હરિયાળી ક્રાંતિ (Green Revolution)
February, 2009
હરિયાળી ક્રાંતિ (Green Revolution) : નવી ટૅક્નૉલૉજી પ્રયોજાવાથી ભારતમાં કૃષિક્ષેત્રે સમયના ટૂંકા ગાળામાં થયેલી મોટી ઉત્પાદનવૃદ્ધિ. ઊંચી ઉત્પાદકતા ધરાવતાં સંકર બીજ પર આધારિત આ ટૅક્નૉલૉજીનો ઉપયોગ 1966ના ચોમાસુ પાકથી કરવામાં આવ્યો હતો. ઘઉં, ચોખા, મકાઈ જેવાં કેટલાંક ધાન્યો માટે આ પ્રકારનાં બીજ શોધાયાં હતાં. આ ટૅક્નૉલૉજીના ત્રણ ઘટકો હતા : ઊંચી ઉત્પાદકતા ધરાવતાં બીજ, રાસાયણિક ખાતરો અને પાણીપુરવઠાની પર્યાપ્તતા તથા નિશ્ચિતતા. વધુ ઉત્પાદકતા ધરાવતાં બીજની એ ખાસિયત છે કે એમાંથી ઊગતા છોડની લંબાઈ ઓછી રહે છે અને તે ઝડપથી પરિપક્વ થાય છે. તેથી તેને ખાતરોના રૂપમાં પૂરતું પોષણ અને સમયસર પૂરતું અને માપસરનું પાણી મળવું જોઈએ. નવાં બીજ પર આધારિત આ ટૅક્નૉલૉજીની ત્રણ મર્યાદાઓ છે :
(1) જ્યાં મોટી સિંચાઈ યોજનાઓ દ્વારા પૂરતું અને સમયસર પાણી મળી શકે તેમ હોય એવા પ્રદેશોમાં જ તેને સફળતાપૂર્વક પ્રયોજી શકાય. નવી ટૅક્નૉલૉજીની આ પ્રાદેશિક મર્યાદા છે. દેશના જે વિસ્તારોમાં ખેતી મુખ્યત્વે વરસાદ પર આધારિત હોય ત્યાં આ ટૅક્નૉલૉજીનો સફળતાપૂર્વક અમલ થઈ શકે નહિ.
(2) ઊંચી ઉત્પાદકતા ધરાવતાં આવાં બીજ ઘઉં, ચોખા, મકાઈ જેવાં થોડાં ધાન્યો માટે જ શોધી શકાયાં છે. કઠોળ, તેલીબિયાં વગેરે મોટા ભાગના પાકો માટે આવાં બીજ શોધી શકાયાં નથી. નવી ટૅક્નૉલૉજીની આ પાકગત મર્યાદા છે. તેમાં પણ સંકર બીજને ઘઉંની બાબતમાં જેટલી સફળતા સાંપડી છે તેટલી ચોખા અને બાજરી જેવાં ધાન્યોમાં નથી સાંપડી. ઘઉંનો પાક રવી મોસમમાં લેવાતો હોવાથી તેની ખેતીમાં પાણીનો નિયંત્રિત અને નિયમિત રીતે ઉપયોગ કરી શકાય છે. ડાંગર, બાજરી વગેરે પાકો મુખ્યત્વે ચોમાસામાં લેવાતા હોવાથી તેમાં પાણીપુરવઠાને નિયંત્રિત કરી શકાતો નથી. વળી, ડાંગરનું વાવેતર દેશના અનેકવિધ વિસ્તારોમાં થતું હોવાથી વિવિધ પ્રદેશોની વિશેષતાને અનુરૂપ બીજ વિકસાવવાનું હજી શક્ય બન્યું નથી.
(3) તાર્કિક રીતે વિચારતાં નાના-મોટા બધા જ ખેડૂતો સિંચાઈની શ્રદ્ધેય સગવડ ધરાવતા વિસ્તારોમાં નવી ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરી શકે; પરંતુ વ્યવહારમાં મોટા ખેડૂતો આ ટૅક્નૉલૉજીનો જેટલો લાભ લઈ શક્યા છે તેટલો નાના ખેડૂતો તેનો લાભ લઈ શક્યા નથી. આ માટે બે કારણો છે :
(1) નવી ટૅક્નૉલૉજી માટેના નિક્ષેપો (inputs) બજારમાંથી ખરીદવા પડે છે. પ્રમાણિત સંકર બીજ, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વગેરેનો તેમાં સમાવેશ થાય છે. આ નિક્ષેપો ખરીદવા માટે ધિરાણ મેળવવાનું મોટા ખેડૂતો માટે સરળ છે, નાના ખેડૂતો માટે તે મુશ્કેલ અને વધુ ખર્ચાળ હોય છે. વળી જે વિસ્તારોમાં નહેરો દ્વારા સિંચાઈનો લાભ મળતો નથી એવા વિસ્તારોમાં સિંચાઈ માટે ખેડૂતોને ટ્યૂબવેલ પર આધાર રાખવો પડે છે. મોટા ભાગના દાખલાઓમાં નાના ખેડૂતો પોતાની માલિકીના ટ્યૂબવેલ ધરાવતા હોતા નથી. તેમને મોટી કિંમત ચૂકવીને મોટા ખેડૂતો પાસેથી પાણી ખરીદવું પડતું હોય છે. નાના ખેડૂતો માટે આ વ્યવસ્થા ઝાઝી ભરોસાપાત્ર નથી હોતી.
(2) સંકર બીજ પર આધારિત પાકો સરળતાથી જીવાત અને રોગોનો ભોગ થઈ પડે છે. તેથી આ ટૅક્નૉલૉજી પર આધારિત ખેતી, પરંપરાગત ટૅક્નૉલૉજી પર આધારિત ટૅક્નૉલૉજીની તુલનામાં વધારે જોખમી છે. આવું જોખમ ઉપાડવાની શક્તિ નાના ખેડૂતો ધરાવતા નથી. આમ આ ટૅક્નૉલૉજી ખેતીના ક્ષેત્રે આવકની વૈયક્તિક અસમાનતાને વધુ તીવ્ર બનાવનારી છે.
નવી ટૅક્નૉલૉજીની આ ત્રિવિધ મર્યાદાઓ છતાં તેને હરિયાળી ક્રાંતિ જેવું મોટું નામ આપવામાં આવ્યું તે હકીકતને સમજવા માટે પંજાબનું ઉદાહરણ તપાસવા જેવું છે. પંજાબમાં ઘઉંનાં સંકર બીજનો પ્રથમ વાર ઉપયોગ 1966માં કરવામાં આવ્યો હતો. 1969 સુધીમાં પંજાબમાં ઘઉંના વાવેતર નીચેનો બેતૃતીયાંશ વિસ્તાર નવા બીજ નીચે આવી ગયો હતો. 1966માં પંજાબમાં ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન 1400 કિગ્રા. હતું, તે વધીને 1969માં 2200 કિગ્રા. થયું. આમ ફક્ત ત્રણ જ વર્ષમાં પંજાબમાં ઘઉંના હેક્ટર દીઠ ઉત્પાદનમાં 64 ટકા જેટલો મોટો વધારો થયો. એને પરિણામે 1972 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ અને તેમની બચતોમાં તેનાથીયે મોટો વધારો થયો. એ બચતો તેમણે મોટા પ્રમાણમાં ઉત્પાદક અસ્કામતોમાં રોકી : ખાનગી ટ્યૂબવેલોની સંખ્યા છગણી થઈ, ટ્રૅક્ટરોની સંખ્યા ચારગણી થઈ, ઘઉંના વાવેતર નીચેની જમીનમાં 50 ટકાનો વધારો થયો, રાસાયણિક ખાતરોની વપરાશ છગણી થઈ અને ઘઉંના ઉત્પાદનમાં 140 ટકાનો વધારો થયો.
નવી ટૅક્નૉલૉજીને સાંપડેલી સફળતાને ક્રાંતિ જેવું મોટું નામ આપવામાં આવ્યું તે ઘટનાને સમજવા માટે એક બીજી વિગત પણ નોંધવી જોઈએ. દેશમાં 1950–51થી 1965–66નાં પંદર વર્ષોમાં અનાજના ઉત્પાદનમાં 2.15 કરોડ ટનનો વધારો થયો હતો, નવી ટૅક્નૉલૉજી મર્યાદિત વિસ્તારો અને મર્યાદિત પાકો માટે અપનાવી શકાઈ હોવા છતાં 1965–66થી 1970–71નાં માત્ર પાંચ વર્ષોમાં ભારતમાં અનાજના ઉત્પાદનમાં 3.60 કરોડ ટનનો વધારો થયો હતો.
નવી ટૅક્નૉલૉજીની ત્રિવિધ ગંભીર મર્યાદાઓ છતાં 1966માં દેશમાં તે અપનાવવામાં આવી તે માટે જવાબદાર કારણને સમજી લેવું જરૂરી છે. લગભગ 1940થી શરૂ કરીને દેશમાં અનાજની અછત વર્તાવી શરૂ થઈ હતી અને દેશને અનાજની આયાતો કરવી પડતી હતી. 1944થી 1949નાં પાંચ વર્ષોમાં દેશે 1.26 કરોડ ટન અનાજની આયાત કરી હતી, 1957થી 1967નાં દસ વર્ષોમાં એ આયાતો છ કરોડ ટન પર પહોંચી હતી. 1965–66 અને 1966–67નાં બે મોટા દુષ્કાળનાં વર્ષો દરમિયાન દેશને 1965માં 74.5 લાખ ટન અને 1967માં એક કરોડ ટન અનાજની આયાત કરવી પડી હતી. અનાજ માટેનું આ પરાવલંબન રાજકીય રીતે પણ ખૂબ જોખમી હતું. અનાજ માટે પરાવલંબી રહેવાનું ભારત જેવા મોટા દેશ માટે કોઈ રીતે યોગ્ય ન ગણાય. જે સ્થિતિ ભારતની હતી તે વિશ્વના અનેક વિકાસશીલ દેશોની હતી. આ બધા દેશોની વસ્તીને ભૂખમરાથી બચાવી શકાશે કે કેમ તે વિશે ઘેરી શંકા પ્રવર્તતી હતી. આ અત્યંત નિરાશાજનક પરિસ્થિતિમાં સંકર બીજ આવ્યાં; હકીકતમાં તો અન્નમોરચે વિશ્વમાં પ્રવર્તતી પરિસ્થિતિનો ઉકેલ શોધવા માટે અમેરિકાનાં બે ફાઉન્ડેશનો(ફૉર્ડ અને રૉકફેલર)એ સંશોધન માટે સહાય આપી હતી. સંકર બીજ એ સંશોધનની નીપજ છે અને તેણે દુનિયામાં ભૂખમરાના ભયને, ઓછામાં ઓછો છેલ્લા ચાર દસકાથી દૂર રાખ્યો છે.
1966માં દેશમાં પસંદગીના વિસ્તારોમાં નવી ટૅક્નૉલૉજીનો અમલ કરવામાં આવ્યો. 1966–67ના વર્ષમાં દેશમાં 20 લાખ હેક્ટર જમીન પર સંકર બીજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 1989–90 સુધીમાં 6.31 કરોડ હેક્ટર પર સંકર બીજ પર આધારિત ટૅક્નૉલૉજી અમલમાં આવી ગઈ હતી. હરિયાળી ક્રાંતિ પર આધારિત ટૅક્નૉલૉજીનો ઉપયોગ, પરંપરાગત કૃષિ-ટૅક્નૉલૉજીથી ઘણી બાબતોમાં જુદો પડે છે. નવી ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવા માટે ખેડૂતે ઘણું નવું શીખવું પડે. દા. ત., પાકને પાણી સમયસર અને નિયત માત્રામાં આપવું પડે, રાસાયણિક ખાતરો ખેતીનિષ્ણાતોએ સૂચવ્યા પ્રમાણેના પ્રમાણ અને જથ્થામાં નાખવાં જોઈએ, એ જ પ્રમાણે જંતુનાશક દવાઓનો પણ નિયત માત્રામાં યોગ્ય રીતે છંટકાવ કરવો પડે. પરંપરાગત કૃષિપદ્ધતિથી ટેવાયેલા ખેડૂતોએ જે ઝડપથી સંકર બીજ અપનાવી લીધાં તે એક નોંધપાત્ર ઘટના છે. એ પણ એક નોંધપાત્ર બાબત છે કે શરૂઆતમાં દેશમાં હરિયાળી ક્રાંતિ એવા પ્રદેશોમાં (પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ) કેન્દ્રિત થઈ હતી, જ્યાં ગ્રામીણ વિસ્તારોમાં સાક્ષરતાનું પ્રમાણ ઘણું ઓછું હતું.
નવી ટૅક્નૉલૉજીએ એક વ્યવસાય તરીકે દેશની ખેતીમાં એક મોટું પરિવર્તન નિપજાવ્યું. પૂર્વે બીજ, ખાતરો, પાણી વગેરે ખેતી માટેના નિક્ષેપો ખેડૂત પોતે જ પેદા કરી લેતા હતા, એની ખરીદી બજારમાંથી કરવી પડતી નહોતી. તેથી ખેતીખર્ચના એક મોટા ભાગ માટે ખેડૂતને ધિરાણની જરૂર પડતી નહોતી. નવી ટૅક્નૉલૉજીના ઉપયોગ માટે બીજ વગેરે નિક્ષેપો બજારમાંથી ખરીદવા પડતા હોઈ તે માટે ખેડૂતોને ધિરાણ લેવું પડે છે. બીજી બાજુ, નવી ટૅક્નૉલૉજીના ઉપયોગથી ખેતીના ક્ષેત્રે જોવા મળતી ઉત્પાદનની અસ્થિરતા ઘટી નથી, પણ વધી છે. આને કારણે મોટું દેવું કે કરજ કરીને ખેતી કરતા ખેડૂત માટે ધિરાણ ચૂકવવાની સમસ્યા વખતોવખત સર્જાતી રહે છે. જૂની ખેતીપદ્ધતિમાં ઉત્પાદન જ ઓછું થતું અને તેનો ઓછો ભાગ જ બજારમાં વેચવા માટે મુકાતો. નવી ઉત્પાદનપદ્ધતિમાં કેટલાક પાકોમાં ખેતીના ઉત્પાદનમાં મોટો વધારો થયો હોવાથી, બજારમાં વેચવામાં આવતા જથ્થામાં પણ મોટો વધારો થયો છે. તેથી બજારમાં ખેતપેદાશના ભાવોમાં થતી મોટી વધઘટ ખેડૂતોની કમાણીને ખૂબ અસ્થિર કરી મૂકે છે. આવકની આવી અસ્થિરતા ધરાવતા ખેડૂતો માટે સમયસર ધિરાણ પાછું વાળવાનું મુશ્કેલ બની જાય છે.
નવી ટૅક્નૉલૉજીના આ બધા પ્રશ્નો હોવા છતાં દેશમાં એકંદરે ખેડૂતોએ ઝડપથી નવી ટૅક્નૉલૉજી અપનાવી લીધી તેનાં બે કારણો છે : જે ખેતપેદાશો માટે સુયોગ્ય સંકર બીજ પ્રાપ્ય હોય છે તેનો ઉપયોગ એકંદરે ખેડૂતોને લાભદાયી માલૂમ પડ્યો છે, કેમ કે જો નવી ટૅક્નૉલૉજીનો ઉપયોગ સફળતાપૂર્વક થઈ શકે તો હેક્ટર દીઠ ઉત્પાદનમાં મોટો વધારો થાય છે. દા. ત., હરિયાળી ક્રાંતિના એક દસકા જેટલા સમયગાળામાં (1966–67થી 1977–78) અનાજના ઉત્પાદનમાં 1964–65 જેવા એક ખૂબ સારા વર્ષની તુલનામાં પણ 42 ટકાનો વધારો થયો હતો અને અનાજના હેક્ટર દીઠ ઉત્પાદનમાં 31 ટકાનો વધારો થયો હતો. સંકર બીજને દેશમાં સહુથી વધારે સફળતા ઘઉંમાં સાંપડી છે. ઉપર્યુક્ત દસકામાં ઘઉંના ઉત્પાદનમાં 160 ટકાનો અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં 62 ટકાનો વધારો થયો હતો. ટૂંકમાં, સંકર બીજની નફાકારકતાએ ખેડૂતોને તેમનો ઉપયોગ કરવા માટે પ્રેર્યા.
બીજું કારણ, નવી ટૅક્નૉલૉજીના અમલને અસરકારક અને સફળ બનાવવા માટે સરકારે એક સર્વગ્રાહી સ્વરૂપની સુસંગત નીતિ અપનાવી. નવી ટૅક્નૉલૉજીના ઉપયોગથી જે તે પેદાશના ઉત્પાદનમાં મોટો વધારો થવાથી બજારમાં તેના ભાવ ઘટી જાય અને ખેડૂતોને નુકસાન જાય એવું ન બને તે માટે એક કૃષિભાવપંચની રચના કરવામાં આવી. આ પંચનું કાર્ય જે તે પાક માટેના (મુખ્યત્વે ઘઉં અને ચોખા માટેના) ખેતીખર્ચની ગણતરી કરીને એ પેદાશના ખેડૂતો માટેના પોષણક્ષમ ભાવો માટે સરકારને ભલામણ કરવાની છે. એના આધાર પર સરકાર મોસમના આરંભે ઘઉં અને ડાંગરના તળિયાના ભાવ જાહેર કરે છે અને એ ભાવે જે ખેડૂતો સરકારને પોતાની પેદાશ વેચવા ઇચ્છતા હોય તે ખરીદી લેવાની વ્યવસ્થા સરકારે કરી છે. એ હેતુ માટે ફૂડ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયાની રચના કરવામાં આવી. ટૂંકમાં, ખેડૂતોને તેમના ઘઉં, ડાંગરનાં ઉત્પાદન માટે પોષણક્ષમ ભાવો મળી રહે તે માટેની પૂરી વ્યવસ્થા સરકારે ગોઠવી. એ જ રીતે સંકર બીજનો પૂરો લાભ લેવા માટે રાસાયણિક ખાતરો પૂરતા પ્રમાણમાં પ્રયોજવામાં આવે તે જરૂરી બની જાય છે. આ માટે સરકારે રાસાયણિક ખાતરોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું, એ ખાતરોની આયાતો માટે ઉદાર નીતિ અપનાવી અને રાસાયણિક ખાતરો પર સબસિડી આપીને તેમના ભાવો પ્રમાણમાં નીચા રાખ્યા.
દેશમાં છેલ્લાં થોડાં વર્ષોથી અનાજનું ઉત્પાદન સ્થગિત થઈ ગયું હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે. 1970–71માં દેશમાં અનાજનું ઉત્પાદન લગભગ 11 કરોડ ટન થયું હતું, સદીના અંતે તે લગભગ 21 કરોડ ટન થયું હતું. એ પછીનાં વર્ષોમાં તેમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. આથી એમ કહેવામાં આવે છે કે ઉત્પાદનવૃદ્ધિ સર્જવાની હરિયાળી ક્રાંતિની ગુંજાશ પૂરી થઈ ગઈ છે અને દેશને હવે બીજી કૃષિક્રાંતિની જરૂર છે. અલબત્ત, આ અપેક્ષિત બીજી કૃષિક્રાંતિનો આધાર શું હશે અને તેનું સ્વરૂપ કેવું હશે તે વિશે આપણે કંઈ કહી શકતા નથી.
સંકર બીજ પર આધારિત ટૅક્નૉલૉજીની ટીકા વિવિધ મુદ્દાઓ પર કરવામાં આવે છે. એનાથી જમીનની નૈસર્ગિક સમતુલા જોખમાય છે, જમીનની ફળદ્રૂપતા નાશ પામે છે અને તેને ટકાવી રાખવા માટે ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો નાખવાં પડે છે. રાસાયણિક ખાતરોનો ઉપયોગ જેટલા પ્રમાણમાં વધારવો પડે છે તેટલા પ્રમાણમાં હેક્ટરદીઠ ઉત્પાદન વધતું ન હોવાથી ખેડૂતો માટે એ ખોટનો ધંધો થઈ જાય છે.
સંકર બીજની ટૅક્નૉલૉજી સામેની આ ટીકાઓમાં તથ્ય હોય તો પણ તેણે ભજવેલી ઐતિહાસિક ભૂમિકાને નજરઅંદાજ ન કરવી જોઈએ. વીસમી સદીના ઉત્તરાર્ધમાં દુનિયાના અનેક વિકાસશીલ દેશો માટે ઊભા થયેલા ભૂખમરાના ભયને આ ટૅક્નૉલૉજીએ નિવાર્યો છે. ભારતનો દાખલો લઈએ તો છેલ્લાં પાંત્રીસ વર્ષથી દેશ અનાજની બાબતમાં સ્વનિર્ભર રહ્યો છે. આ સાડાત્રણ દસકાના સમયગાળામાં અનેક વર્ષો દુષ્કાળ કે અછતનાં આવ્યાં છે અને તે દરમિયાન કેટલાક પાકોના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. એમાં પણ 1984થી 1987નાં સળંગ ત્રણ વર્ષો દુષ્કાળનાં હોવા છતાં દેશમાં મોટા પ્રમાણમાં આયાતો કરવી પડી ન હતી અને દેશમાં અન્નની કોઈ કટોકટી સર્જાઈ ન હતી. હરિયાળી ક્રાંતિએ દેશને અત્યાર સુધી અન્ન-સલામતી પૂરી પાડી છે. એવો કોઈ દાવો કરી શકે તેમ નથી કે તેનો અસરકારક વિકલ્પ હોવા છતાં સંકર બીજ પર આધારિત ટૅક્નૉલૉજી દેશમાં અપનાવવામાં આવી છે.
રમેશ શાહ