હરદ્વાર : ઉત્તરાખંડ રાજ્યના હરદ્વાર જિલ્લામાં આવેલું હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : તે 29° 57´ 30´´ ઉ. અ. અને 78° 12´ 00´´ પૂ. રે. પર સહરાનપુરથી અંદાજે 63 કિમી. ઈશાનમાં શિવાલિક પર્વતમાળાના તળેટીના ભાગમાં ગંગા નદીના જમણા કાંઠે વસેલું છે. અહીં ગંગા નદી પહાડી પ્રદેશ છોડીને મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે.
કહેવાય છે કે આ નગર ઘણું પ્રાચીન છે. અહીં કપિલ મુનિનું તપોવન હતું. કપિલ મુનિના નામ પરથી તે વખતે આ નગર ‘કપિલા’ નામથી ઓળખાતું હતું. અહીંની ગંગા નદી તેના બીજા બધા ભાગ કરતાં વધુ પવિત્ર ગણાય છે તથા શિવાલિકની પાર્શ્વભૂમિને કારણે આ નગર ખૂબ જ રમણીય લાગે છે.
હ્યુ ઍન સંગ સાતમી સદીમાં અહીં હરદ્વારમાં આવેલા, તેમણે અહીંનું વર્ણન ‘મોન્યુ-લો’ નામથી કરેલું છે. હરદ્વારની નજીકમાં આવેલું માયાપુરી ગામ મોન્યુ-લો હશે એમ સમજવામાં આવે છે. પ્રાચીન કિલ્લા અને મંદિરોનાં ખંડિયેરો અહીં જોવા મળે છે.
ગંગા નદીના કાંઠા પર આવેલું ‘હર કી પેડી’ નામનું સ્થાનક ભારતભરમાં પ્રસિદ્ધ બનેલું છે. ત્યાં ગંગાદ્વારનું મંદિર અને વિષ્ણુનાં ચરણચિહનો છે. બારે માસ અહીં લાખો લોકોની અવરજવર રહે છે. યાત્રાળુઓ અહીં ગંગાસ્નાન કરીને ચરણચિહનોની પૂજા કરે છે તથા પવિત્ર ગંગાજળ સાથે લઈને પાછા જાય છે. શિવાલિક પર્વતોના ઢોળાવ પર મનસાદેવીનું મંદિર આવેલું છે. હર કી પેડી નજીક આવેલા ગૌઘાટથી સડકમાર્ગે પગથિયાં ચઢીને અથવા રજ્જુમાર્ગે મનસાદેવીના મંદિરે પહોંચી શકાય છે. કહેવાય છે કે મનસાદેવી ભક્તોની મનીષા (ઇચ્છા) પૂરી કરે છે, તેથી મનસાદેવી નામ પડેલું હોવાનું મનાય છે. પહાડ પર આવેલું આ મંદિર હરદ્વારની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. અહીંથી ગંગાના ઘાટનું, નગરનું રમણીય દૃશ્ય તથા ગંગાનો દૂર સુધીનો પટ જોઈ શકાય છે. મનસાદેવીના મંદિર નજીકમાં અષ્ટભુજાદેવી અને ભૈરવનાં મંદિરો તથા સૂર્યકુંડ આવેલાં છે.
હરદ્વારમાં મંદિરો ઘણાં છે, તે પૈકીનું સંભવત: દસમી સદીમાં બંધાયું હોવાનું કહેવાતું માયાદેવીનું મંદિર પથ્થરમાંથી બનાવેલું છે; તેમાં ત્રણ મસ્તક અને ચાર હાથવાળી માયાદેવીની મૂર્તિ સ્થાપિત કરેલી છે. 1904માં દહેરાદૂન સુધીનો રેલમાર્ગ થયો હોવાથી યાત્રીઓને હરદ્વાર જવા-આવવાની અનુકૂળતા થઈ ગઈ છે.
આજે હરદ્વાર અંદાજે પાંચ કિમી. જેટલી લંબાઈમાં વિસ્તર્યું છે. અગાઉના સમયમાં આ સ્થળ વાણિજ્યમથક પણ હતું. અહીં ઘોડાઓનો વેપાર થતો. નજીકમાં આવેલા હૃષીકેશ પાસે રશિયાના સહકારથી ઍન્ટિબાયૉટિક દવાઓનું વિશાળ કારખાનું નંખાયું છે. અહીંથી ગંગાની મુખ્ય નહેર પણ નીકળે છે. યાત્રીઓની સગવડો જળવાય એ હેતુથી અહીં ઘણી ધર્મશાળાઓ જોવા મળે છે.
હરદ્વારમાં હર કી પેડી (વિષ્ણુનાં ચરણચિહન પરથી નામ) ખાતે થતી સાંધ્ય પ્રાર્થના
ભારતના ધાર્મિક આસ્થા ધરાવતા લોકોમાં એક એવી માન્યતા પ્રવર્તે છે કે અહીં મૃત્યુ પામનાર પરમપદને પામે છે. ગંગાસ્નાન કરનારનાં જન્મજન્માંતરનાં પાપ ધોવાઈ જાય છે, પરલોકમાં હરિપદની પ્રાપ્તિ થાય છે. લગભગ બધાં જ પુરાણોમાં હરદ્વારના માહાત્મ્યનું વર્ણન કરેલું છે.
ગિરીશભાઈ પંડ્યા