હરદ્વાર (જિલ્લો) : ઉત્તરાખંડ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 29° 57´ 30´´ ઉ. અ. અને 78° 12´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેની ઉત્તરે દહેરાદૂન જિલ્લો, પૂર્વમાં પૌરી ગઢવાલ જિલ્લો, અગ્નિ, દક્ષિણ અને પશ્ચિમ તથા વાયવ્યમાં ઉત્તરપ્રદેશની સીમા આવેલાં છે. જિલ્લામથક હરદ્વાર જિલ્લાની પૂર્વમાં આવેલું છે.
લક્ષ્મણઝૂલા
જિલ્લાનાં મુખ્ય શહેરોમાં હરદ્વાર, ભગવાનપુર, રુરકી અને મોહંદનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 58 અને 74 હરદ્વારમાંથી પસાર થાય છે. મેરઠ અને હરદ્વારને જોડતો બ્રૉડગેજ રેલમાર્ગ પણ આવેલો છે. આ જિલ્લામાં હરદ્વાર, હૃષીકેશ, લક્ષ્મણઝૂલા જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે. ગંગા નદી હરદ્વારમાંથી પસાર થાય છે. 9-11-2000ના રોજ ઉત્તરાંચલ જિલ્લાની રચના કરવામાં આવેલી છે. હવે ઉત્તરાંચલ રાજ્ય ઉત્તરાખંડ તરીકે ઓળખાય છે, પરિણામે હરદ્વારની નવા જિલ્લા તરીકે રચના કરવામાં આવેલી છે.
ગિરીશભાઈ પંડ્યા