હર્ટ્ઝસ્પ્રુંગ–રસેલ આલેખ

February, 2009

હર્ટ્ઝસ્પ્રુંગ–રસેલ આલેખ : તારાકીય (steller) તાપમાન અને નિરપેક્ષ માન(magnitude)નો આલેખ. બીજી રીતે વર્ણપટીય (spectral) પ્રકાર અથવા વર્ણ (રંગ) અને જ્યોતિ(luminosity)નો આલેખ. આ આલેખને હર્ટ્ઝસ્પ્રુંગ–રસેલ (HR) આકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. નિરપેક્ષ માન એ નિજી (સ્વાયત્ત) તેજસ્વિતાનું માપ છે તેને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય છે. 10 પાર્સેક (parsec) અંતરેથી તારકનું અવલોકન કરતાં તેની દેખીતી તેજસ્વિતાનું માપ (1 પાર્સેક = 3.085677  1016 મીટર અથવા 3.26 પ્રકાશવર્ષ).

તારકોની સપાટીના તાપમાન અને તેજસ્વિતાને લગતી ખાસ માહિતી HR આકૃતિ પૂરી પાડે છે. આ પદ્ધતિ ડેનિશ ખગોળવિદ ઈ. હર્ટ્ઝસ્પ્રુંગે 1911માં અને અમેરિકન ખગોળવિદ હેન્રી રસેલે 1913માં તૈયાર કરી હતી. બંને ખગોળવિદોએ આ પદ્ધતિ અલગ અલગ અને સ્વતંત્ર રીતે વિકસાવી હતી. આવી આકૃતિમાં તારકોના નિરપેક્ષ માન અને તેમના તાપમાન અથવા વર્ણપટીય વર્ગ (class) અથવા વર્ણ સાથે આલેખ ઉપર દર્શાવવામાં આવે છે. અહીં તાપમાન અથવા વર્ણપટીય વર્ગ અથવા વર્ણ બધા જ શબ્દો સમાનાર્થી છે.

આ પ્રમાણે તૈયાર કરેલા આલેખ ઉપર ઘણાખરા તારકો મોટા પટ્ટા (વિસ્તાર) ઉપર સ્થાન ધરાવે છે. આવા પટ્ટા કે વિસ્તારને મુખ્ય શ્રેણી (main sequence) કહે છે. આ આકૃતિ (આલેખ) ડાબી બાજુ ટોચેથી નીકળી જમણી બાજુ તળિયા સુધી જાય છે. એટલે કે આકૃતિ વાદળી રંગની ટોચથી શરૂ થઈ પીળાશ પડતા પટ્ટામાં થઈને લાલ (નારંગી) વર્ણના છેડે જાય છે. (જુઓ રંગીન આકૃતિ.)

સૂર્ય એ ખાસ પ્રકારનો મુખ્ય શ્રેણીમાં આવતો તારક છે અને તે મુખ્ય શ્રેણીની લગભગ વચ્ચે આવેલો છે.

HR આકૃતિ ઉપર તારકોના સ્થાન ઉપરથી તેમનું લાક્ષણિક રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. જેમ કે, મુખ્ય શ્રેણીની બહાર અને લગભગ ટોચે આવેલા છે તે તારકો ઘણા મોટા છે. આવા તારકોને મહાવિરાટ (supergiant) તારકો કહે છે. મહાવિશાળ તારકો ઘણા મોટા અને અતિ તેજસ્વી હોય છે. આથી તેમનું માન ઓછું હોય છે. તે પછી વિરાટ (giant) તારકો મોટા અને ઓછા તેજસ્વી હોય છે. મુખ્ય શ્રેણીમાં આવા મધ્યમ કદના તારકોનું મોટું જૂથ છે. તે તાપમાન અને તેજસ્વિતાનો મોટો વિસ્તાર (range) ધરાવે છે.

મુખ્ય શ્રેણીને તળિયે આવેલા તારકો ઘણા નાના અને વધુ ગરમ હોય છે. તેમને શ્વેત વામન (white dwarf) કહે છે.

મુખ્ય શ્રેણીની અંતર્ગત જમણી બાજુ નીચેના છેડેથી નીકળી ડાબી બાજુ ટોચે જતાં તારાકીય દળમાં વધારો થતો જાય છે.

પ્રહલાદ છ. પટેલ