હર્ડ, પીટર (Hurd, Peter) (જ. 22 ફેબ્રુઆરી 1904, રોસ્વેલ, ન્યૂ મેક્સિકો, અમેરિકા; અ. 9 જુલાઈ 1984, રોસ્વેલ, ન્યૂ મેક્સિકો, અમેરિકા) : અમેરિકન કૃષિજીવનનું આલેખન કરનાર અમેરિકન ચિત્રકાર.
પીટર હર્ડ
તરુણાવસ્થામાં તેમણે વેસ્ટ પૉઇન્ટ ખાતે અમેરિકન મિલિટરી એકૅડેમીમાં લશ્કરી તાલીમ લીધી. એ પછી પેન્સિલ્વેનિયાની હેવફૉર્ડમાં બે વરસ સુધી ચિત્રકલાનો અભ્યાસ કર્યો. ચિત્રકાર એન. સી. વીથના સ્ટુડિયોમાં તેઓ તાલીમાર્થી તરીકે જોડાયા. ત્યાર બાદ તેઓ 1924માં પેન્સિલ્વેનિયા એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટમાં ચિત્રકલાના વિદ્યાર્થી તરીકે જોડાયા. અભ્યાસ પૂરો કરીને તેમણે વીથની સૌથી મોટી પુત્રી હેન્રીયેટ સાથે લગ્ન કર્યું, જે પોતે પણ ચિત્રકાર હતી.
પીટર હર્ડનું એક ચિત્ર : ‘પોર્ટ્રેઇટ ઑવ્ કેરોલ’
1933માં રોઝવેલ ખાતે ‘ન્યૂ મેક્સિકો મિલિટરી ઇન્સ્ટિટ્યૂટ’માં હર્ડે એગ ટેમ્પેરા (egg-temptera, રંગદ્રવ્યોને ઈંડાની અંદરના પારદર્શક પ્રવાહી સાથે મેળવીને થતા રંગલેપનની પદ્ધતિ) માધ્યમ વડે મોટાં ભીંતચિત્રો આલેખ્યાં, જેમાં અમેરિકન કાઉબૉયના ગોપાલક જીવનનો ચિતાર જોવા મળે છે. 1928થી 1935 સુધી તેમણે ન્યૂ મેક્સિકોમાં નિવાસ કર્યો. ત્યાંના નિસર્ગને તેમણે તેમની કલાનો વિષય બનાવ્યો. પછી તેઓ ‘લાઇફ’ મૅગેઝિનમાં જોડાયા અને 1942થી 1944 સુધી ‘લાઇફ’ના પ્રતિનિધિ તરીકે વિદેશોમાં ભ્રમણ કર્યું. હર્ડે અમેરિકન પ્રેસિડેન્ટ લિન્ડોન બી. જોનસનનો સત્તાવાર પોર્ટ્રેટ ચીતરેલો, તેને ખુદ જોનસને નકારી કાઢ્યો હતો. પછી તેને સ્મિથ્સોનીયન ઇન્સ્ટિટ્યૂશને ખરીદી લીધો.
અમિતાભ મડિયા