હર્ટ્ઝસ્પ્રુંગ, એજનર (જ. 8 ઑક્ટોબર 1873, કોપનહેગન, ડેન્માર્ક; અ. 21 ઑક્ટોબર 1967, ડેન્માર્ક) : તારકોના ઉદભવ (જન્મ) અને અંત(મૃત્યુ)ના પ્રખર અભ્યાસી અને પથપ્રદર્શક ડેનિશ ખગોળવિદ. તેમણે વિરાટ (giant) અને વામન (dwarf) તારકોનું અસ્તિત્વ પુરવાર કર્યું તેમજ હર્ટ્ઝસ્પ્રુંગ-રસેલ રેખાકૃતિ(diagram)ની રચના તૈયાર કરી.
એજનર હર્ટ્ઝસ્પ્રુંગ
કોપનહેગનમાં રહીને તેમણે રસાયણ-ઇજનેરીનો અભ્યાસ કર્યો તથા ત્યાં જ રહીને ફોટોકેમિસ્ટ્રીમાં વિશેષજ્ઞ બન્યા. આરંભે તેમણે પિટ્સબર્ગમાં રસાયણજ્ઞ (chemist) તરીકે કાર્ય કર્યું. પછી ડેન્માર્ક પરત જઈને સ્વતંત્ર ખગોળવિદ બનવાનું નક્કી કર્યું. 1902માં ગુટિંગેન (Guttingen) ખાતે કાર્લ શ્વાર્ઝસ્ચાઇલ્ડ (Karl Schwarzschild) સાથે કાર્ય કરવા નિમંત્રણ મળ્યું. 1909માં શ્વાર્ઝસ્ચાઇલ્ડ સાથે પોટ્સડમ (Potsdam) ખગોલીય વેધશાળામાં જોડાયા. લેઇડન(Leiden)માં ડી-સિટર (De-sitter) સાથે જોડાયા ત્યાં સુધી અહીં રહ્યા. નેધરલૅન્ડ્ઝની લેઇડન વેધશાળામાં 1919થી 1944 સુધી સંશોધનકાર્ય કર્યું. નેધરલૅન્ડના નિવાસ દરમિયાન છેલ્લાં 9 વર્ષ માટે તેઓ આ વેધશાળાના નિયામક તરીકે રહ્યા. ત્યાર બાદ ડેન્માર્ક પાછા ફરી જીવનપર્યંત ત્યાં જ રહીને કાર્ય કર્યું.
હર્ટ્ઝસ્પ્રુંગની બાબતે આશ્ચર્યની વાત તો એ છે કે તેમણે જિંદગીભર મેજ ઉપર જ કાર્ય કર્યું. બીજા ખગોળવિદોની જેમ તેમણે ક્ષેત્ર-કાર્ય કર્યું ન હતું. પણ બીજા ખગોળવિજ્ઞાનીઓએ જે માહિતી નજરઅંદાજ કરી હતી તેના ઉપર જ ધ્યાનપૂર્વક કાર્ય કર્યું. ખાનગી વેધશાળામાં કાર્ય કરતાં કરતાં વિરાટ અને વામન તારકો ઉપર મહત્વનો પ્રથમ લેખ તૈયાર કર્યો. તારા-વર્ણપટના પ્રકારો વચ્ચે વ્યાપક સંબંધ તૈયાર કર્યો. સાથે સાથે તારકોનાં તાપમાન અને તેજસ્વિતા વચ્ચે સંબંધ સ્થાપિત કર્યો.
હર્ટ્ઝસ્પ્રુંગે 1913થી 1917 વચ્ચે કરેલા સંશોધનને આધારે પ્રતિપાદિત કર્યું કે તારકોના વર્ણ તેમની ગરમી સહિત બધી જ માહિતી પૂરી પાડે છે. આવી સઘળી માહિતીને આધારે તેમણે સિદ્ધાંતબદ્ધ કર્યું કે વાદળી (blue) તારકો સૌથી વધારે ગરમ (hottest) અને મોટા (largest) હોય છે તથા રક્ત (લાલ – red) વામન તારકો સૌથી વધારે નાના (smallest) અને શીત (coolest) હોય છે. તેમણે સૂચવ્યું કે તારકો ગરમ-વાદળી તરીકે પોતાનું જીવન શરૂ કરે છે અને અવક્રમિત (degrade) થઈ રક્તવામન બને છે.
ડેન્માર્કમાં રહીને હર્ટ્ઝસ્પ્રુંગે સ્વતંત્ર રીતે 1912માં અને હેન્રી નોરિસ રસેલે યુ.એસ.માં રહીને શોધી કાઢ્યું કે તારકોની તેજસ્વિતા તેમની સપાટીના તાપમાન ઉપર આધાર રાખે છે. બંનેના કાર્યનો સમન્વય કરતાં હર્ટ્ઝસ્પ્રુંગ રસેલ (H–R) રેખાકૃતિ તૈયાર થઈ. H–R રેખાકૃતિ એ તારકોના નિરપેક્ષ માન (magnitudes) અને વર્ણપટીય વર્ગીકરણ વચ્ચેનો આલેખ છે. જ્યારે તારકોની તેજસ્વિતા અને તેમના તાપમાન વચ્ચે આલેખ તૈયાર કરવામાં આવે છે ત્યારે હજારો તારકોને સ્પષ્ટ રીતે ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય છે. આ ત્રણમાંના પ્રથમ જૂથને મુખ્ય શ્રેણી (અનુક્રમ main sequence) કહે છે. સૂર્ય, બીજા તારકોની જેમ, મુખ્ય શ્રેણીનો સભ્ય છે. બીજાં બે જૂથ છે. એકમાં વિરલ રક્ત વિરાટ તારકો જે અત્યંત તેજસ્વી છે અને બીજા જૂથમાં શ્વેત વામનો છે જે ખાસ તેજસ્વી નથી પણ ગરમ છે.
હર્ટ્ઝસ્પ્રુંગે બીજી કેટલીક વૈજ્ઞાનિક શોધો કરી. 1913માં તેમણે સિફાઇડ (Cepheid) પરિવર્તી તારકોને આધારે અંતર નિર્ધારણની પદ્ધતિ વિકસાવી. સિફાઇડ પરિવર્તી તારકો એ નિયમિત રીતે પ્રકાશમાં થતા ફેરફારવાળા સ્પંદનશીલ (pulsating) તારકોનો વર્ગ છે. મોટાં મેગેલેનિક (magellanic) વાદળોનું અંતર જાણવા માટે તેમણે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો. નિરપેક્ષ માનનો ઉપયોગ આગળ ધપાવનાર તે પ્રથમ ખગોળવિદ હતા. પોટ્સડેમમાં કાર્ય કર્યું તે દરમિયાન તેમણે યુગ્મ-તારકો(double stars)ના અવલોકન માટેની તકનીક વિકસાવી.
પ્રહલાદ છ. પટેલ