હર્ઝોગ, વર્નર (જ. 5 સપ્ટેમ્બર 1942, મ્યૂનિક, જર્મની) : જર્મન ચલચિત્ર-દિગ્દર્શક, નિર્માતા, અભિનેતા, પટકથાલેખક. મૂળ નામ વર્નર એચ. સ્ટિપેટિક. પોતાની આગવી શૈલીનાં ચલચિત્રો બનાવવા માટે જાણીતા વર્નર હર્ઝોગે બીજા વિશ્વયુદ્ધ પછીના પશ્ચિમ જર્મનીમાં ચલિચત્રની ઝુંબેશને આગળ વધારવામાં રેઇનર ફાસબાઇન્ડર અને વોલ્કર શ્લોન્ડ્રોફ સાથે મળીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. હર્ઝોગે મ્યુનિકમાં અને અમેરિકાના પૅન્સિલવેનિયા ખાતેની પિટ્સબર્ગ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ, સાહિત્ય અને સંગીતનો અભ્યાસ કર્યો હતો અને ત્યાર બાદ મેક્સિકો, બ્રિટન, ગ્રીસ અને સુદાન વગેરે દેશોમાં ખૂબ પ્રવાસ કરીને ઘણું અનુભવ-ભાથું મેળવ્યું હતું.
વર્નર હર્ઝોગ
તેમના આ પ્રવાસો દરમિયાન જુદી જુદી ભાષાઓ અને સંસ્કૃતિના લોકોને અને તેમના પ્રશ્નોને નિકટતાથી સમજવાની અને જાણવાની તેમને તક મળી હતી. ચલચિત્રોએ તેમને આકર્ષ્યા અને પોતાની અભિવ્યક્તિ માટે આ માધ્યમમાં તેમને રસ જાગ્યા બાદ 1962માં બનાવેલું તેમનું પહેલું ચિત્ર ‘હેરાક્લેસ’ લઘુ હતું. પ્રારંભે તેમણે લઘુચિત્રો દ્વારા જ ધ્યાન ખેંચ્યું હતું. એ પછી પૂર્ણ લંબાઈનું કથાચિત્ર બનાવતાં તેમણે પાંચ વર્ષ કાઢી નાખ્યાં. 1967માં તેમનું પહેલું ચિત્ર ‘સાઇન્સ ઑવ્ લાઇફ’ સાથે જ તેમણે એક આગવી શૈલીના ચિત્રસર્જક તરીકેની ઓળખ મેળવવા માંડી હતી. 1980ના દાયકામાં હર્ઝોગે લેખક-દિગ્દર્શક તરીકે કેટલાંક નોંધપાત્ર ચિત્રોનું સર્જન કર્યું, જેમાં ‘ઇવન ડ્વાર્ફ સ્ટાર્ટેડ સ્મૉલ’, ‘ફેટ મોર્ગાના’ અને તેમનું સૌથી સુંદર ગણાય છે તે ચિત્ર ‘હાર્ટ ઑવ્ ગ્લાસ’નો સમાવેશ થતો હતો. હર્ઝોગ ઓછાં ખર્ચાળ ચિત્રો બનાવવા માટે જાણીતા છે. આ ઉપરાંત મોટા ભાગે તેઓ પોતાનાં ચિત્રોનું લેખન અને નિર્માણ જાતે જ કરતા હોય છે. વિવિધ પ્રાણીઓની ઉપસ્થિતિ અને નૈસર્ગિક દૃશ્યોનું વિસ્તારપૂર્વકનું ચિત્રણ તેમની વિશેષતા છે અને આ બંને તત્વો સાથે પાત્રોનાં વિવિધ મનોમંથનોનું પ્રભાવક નિરૂપણ તેમનાં ચિત્રોને ગૂઢ અર્થથી સભર બનાવી દે છે. કલાકારો પાસેથી કામ લેવાની તેમની આગવી શૈલીને કારણે તેઓ સાવ નોખા પડી જાય છે. ‘હાર્ટ ઑવ્ ધ ગ્લાસ’ ચિત્રમાં પોતાને જોઈતું હતું એવું કામ મેળવવા તેમણે ચિત્રની સર્જનવેળાએ તમામ કલાકારોને હિપ્નોટાઇઝ કરાવ્યા હતા ! કાસ્પર હાઉસરના રહસ્યમય જીવન પર આધારિત ચિત્ર ‘એવરી મૅન ફૉર હિમસેલ્ફ ઍન્ડ ગૉડ અગેન્સ્ટ ઑલ’માં એક અંધારા ભંડકિયામાં ઊછરતા માણસના પાત્ર માટે તેમણે માનસિક રોગીઓની જેલમાં રહેતા એક કેદી બ્રુનો એસ.ને મુખ્ય ભૂમિકા આપી હતી. અંધ અને બધિરો અંગેના ‘લૅન્ડ ઑવ્ સાયલન્સ ઍન્ડ ડાર્કનેસ’ જેવાં હર્ઝોગે બનાવેલાં દસ્તાવેજી ચિત્રો પણ ખૂબ વખણાયાં છે.
નોંધપાત્ર ચિત્રો : ‘સાઇન્સ ઑવ્ લાઇફ’ (1968), ‘ઇવન ડ્વાર્ફ સ્ટાર્ટેડ સ્મૉલ’ (1968), ‘હાર્ટ ઑવ્ ગ્લાસ’, ‘એક્વાયર’, ‘ધ રૉથ ઑવ્ ગૉડ’ (1974), ‘એવરી મૅન ફૉર હિમસેલ્ફ ઍન્ડ ગૉડ અગેન્સ્ટ ઑલ’ (1975), ‘સ્ટ્રોઝનેક’ (1977), ‘વોયઝેક’ (1978), ‘નોસફેરાતુ’, ‘ધ વેમ્પાયર’ (1979), ‘વેર ધ ગ્રીન આન્ટ્સ ડ્રીમ’ (1984), ‘બેલાડ ઑવ્ અ લિટલ સોલ્જર’ (1985).
હરસુખ થાનકી