હરદોઈ : ઉત્તર પ્રદેશ રાજ્યના લખનૌ વિભાગમાં પશ્ચિમ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 53´થી 27° 47´ ઉ. અ. અને 79° 41´થી 80° 49´ પૂ. રે. વચ્ચેનો 5986 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ શાહજહાનપુર અને લખીમપુર ખેરી જિલ્લા, પૂર્વ તરફ ગોમતી નદીથી જુદો પડતો સીતાપુર જિલ્લો, દક્ષિણ તરફ લખનૌ અને ઉન્નાવ જિલ્લા તથા પશ્ચિમ તરફ ગંગાની સીમાથી જુદા પડતા કાનપુર અને ફરૂખાબાદ જિલ્લા આવેલા છે. તેની વાયવ્યઅગ્નિ દિશા તરફની લંબાઈ 125 કિમી. અને પૂર્વપશ્ચિમ પહોળાઈ 74 કિમી. જેટલી છે. જિલ્લામથક હરદોઈ જિલ્લાના મધ્ય ભાગમાં આવેલું છે.

હરદોઈ જિલ્લો

ભૂપૃષ્ઠ : ગંગા અને ગોમતી નદીઓની વચ્ચે આવેલા આ જિલ્લાનું ભૂપૃષ્ઠ લગભગ સમતળ મેદાની પ્રકારનું છે. સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ અંદાજે 150થી 155 મીટર જેટલી છે. ગંગાની સીમાની ધારે ધારે ભેજવાળો કાંપ પથરાયેલો છે. બાકીનું ભૂપૃષ્ઠ મધ્યભાગમાં રકાબી જેવું છે, જેની પૂર્વ અને પશ્ચિમતરફી ધારો પર રેતાળ ટેકરાઓ જોવા મળે છે. મધ્યનું થાળું નાનાં જળાશયો અને પંકથી છવાયેલું છે. જિલ્લાના સમગ્ર ભાગમાં છૂટક છૂટક આલ્કલી બંધારણવાળી જમીનો આવેલી છે. જિલ્લાના ત્રણ સ્થળાકૃતિ વિભાગો પાડી શકાય છે : (i) તરાઈનો નીચી ભૂમિનો પ્રદેશ, (ii) નવા કાંપ(ભાંગર)થી બનેલો ઊંચાણવાળો પ્રદેશ તથા (iii) મધ્યનો મેદાની પ્રદેશ. વર્ષાઋતુ દરમિયાન નીચાણવાળા ભાગોમાં પૂરનાં પાણી છવાઈ જાય છે. નદીજન્ય કાંપથી બનેલી જમીનો ફળદ્રૂપ છે. જિલ્લાની જમીનો રેતાળ (ભૂર પ્રકાર), ગોરાડુ (ભાંગર પ્રકાર), માટીવાળી (ખદર પ્રકાર) અને આલ્કલાઇન (ઊસર પ્રકાર) છે. જિલ્લાનો ભાગ ગોરાડુ જમીનોથી બનેલો છે. આ જમીનોની જળગ્રહણક્ષમતા સારી છે. ઊસર પ્રકારની આલ્કલાઇન જમીનો ફળદ્રૂપ નથી.

વનસ્પતિ : જિલ્લાની વનસ્પતિ-સંપત્તિમાં મુખ્યત્વે ધાક, બાવળ, ખજૂર, બેલ, લીમડો, પીપળો, સીસમ, વાંસ તેમજ કાંટાળા છોડવા અને વેલા જોવા મળે છે. ફળાઉ વૃક્ષોમાં આંબા, જામફળ અને જૅકફ્રૂટ મુખ્ય છે. સાલ અને ગોમતીના કાંઠા પર અગાઉ જે જંગલભાગ હતો તેને સાફ કરીને ખેતભૂમિમાં વધારો કર્યો છે.

જળપરિવાહ : ગંગા, રામગંગા, ગારા, સેંધા, સુખેતા, સાઈ અને ગોમતી અહીંની મુખ્ય નદીઓ છે. આ ઉપરાંત ગૌરિયા, કલ્યાણી અને કારવા જેવી નાની સહાયક નદીઓ પણ છે. આ નદીઓમાં આવતા પૂરથી નવા ને નવા કાંપની ફળદ્રૂપ જમીનો ઉમેરાય છે.

ખેતી : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી-પ્રવૃત્તિ પર આધારિત છે. વર્ષમાં ખરીફ અને રવી પાકો લેવાય છે. ઘઉં અને ડાંગર અહીંના મુખ્ય પાકો છે; અન્ય પાકોમાં મકાઈ, ચણા, જવ, જુવાર, અડદ અને તુવેરનો સમાવેશ થાય છે. મગફળી અને શેરડી અહીંના રોકડિયા પાકો છે. સરકારી એજન્સીઓ અને વિકાસ ઘટકો દ્વારા ખેડૂતોને જરૂરી સાધનસામગ્રી, ખાતરો, જંતુઘ્ન દવાઓ વગેરેની સહાય પૂરી પડાય છે. ખેતીનું ઉત્પાદન વધે તે માટે સંશોધન થતું રહે છે. ખેડૂતોની કૃષિવિષયક જાણકારી વધારવા માધ્યમોનો ઉપયોગ થાય છે. પ્રાદેશિક જમીન-ચકાસણી પ્રયોગશાળા જમીનોનું મૂલ્યાંકન કરી આપે છે.

પશુપાલન : ખેડૂતો ખેતી ઉપરાંત પશુપાલન દ્વારા વધારાની આવક પણ મેળવે છે. દુધાળાં ઢોર અને ઘેટાં-બકરાંનો પુષ્કળ સંખ્યામાં ઉછેર થાય છે. પશુઓની સ્વાસ્થ્યસંભાળ માટે અહીં પશુદવાખાનાં, પશુસેવાકેન્દ્રો વિકસાવાયાં છે.

ઉદ્યોગો : જિલ્લામાં કોઈ પણ પ્રકારની ખનિજસંપત્તિ નથી. માત્ર ગ્રિટ, રેહ (Reh) (ખારો પાટ) અને સૉલ્ટપીટર મળે છે; જેનું કોઈ વિશેષ મહત્વ નથી. સ્થાનિક કક્ષાએ ગૃહઉદ્યોગો તેમજ કુટિરઉદ્યોગો ચાલે છે. તેમાં છાપખાનાં; ઇજનેરી કાર્યશાળાઓ; કૃષિવિષયક સાધનસરંજામ, લોખંડની પેટીઓ, પિત્તળનો સામાન અને સાબુ બનાવવાના એકમો; મીણબત્તીના અને પ્લાસ્ટિકના એકમોનો સમાવેશ થાય છે. સિમેન્ટની જાળીઓ, પી.વી.સી.ની પાઇપો, લોખંડની જાળીઓ, ધાતુની પાઇપો, દુકાનોના દરવાજા જેવી ચીજવસ્તુઓનું ઉત્પાદન પણ લેવાય છે. હાથસાળો દ્વારા ધોતી અને ચાદરો બનાવાય છે. ચિકન અને શેતરંજીઓનો હુન્નર વિકસ્યો છે. યુ. પી. સ્ટેટ ટૅક્સ્ટાઇલ કૉર્પોરેશને ટૅક્સ્ટાઇલ સંકુલ બનાવીને 25,000 સ્પિન્ડલો અને 1,000 કારીગરો તેમાં રોક્યા છે. મગફળીના થતા ઉત્પાદનને લક્ષમાં રાખીને હરદોઈ સહકારી વનસ્પતિ મિલ શરૂ કરી છે. લક્ષ્મી સુગર ઍન્ડ ઑઇલ મિલ્સ લિ. અહીંનો જૂનો ઔદ્યોગિક એકમ છે.

વેપાર : જિલ્લામાં રાયડો અને સિંગતેલ, ખાંડ, ગોળ, હાથવણાટનું કાપડ, ચોખા અને માટલાંનું ઉત્પાદન લેવાય છે. અહીંનાં નગરોમાંથી ખાદ્યાન્ન, શાકભાજી, જામફળ, ખાંડ, તમાકુ, સીંગતેલ, તેલીબિયાં અને હાથવણાટના કાપડની નિકાસ થાય છે. કાપડ, સૂતર, કેરોસીન, ખાંડ, ગોળ, વનસ્પતિ ઘી અને કેટલાંક અનાજની આયાત કરવામાં આવે છે.

પરિવહન : જિલ્લામાં રેલમાર્ગો અને સડકમાર્ગોની સારી સુવિધા છે. મુઘલસરાય–સહરાનપુર બ્રૉડગેજ રેલમાર્ગ તથા બાલામઉ–કાનપુર અને બાલામઉ–સીતાપુર મીટરગેજ રેલમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. રેલમાર્ગની કુલ લંબાઈ 144 કિમી. જેટલી છે. અહીં થઈને કોઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થતો નથી. રાજ્ય ધોરી માર્ગ હરદોઈને સીતાપુર સાથે તથા ઉન્નાવ અને કાનપુર જિલ્લાને સાંકળે છે. લખનૌ–પલિયા રાજ્યમાર્ગ હરદોઈને લખનૌ સાથે અને શાહજહાનપુરને જોડે છે. રાજ્ય ધોરી માર્ગોની લંબાઈ 335 કિમી. જેટલી છે. જિલ્લામાર્ગોની લંબાઈ 757 કિમી. તથા અન્ય માર્ગોની લંબાઈ 133 કિમી. જેટલી છે. સરકારી અને ખાનગી બસોથી અવરજવર થાય છે. રેલ તથા ટ્રકો દ્વારા માલની હેરફેર કરવામાં આવે છે. આ ઉપરાંત બળદગાડાં અને ટટ્ટુઓનો પણ ઉપયોગ થાય છે.

પ્રવાસન : હરદોઈ ખાતે હિરણ્યકશિપુનો કિલ્લો અને પ્રહલાદ ઘાટ તથા સાંડિલા નગરમાં શાંડિલ્ય ઋષિનો આશ્રમ આવેલાં છે. શાહબાદ નગરમાં દિલેરખાન કા મકબરા છે. બાલામઉ જંક્શનથી 15 કિમી.ને અંતરે બરુવા ગામમાં બરુવા મંદિર, ગોપામઉમાં અકબરની જામા મસ્જિદ, માધોગંજનગર નજીક રૂઇયા કિલ્લો, હરદોઈ–કોઠાવન–આત્રોલી માર્ગ પર હત્યા-હરણ તીર્થ, સંદીનગર નજીક બ્રહ્માવર્ત, હરદોઈ–પિહાની માર્ગ પર સિદ્ધાશ્રમ જેવાં સ્થળો પ્રવાસીઓ માટેનાં આકર્ષણનાં કેન્દ્રો છે. જિલ્લામાં વાર-તહેવારો પર મેળા ભરાય છે.

વસ્તીલોકો : 2001 મુજબ જિલ્લાની વસ્તી 33,97,414 છે. તે પૈકી 55 % પુરુષો અને 45 % સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 88 % અને 12 % જેટલું છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓનો ઉપયોગ થાય છે. અહીં હિન્દુઓની વસ્તી વિશેષ છે; જ્યારે મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈનોની વસ્તી ઓછી છે. જિલ્લામાં શિક્ષિતોનું પ્રમાણ 35 % જેટલું છે. પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓનું મધ્યમસરનું પ્રમાણ જોવા મળે છે. જિલ્લામાં કૉલેજોનું પ્રમાણ તદ્દન ઓછું છે. મુખ્ય નગરોમાં દવાખાનાંની થોડીઘણી સગવડ છે. જિલ્લાને વહીવટી દૃષ્ટિએ ચાર તાલુકાઓમાં અને 19 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 13 નગરો અને 1983 ગામડાં (100 વસ્તીવિહીન) આવેલાં છે.

ઇતિહાસ : શિવપુરાણ મુજબ જિલ્લાનો પ્રાચીન ઇતિહાસ પરંપરાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે. ક્યારેક અહીંનો રાજા હિરણ્યકશિપુ હતો, જે પોતાને ભગવાન ગણાવતો હતો, તેના નામ પરથી આ પ્રદેશનું નામ ‘હરિદ્રોહી’ હતું. હરદોઈ તેના શાસનનું મુખ્ય મથક હતું. તેનો પુત્ર પ્રહલાદ પિતાના વિચારો સાથે સહમત ન હતો, તેથી હિરણ્યકશિપુ ભગવાન નરસિંહ દ્વારા મરાયો હતો.

1019માં મહમ્મદ ગઝનવીએ આ પ્રદેશ પર આક્રમણ કરેલું. 1539માં બિલગ્રામ નજીક હુમાયૂં અને શેરશાહ વચ્ચે લડાઈ થયેલી. મુઘલોના શાસનકાળ દરમિયાન હરદોઈ અવધના સૂબાનો એક ભાગ રહેલું, જેના પર નવાબોનું શાસન હતું. 1773માં બ્રિટિશ દળોની બ્રિગેડે બિલગ્રામ પાસે છાવણી નાખેલી, જે પછીથી કાનપુર ખાતે લઈ જવાયેલી. તે પછીથી 1849 સુધી અહીં અંધાધૂંધી રહી. અવધ પ્રાંત સહિત આ પ્રદેશ 1856માં બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ આવ્યો. 1857માં સ્વાતંત્ર્ય માટેનો વિપ્લવ થયો. 1858માં હરદોઈમાં જિલ્લામથક આવ્યું, જે દરજ્જો આજેય ચાલુ છે.

ગિરીશભાઈ પંડ્યા