હમીદુલ્લા, ડૉ. મુહમ્મદ (જ. 19 ફેબ્રુઆરી 1908, હૈદરાબાદ; અ. 17 ડિસેમ્બર 2002, ફ્લોરિડા, યુ.એસ.) : ભારતના એક પ્રખ્યાત વિદ્વાન. જેમણે ફ્રાંસમાં રહીને પોતાનું સમગ્ર જીવન ઇસ્લામી ઇતિહાસ તથા માનવ-સભ્યતાના અભ્યાસ માટે અર્પણ કર્યું હતું. તેમનો સંબંધ હાલના તામિલનાડુના અકૉટ જિલ્લાના અરબી કુળના એક પ્રતિષ્ઠિત અને સંસ્કારી કુટુંબ સાથે થયો હતો. તેમનું કુટુંબ ઘણી પેઢીઓથી વિદ્યા તથા ધર્મના ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન ધરાવતું હતું. ડૉ. હમીદુલ્લાના પિતાશ્રી મુફતી ખલીલુલ્લાહ ધર્મશાસ્ત્રોમાં પ્રવીણ હતા. ડૉક્ટરનો વિદ્યારસ તેમની પ્રકૃતિનો ભાગ હોવા ઉપરાંત વંશપરંપરાગત પણ હતો.

ડૉ. હમીદુલ્લાએ હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને ઇસ્લામી કાયદાશાસ્ત્ર તેમજ તેની પદ્ધતિમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ એલએલ.બી.; એલએલ.એમ. અને પીએચ.ડી.ની પદવીઓ પણ મેળવી હતી. ભારતમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમનું અતૃપ્ત મન તેમને જર્મની અને ફ્રાંસ લઈ ગયું. તેમણે બૉન યુનિવર્સિટી(જર્મની)માંથી ‘ઇસ્લામના આંતરરાષ્ટ્રીય સંબંધો’ વિષય પર ડી.ફિલ. અને સૉબૉર્ન યુનિવર્સિટી(ફ્રાંસ)માંથી ‘પયગંબર સાહેબના સમય તથા ખુલ્ફાએ રાશિદીનના યુગમાં ઇસ્લામી રાજદ્વારી સંબંધો’ના વિષય ઉપર ડી.લિટ. કર્યું. યુરોપથી પાછા ફર્યા બાદ ઉસ્માનિયા યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કાયદાના અધ્યાપક તરીકે તેઓ 1948 સુધી સેવાઓ આપતા રહ્યા. 1948માં તેઓ પાછા ફ્રાંસ ગયા અને પ્રથમ ઑરિયેન્ટલ સ્ટડીઝ રિસર્ચ સેન્ટરમાં 25 વર્ષ અને ફ્રાંસના નૅશનલ સેન્ટર ફૉર સાયન્ટિફિક રિસર્ચમાં પણ 20 વર્ષ સુધી કામ કરતા રહ્યા. આ રીતે વિદેશમાં તેમણે ભારતનું નામ રોશન કર્યું. તેમણે ફ્રાંસમાં રહીને મુખ્યત્વે ઇસ્લામી ઇતિહાસ વિષય ઉપર સંશોધન અને અનેક ભાષાઓમાં લેખન-પ્રવૃત્તિ ચલાવી. આ દરમિયાન તેમણે અંકારા, ઇસ્તંબુલ (તુર્કી), કુઆલાલુમ્પુર (મલેશિયા), કેરો (ઇજિપ્ત) તથા યુરોપના અન્ય દેશોમાં પણ શ્રેણીબંધ વ્યાખ્યાનો આપ્યાં અને આધુનિક યુગમાં ઇસ્લામ વિશે જે શંકાઓ તથા ગેરસમજ ઉદભવી તેને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.

ડૉ. મુહમ્મદ હમીદુલ્લા

ડૉ. હમીદુલ્લા જિંદગીભર સંશોધન અને લેખન-પ્રવૃત્તિમાં વ્યસ્ત રહ્યા હતા. તેઓ સ્વભાવે સંશોધક હતા. તેથી તેમણે જે કાંઈ લખ્યું તે વિદ્વત્તાપૂર્ણ, સંશોધિત અને આલોચનાથી સભર તથા તેમના ઉદ્યમના પરિણામસ્વરૂપ માલૂમ પડે છે. તેમની કૃતિઓની સંખ્યા વિશાળ અને વિભિન્ન વિષયો ઉપર આધારિત હોવા સાથે નવીનતાથી યુક્ત છે. તેમણે દરેક કાર્યમાં પોતાનો આગવો માર્ગ કાઢ્યો હતો. તેમનો પ્રિય વિષય પયગંબરસાહેબનું જીવનચરિત્ર હતું; પરંતુ પરંપરાગત કે ચીલાચાલુ રીતે લખવાને બદલે તેમણે એક નિરાળો અંદાજ અપનાવ્યો હતો. આ વિષયમાં તેમણે પયગંબરસાહેબની રાજકીય પ્રવૃત્તિ, તેમના યુગની રાજ્યવ્યવસ્થા, શિક્ષણપદ્ધતિ, પયગંબરસાહેબનો પત્રવ્યવહાર; ઇસ્લામી કાયદાઓમાં આંતરરાષ્ટ્રીય પરિપેક્ષ્ય જેવા પેટાવિષયોનો સમાવેશ કર્યો હતો.

ડૉ. હમીદુલ્લાને અરબીના મૂળ સ્રોતો, સાધનો અને સંદર્ભગ્રંથો શોધીને સંપાદિત કરવાનો ખાસ શોખ હતો. તેમણે અરબી ભાષાની ઘણી પાયાની કૃતિઓ શોધી કાઢી હતી. તેમણે સંશોધિત તથા સંપાદિત કરેલા કેટલાક ગ્રંથો આ પ્રમાણે છે : હદીસના વિષયમાં ‘સહીફા હુમામ બિન મુનબ્બા’, સીરતના વિષયમાં ‘મજમૂઆ વસાઈક’ તથા ‘સીરતે ઇબ્ન ઇસ્હાક’, ઇમામ મુહમ્મદ બિન હસન શયબાનીનું પુસ્તક ‘કિતાબુ સિયર અલ-કબીર’, ઇમામ ઇબ્રાહીમ ફજારીના એક પુસ્તકનો યુનેસ્કો તરફથી અરબીમાંથી ફ્રેંચ અનુવાદ કર્યો હતો. તેમણે પવિત્ર કુરાનની સૌથી પ્રાચીન ત્રણ હસ્તપ્રતો શોધીને તેમનો તુલનાત્મક અભ્યાસ પ્રસિદ્ધ કર્યો હતો. આમાંથી સમરકંદની એક પ્રતને ‘મસ્હફે કુરાને ઉસ્માની’ શીર્ષક હેઠળ 1985માં ફિલાડેલ્ફિયા(યુ.એસ.)થી પ્રકાશિત કરી હતી.

ડૉ. હમીદુલ્લા તેમની માતૃભાષા ઉર્દૂ ઉપરાંત ફારસી, અરબી, તુર્કી, અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, ગ્રીક જેવી ભાષાઓના પણ જાણકાર હતા. ઉર્દૂ તથા અરબીની જેમ ફ્રેંચ અને અંગ્રેજીમાં પણ યાદગાર પુસ્તકો ઇસ્લામી સભ્યતાની સમજૂતી આપવા માટે તેમણે ખાસ યુરોપીય ભાષાઓનો ઉપયોગ કર્યો હતો. સૌથી વધુ લાભદાયક અને નોંધપાત્ર કામ, ફ્રેંચ ભાષામાં તેમણે કરેલો કુરાનનો અનુવાદ છે, જેની વીસ હજાર નકલોની એક એવી વીસ આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. તેમણે ઇસ્લામનો પરિચય કરાવતું જે પુસ્તક લખ્યું, તેમાંથી દરેકનો વીસથી વધારે ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે. તેમણે જગતની એકસોવીસ ભાષાઓમાં કુરાનના જે અનુવાદ થયા છે તેની ગ્રંથસૂચિ (bibliography) તૈયાર કરી છે. તેમણે જગતના વિવિધ ધર્મોનો ઍટલાસ પણ પૅરિસથી પ્રસિદ્ધ કર્યો છે. તેમનાં પ્રકાશિત થયેલાં પુસ્તકોની સંખ્યા 150 છે; જેમાંનું દરેક અનેક વાર છપાઈને લોકપ્રિય બન્યું છે. તેમની કૃતિઓમાં સંશોધન તેમજ શ્રમથી વધારે તેમનો સાચો સંકલ્પ તથા અંતરનું બળ દેખાય છે. તેમની કૃતિઓ શિષ્ટ, ગંભીર અને સ્પષ્ટ હોય છે. તે અર્થપૂર્ણ હોવાની સાથે સાથે સાદી, સરળ, સમજાય તેવી અને હૃદયાકર્ષક હોય છે. તેમનામાં અતિશયોક્તિ, શબ્દવિલાસ, આવેશ અને ઉગ્રતા જોવા મળતાં નથી.

ડૉ. હમીદુલ્લા વિશાળ ધાર્મિક દૃષ્ટિ ધરાવતા હતા. જગતના વિવિધ ધર્મોની માન્યતાઓને સન્માનવાની સાથે સાથે મુસ્લિમોના વિવિધ ફિરકાઓ તથા વૈચારિક સંગઠનોની અદબ કરતા હતા. તેઓ દુનિયામાં એક મુસાફરની જેમ રહ્યા હતા. ફ્રાંસમાં નિવાસ કરવા છતાં ત્યાંની રાષ્ટ્રીયતા પ્રાપ્ત કરી ન હતી. તેમણે પૅરિસમાંનાં સમૃદ્ધ પુસ્તકાલયો તથા સંશોધનસંસ્થાઓને લઈને તેને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમણે પૅરિસ જેવા શહેરમાં ફકીરી જીવન વિતાવ્યું હતું. તેઓ એક ફ્લૅટમાં એકલા રહેતા હતા. કોઈ નોકર હતો નહિ. પોતાનાં બધાં કામ હાથે કરતા હતા. સાદગીભર્યું જીવન હતું; તેથી જ હંમેશાં તંદુરસ્ત રહ્યા અને 94 વર્ષનું લાંબું આયુષ્ય ભોગવ્યું. અરબી અને ઇસ્લામી શાસ્ત્રોના ઊંડા અભ્યાસ બદલ સઉદી અરબ તરફથી 1994માં શાહ ફૈસલ ઍવૉર્ડ અર્પણ થયો જે અરબ નોબેલ પ્રાઇઝ કહેવાય છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી