરે કરે છે. તેમાં કાનમાં ફોલ્લીઓ થાય છે. જો 5મી કર્પરીચેતા (ત્રિશાખી ચેતા, trigeminal nerve) અસરગ્રસ્ત થાય તો ચહેરા પર સ્ફોટ થાય છે. તેમાં નેત્રલક્ષી શાખા અસરગ્રસ્ત હોય તો આંખની કીકી પરના પારદર્શક આવરણ (સ્વચ્છા, cornea) પર ચાંદાં પડે છે અને તે ક્ષતાંક (scar) સાથે રુઝાય તો અંધાપો લાવે છે. ક્યારેક ત્રિશાખી ચેતાની ઉપલા કે નીચલા જડબાની શાખા અસરગ્રસ્ત થાય તો અનુક્રમે ઉપલા કે નીચલા જડબા પરની ચામડી પર સ્ફોટ થાય છે. કમરના વિસ્તારની ચેતાઓ અસરગ્રસ્ત થાય તો ઝાડા-પેશાબની હાજતમાં મુશ્કેલી સર્જે છે. ક્યારેક તે કરોડરજ્જુ કે મગજને અસરગ્રસ્ત કરે તો તેને અનુક્રમે મેરુરજ્જુશોથ (myelitis) કે મસ્તિષ્કશોથ (encephalitis) કહે છે.

હર્પિસ બહુપીડક : (અ) હર્પિસ ઝોસ્ટરનો ચર્મપટ્ટા પર પુન:સક્રિય સ્ફોટ, (આ) અછબડાનો સ્ફોટ

શરૂઆતમાં જે તે ચર્મપટ્ટામાં દુખાવો શરૂ થાય છે અને 34 દિવસમાં પ્રવાહી ભરેલી ફોલ્લીઓ (સજલ સ્ફોટિકાઓ – vesicles) થાય છે. તે એકબીજા સાથે જોડાઈ જાય છે. તેમાં પરુ થાય છે અને ઉપલું પડ પોપડીમાં ફેરવાય છે; જે ખરી પડતાં ચાંદાં પડે છે. લોહીમાં વિષાણુ વહે છે. તેને વિષાણુરુધિરતા (viraemia) કહે છે. તે સમયે ‘ફ્લૂ’ જેવાં લક્ષણો થઈ આવે છે; તેથી ક્યારેક શરીરના બીજા ભાગોમાં દૂરોપસ્થ દોષવિસ્તારો (satellite lesions) થાય છે. આવું પ્રતિરક્ષાની ઊણપ હોય ત્યારે પણ બને છે. તીવ્ર વિકાર, વધુ વ્યાપક સ્ફોટ (એકથી વધુ ચર્મપટ્ટાઓ અસરગ્રસ્ત હોય) કે ફરીથી પુન:સક્રિય થઈ આવે તો તે રોગપ્રતિકારક ક્ષમતા(પ્રતિરક્ષા, immunity)ની ઊણપ સૂચવે છે. આવું લોહીના કે અન્ય કૅન્સરમાં તથા HIV/એઇડ્ઝના રોગમાં થાય છે. તેનો ચેપ બીજી વ્યક્તિમાં ફેલાય તો તેને અછબડા કરે છે; પરંતુ અછબડાના દર્દીના સંસર્ગમાં આવતી વ્યક્તિને તે સપીડશૃંખલન સ્ફોટ (herpes zoster shingles) રૂપે ફેલાતો નથી. સ્ફોટ શમ્યા પછી 1થી 6 મહિના જે તે સ્થળે દુખાવો રહે છે તેને ચેતાપીડ (neuralgia) કહે છે.

સારવારમાં એસાઇક્લોવિર કે વેલેસિક્લોવિરને મુખમાર્ગે કે એસાઇક્લોવિરને નસ વાટે અપાય છે. સારવાર વહેલી શરૂ કરાય તો ચેતાપીડ થવાની સંભાવના ઘટે છે. ચેતાપીડ થાય તો એમિટ્રિપ્ટિલિન, પીડાનાશકો તથા ગાબાપૅન્ટિન વડે ઔષધચિકિત્સા કરાય છે. ક્યારેક જે તે ચેતાનું ઉત્તેજન કરી પીડા ઘટાડાય છે. તેને પારત્વકીય ચેતોત્તેજન (transcutaneous nerve-stimulation) કહે છે. સ્ફોટની ફોલ્લીઓમાં જીવાણુનો ચેપ લાગે તો ઍન્ટિબાયૉટિક ઔષધો અપાય છે.

શિલીન નં. શુક્લ