હરચરણસિંગ [જ. 10 ડિસેમ્બર 1914, ચાક-576, જિ. શેખુપુરા (હાલ પાકિસ્તાનમાં)] : પંજાબી નાટ્યકાર. તેમને તેમના નાટક ‘કલ, આજ તે ભાલક’ (1973) બદલ 1973ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબી અને ઇતિહાસમાં એમ.એ. તથા દિલ્હી યુનિવર્સિટીમાંથી થિયેટર ટ્રેડિશન્સ ઇન પંજાબ’ પર 1973માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ મહિલાઓ માટેની ખાલસા કૉલેજ, લાહોરમાં તથા કૅમ્પ કૉલેજમાં પ્રાધ્યાપક અને દિલ્હી યુનિવર્સિટીમાં રીડર રહ્યા તથા કેન્દ્રીય પંજાબી લેખક સભાના પ્રમુખ, પંજાબી સાહિત્ય અકાદમી, લુધિયાણા, સીનિયર ઉપપ્રમુખ, પંજાબ આર્ટ થિયેટર, ચંડીગઢના પેટ્રન અને છેલ્લે પંજાબ યુનિવર્સિટી, પતિયાળામાંથી પ્રાધ્યાપકપદેથી સેવાનિવૃત્ત થયા.
નોરા હ રિચાર્ડ દ્વારા તેમને નાટક લખવાની પ્રેરણા મળી અને 1937માં તેમણે ‘કમલાકુમારી’ નામક પ્રથમ નાટક આપ્યું. તેમનાં ઉલ્લેખનીય નાટકો છે : ‘રાજા પોરસ’ (1938), ‘દૂર દૂરાદે શહેરોં’ (1939), ‘આંજોર’ (1941), ‘ખેડાં દે દિન ચાર’ (1943), ‘દોષ’ (1948), ‘તેરા ઘર સો મેરા ઘર’ (1953), ‘પુનિયાં ટા ચણ’ (1954), ‘રાત્તા સાળુ’ (1957), ‘શોભા શક્તિ’ (1962), ‘સારે દે સારે નાટક’ (1968), ‘ચમ્કૌર દી ગઢી’ (1969), ‘મિટ્ટી ઢૂંઢ જગ ચનાં હોઆ’ (1970), ‘કલ, આજ તે ભાલક’ (1972), ‘દેખ કબિરા રોયા’ (1977), ‘રાણી જિન્દાં’ (1981), ‘અંબર કાલા’ (1986), ‘નંગા જખમ’ (1990), ‘શુભકરમ તે કભ્ભુના તારાં’ (1991), ‘ઇતિહાસ જવાબ માંગદા હૈ’. તેમનાં એકાંકીઓમાં ‘જીવનલીલા’ (1940), ‘સપ્તર્ષિ’ (1942), ‘પંજ ગિન્ના’ (1944), ‘મેરે ચોનવે એકાંગી’ (1957), ‘હરચરણસિંગ દે ચોનવે એકાંગી’ (1959), ‘મૂર્કે દી ખુશબૂ’નો સમાવેશ થાય છે. તેમણે ‘સિપિમાં’ (1945), ‘નવિન સવેરે’ (1956) નામક વાર્તાસંગ્રહો તથા ‘પંજાબી સાહિત દા સંકલોપ ઇતિહાસ’ (1953) જેવા વિવેચનગ્રંથો આપ્યા છે.
તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ ઉપરાંત પંજાબ સરકાર દ્વારા પણ ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. ભાષા વિભાગ, પંજાબ તરફથી તેમને સાહિત્ય શિરોમણિ ઍવૉર્ડ (1973), 1985માં પંજાબી સાહિત્ય અકાદમી લુધિયાણા તરફથી કરતારસિંઘ ધાલિવાલ પ્રાઇઝ પ્રાપ્ત થયાં છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘કલ, આજ તે ભાલક’ (1973) પૂરા કદનું અદ્યતન નાટક છે. તેમાં હાલના રાજકીય જીવનમાં રહેલ દૂષણોનું પ્રતિબિંબ પાડવામાં આવ્યું છે. તેની તીવ્ર ઊંડી સૂઝ અને નાજુક લાક્ષણિકતાઓને કારણે આ કૃતિ તત્કાલીન પંજાબી નાટ્ય સાહિત્યમાં અનોખી ભાત ઉપસાવે છે.
બળદેવભાઈ કનીજિયા