હરદત્ત (9મીથી 11મી સદી) : પાણિનીય સંસ્કૃત વ્યાકરણ-પરંપરાના ખ્યાતનામ વૈયાકરણ. તેઓ દક્ષિણ ભારતીય દ્રાવિડ બ્રાહ્મણ હતા. દક્ષિણ ભારતમાં પાણિનીય વ્યાકરણના પ્રસારમાં તેમનો સિંહફાળો હતો. તેમની માતાનું નામ શ્રી અને પિતાનું નામ પદ્મકુમાર હતાં. કાવેરી નદીના કિનારે આવેલા ગામના તેઓ વતની હતા. 9મીથી 11મી સદી સુધીમાં તેમનો સમય અનુમાનવામાં આવ્યો છે. તેમના જ્ઞાન માટે તેમણે પોતે જ ગર્વોક્તિઓ કરી છે. તેઓ પોતાની જાતને પ્રક્રિયા વિશેના તર્કરૂપી વનમાં સ્વૈરવિહાર કરતા સિંહ તરીકે વર્ણવે છે. પોતાને જ પતંજલિના ‘મહાભાષ્ય’ના શ્રેષ્ઠ જાણકાર કહે છે અને પોતાના જેવો જાણકાર મળવો દુર્લભ હોવાની વાત પણ તેમણે કરી છે.
ધર્મસૂત્રો અને શ્રૌતસૂત્રો પર હરદત્તે ઘણી ટીકાઓ રચી છે; પરંતુ તેમની ‘પદમંજરી’ અને ‘મહાપદમંજરી’ એ વ્યાકરણ વિશેની ટીકાઓ વધુ જાણીતી છે. વામન અને જયાદિત્ય નામના લેખકોએ રચેલી પાણિનીય ‘અષ્ટાધ્યાયી’ પરની કાશીમાં લખાયેલી ‘કાશિકાવૃત્તિ’ પાણિનીય વ્યાકરણનો શિરમોર વૃત્તિગ્રંથ છે. ભટ્ટોજી દીક્ષિતની પાણિનીય ‘અષ્ટાધ્યાયી’ પરની ‘સિદ્ધાન્તકૌમુદી’ જેટલી જ ‘કાશિકા’ જાણીતી છે. આ ‘કાશિકા’ પર હરદત્તે પોતાની ‘પદમંજરી’ અને ‘મહાપદમંજરી’ નામની ટીકાઓ રચી છે. ‘પદમંજરી’ એ વિદ્વત્તાપૂર્ણ ટીકા છે. ‘કાશિકા’ પર પ્રાચીન કાળમાં જિનેન્દ્રબુદ્ધિએ ‘ન્યાસ’ નામથી ઓળખાતી ‘કાશિકાવિવરણપંજિકા’ નામની ટીકા લખી છે તેના કરતાં પણ વધુ હરદત્તે રચેલી ‘પદમંજરી’ ટીકાને કાશીની વૈયાકરણપરંપરા પ્રમાણભૂત ગણી અનુસરે છે. હરદત્તે ‘પદમંજરી’માં પતંજલિના ‘મહાભાષ્ય’ના અગત્યના તમામ મુદ્દાઓ રજૂ કર્યા છે. વળી હરદત્તે ‘પદમંજરી’માં અનેક સૂત્રો, રૂપો અને ઉદાહરણોની ચર્ચા પાણિનિને અનુસરીને કરી છે. સાથે સાથે ભર્તૃહરિના ‘વાક્યપદીય’માંથી પણ તેમણે ઉદ્ધરણો આપ્યાં છે. પોતાના તથા અન્યના સંગ્રહશ્લોકો પણ તેમણે આપ્યા છે. પતંજલિના ‘મહાભાષ્ય’માંથી અનેક ઉદ્ધરણો ‘પદમંજરી’માં જોવા મળે છે. હરદત્તની ‘પદમંજરી’ પર પણ ટીકાઓ રચાઈ છે તે હસ્તપ્રતોમાં સચવાઈ છે. ભટ્ટોજી દીક્ષિતે પણ ‘સિદ્ધાન્તકૌમુદી’માં હરદત્તના મતોની નોંધ લીધી છે.
પ્ર. ઉ. શાસ્ત્રી