હમ્ફ્રી, ડોરિસ (Humphrey, Doris) (જ. 17 ઑક્ટોબર 1895, ઑર્ક પાર્ક, ઇલિનોઇ, અમેરિકા; અ. 29 ડિસેમ્બર 1958, ન્યૂયૉર્ક સિટી, અમેરિકા) : અગ્રેસર અને પથદર્શક આધુનિક અમેરિકન નૃત્યકાર અને કોરિયોગ્રાફર. શિકાગોમાં અનેક પ્રકારનાં નૃત્યો શીખ્યા પછી હમ્ફ્રી 1917માં લોસ એન્જેલિસની ‘ડેનીશોન સ્કૂલ’માં વિદ્યાર્થી તરીકે જોડાયાં. બીજે જ વર્ષે તેઓ આ ડાન્સ કંપનીનાં એક અગ્રણી નર્તકી બન્યાં. તેમણે સોલો (એકલ) નૃત્યના કાર્યક્રમો આપ્યા.
ડોરિસ હમ્ફ્રી
આ સોલો નૃત્યની કોરિયોગ્રાફી તે પોતે જ કરતાં. તેઓ રુથ સેંટ ડેનિસનાં કોરિયોગ્રાફિક મદદનીશ બન્યાં. 1925માં એડવર્ડ મેકડોવેલના બૅલે ‘સોનાટા ટ્રેજિકા’માં હમ્ફ્રીએ કોરિયોગ્રાફી કરી; પરંતુ તેમણે કોરિયોગ્રાફીને વધુ ભાર આપવા માટે આ બૅલેમાંથી સંગીતની બાદબાકી કરી. સંગીત વિનાના નૃત્ય તરીકે આ પ્રથમ અમેરિકન બૅલે છે. સંગીતના પ્રભાવ હેઠળ કોરિયોગ્રાફી કરવાનું હમ્ફ્રીને પસંદ આવ્યું નહિ. વળી ડેનીશોનમાં પશ્ચિમ યુરોપિયન બૅલે શૈલીની બોલબાલા પણ હમ્ફ્રીને નાપસંદ હતી. પરિણામે તેમણે અને અન્ય એક બૅલે નર્તક ચાર્લ્સ વાઇડમાને ડેનીશોન છોડી અલગ બૅલે કંપની ‘હમ્ફ્રી-વાઇડમૅન’ શરૂ કરી; જે 1944 સુધી કાર્યશીલ હતી. આમ સ્વતંત્ર રીતે તેમણે કોરિયોગ્રાફ કરેલા બૅલેમાં પ્રથમ બૅલે ‘વોટર સ્ટડી’ (1928) હતો. તેમાં તેમણે સાથે સંગતમાં પરંપરાગત સંગીત નહિ પણ સમુદ્રનાં મોજાં, માનવીના શ્વાસોચ્છવાસ અને નાડીના ધબકારાના રેકોર્ડેડ (ધ્વનિમુદ્રિત) અવાજોનો ઉપયોગ કર્યો છે. બૅલે ‘ડ્રામા ઑવ્ મોશન’(1930)માં કોઈ જ સંગીત કે (નર્તકની શારીરિક હલનચલન અને કૂદકા જેવી ક્રિયાથી થતા અવાજો સિવાય) બીજા અવાજોનો ઉપયોગ નથી થયો. વળી, આ બૅલે ઍબ્સ્ટ્રૅક્ટ છે, તેમાં કોઈ થીમ નથી. બૅલે ‘ડાન્સ ઑવ્ ધ ચોઝન’ (1931)માં તેમણે ઢોલ અને એકૉર્ડિયન્સ ઉપરાંત અસંગત અસ્પષ્ટ (incoherent) માનવઅવાજનો ઉપયોગ કર્યો છે. આ બૅલે ‘ધ શેકર્સ’ (અમેરિકન ખ્રિસ્તીઓનો એક સંપ્રદાય) નામે પણ ઓળખાયો છે, કારણ કે અહીં શેકર્સનો ભક્તિભાવ વ્યક્ત થયો છે. 1936માં હમ્ફ્રીનો માસ્ટરપીસ બૅલે ‘ન્યૂ ડાન્સ’નું મંચન થયું. તેમાં રોમૅન્ટિક પ્રેમની અભિવ્યક્તિ કેન્દ્ર-સ્થાને છે. બૅલે ‘ઇન્ક્વેસ્ટ’ (Inquest) (1944)માં હમ્ફ્રીએ સામાજિક વિરોધ નોંધાવ્યો છે. પોતે રચેલ બૅલેમાં પોતે જાતે નૃત્ય કર્યું હોય તેવો હમ્ફ્રીનો આ છેલ્લો બૅલે છે. છતાં નવાં નૃત્યો સર્જી કોરિયોગ્રાફી કરવાનું તેમણે ચાલુ રાખ્યું. તેમણે યુરોપના પ્રશિષ્ટ બરોક સંગીતકાર જે. એસ. બાખની સંગીતકૃતિ ‘સી માઇનોર પાસાકાલિયા’ માટે કોરિયોગ્રાફી કરી. જોસે લિમોનની બૅલે કંપની માટે તેમણે ‘લેમેન્ટ ફૉર ઇગ્નાસિયો સાન્ચેઝમેજીયાઝ’, ‘નાઇટ સ્પેલ’, ‘ડે ઑન અર્થ’ અને ‘રીટ્મો જોન્ડો’ જેવાં બૅલે કોરિયોગ્રાફ કર્યાં. હમ્ફ્રીએ ‘જુલિયાર્ડ ડાન્સ થિયેટર’ સ્થાપ્યું, ત્યાં તેમણે કોરિયોગ્રાફી શિખવાડી. તેમણે એક પુસ્તક લખ્યું છે : ‘ધી આર્ટ ઑવ્ મેકિંગ ડાન્સીસ’ (1959).
અમિતાભ મડિયા