હમાસ : પેલેસ્ટાઇનનું ત્રાસવાદી, ગેરીલા સંગઠન. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બે સાખ પડોશી દેશો છે. આ ભૂમિ મૂળ કોની તે અંગે બંને દેશો વચ્ચે સતત યુદ્ધ અને તંગદિલી પ્રવર્તે છે. આ અંગેનું મુખ્ય કારણ એ છે કે 1939માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે આ પેલેસ્ટાઇનના ભૂમિ-વિસ્તારમાંથી કેટલોક ભાગ અલગ તારવીને ત્યાં નવા ઇઝરાયેલ રાજ્યની રચના ઘોષિત કરવામાં આવી હતી. 1947માં ઇઝરાયેલની રચના થઈ તે માટે આ વિસ્તાર પસંદ કરવાનું કારણ એ હતું કે યહૂદી ધર્મ અને હિબ્રૂ ભાષા અને સંસ્કૃતિ અહીં ઉદભવ્યાં અને વિકસ્યાં હતાં.
ઇઝરાયેલની આ રચના અન્ય આરબ રાજ્યોને અને વિશેષ કરીને પેલેસ્ટાઇનને સદાય ખટકતી રહી છે. બીજી તરફ ઇઝરાયેલ તેની ભૂમિ પરના નાના કે મોટા એક પણ અડપલાને સહન કરી લેતું નહિ અને મુખ્યત્વે લશ્કરી કાર્યવહી દ્વારા વળતો જવાબ આપતું. આથી ઇઝરાયેલની રચના વેળાનો વિવાદ શમવાનું નામ લેતો નથી અને સમય સાથે વધુ ને વધુ વકરતો ગયો છે.
આથી હમાસનું પેલેસ્ટાઇનમાંનું આ ત્રાસવાદી સંગઠન વિકસ્યું. તેમાં સૌથી વધુ સુન્ની મુસ્લિમો જોડાતા. પ્રારંભે તેનું લક્ષ્ય ઇઝરાયેલના સૈનિકો હતા અને ત્યાર બાદ તેના લોકો અને ઇઝરાયેલ રાજ્ય તેનું લક્ષ્ય રહ્યાં છે. હમાસ પેલેસ્ટાઇનનું ઇસ્લામિક આંદોલન અને રાજકીય પક્ષ – બંને છે. મુસ્લિમ બંધુત્વમાં તે માને છે અને ઇસ્લામિક સાંપ્રદાયિક સત્તાની સ્થાપના તેનું લક્ષ્ય છે.
આવું એક બીજું સંગઠન પેલેસ્ટાઇનમાં કાર્યરત છે તે પીએલઓ (પેલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનાઇઝેશન). પ્રારંભે હમાસને આ પીએલઓ વિરુદ્ધ ઇઝરાયેલ ટેકો આપતું. તેથી તેની નોંધણી 1978માં ઇઝરાયેલમાં થઈ હતી. શેખ અહમદ યાસિન તેના સ્થાપક નેતા હતા અને અબ્દુલ અઝીઝ અલ રન્તીશી તેના સહસ્થાપક હતા. જોકે આ બંને નેતાઓની પાછળથી ઇઝરાયેલ દ્વારા હત્યા થઈ હતી. ઇઝરાયેલે હેલિકૉપ્ટરના હુમલામાં અલગ અલગ સમયે બંનેની હત્યા કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
હમાસ એ હરકત અલ મુકાવામાં અલ ઇસ્લામિયા (HAMAS) સંસ્થાનું અરેબિક આદ્યાક્ષરી ટૂંકું રૂપ છે. તે મુસ્લિમ બંધુત્વમાં માને છે. પેલેસ્ટાઇનમાં તેમજ ઇઝરાયલ શાસિત વેસ્ટબૅન્ક અને ગાઝાપટ્ટી વિસ્તારોમાં તે ઇસ્લામિક ધાર્મિક રાજ્ય અને ઇસ્લામની ગુરુસત્તા સ્થાપવાનો ઉદ્દેશ ધરાવે છે. આ વિસ્તારો ઇસ્લામનો ધાર્મિક વારસો હોવાથી તે બિનમુસ્લિમોને સુપરત ન જ થવા જોઈએ એવી માન્યતા આ બે દેશો વચ્ચેના સંઘર્ષનો મૂળ મુદ્દો છે. ઇઝરાયેલ રાજ્યને નિશાન બનાવીને તે આ રાજ્યને વિશ્વના નકશા પરથી ભૂંસી નાંખવાનું ધ્યેય રાખે છે. ઇસ્લામ ધર્મના આ મૂળ વતનને બચાવવા સશસ્ત્ર સંઘર્ષ કરવાનો તેનો હક્ક છે, એવી મૂળભૂત માન્યતા સાથે તે કામ કરે છે.
પ્રારંભે તે આ વિસ્તારોમાં સમાજસેવા કરતી સંસ્થા હતી જે પેલેસ્ટાઇનના નિર્વાસિતો અને ઇઝરાયેલી લશ્કરનો ભોગ બનેલા લોકોનાં કુટુંબીજનોને સહાય કરતી હતી. તે સમાજસેવાનું વિસ્તૃત માળખું ધરાવે છે, જેમાં તબીબી સહાય ઉપરાંત શૈક્ષણિક સુવિધાનો પણ સમાવેશ થાય છે. આ ક્ષેત્રના કામના અનુભવ પછી તેણે મજૂરમંડળો, યુનિવર્સિટીઓ, બજારો અને વિવિધ વ્યવસાયી સંગઠનોમાં તેનું વર્ચસ્ વધાર્યું. આ કામો માટે તે મસ્જિદોનો પણ ઉપયોગ કરે છે. આ વિસ્તારમાં મુસ્લિમ રાજ્યની સ્થાપના કરવાની માન્યતાથી પ્રેરાઈને તે ઇઝરાયેલના શાસકો લશ્કર તથા પેલેસ્ટાઇનની સીમાઓ યુદ્ધનાં છમકલાં અને હત્યાઓથી ગાજતી રાખે છે.
આ લડાયક વલણોને કારણે ‘હમાસ’ પેલેસ્ટાઇનની પ્રજામાં લોકપ્રિય બનતું ગયું તે એટલી હદ સુધી કે 2006ના વર્ષના પ્રારંભે ત્યાં ચૂંટણીઓ યોજાઈ તેમાં તેને બહુમતી મળી અને 26 જાન્યુઆરી 2006ના રોજ તે સત્તાસ્થાને આવ્યું અને એથી વિશ્વભરમાં ભારે આશ્ચર્ય સર્જાયું. રાષ્ટ્રીય સ્તરે આતંકવાદી સંગઠન ચૂંટાઈને સત્તા પ્રાપ્ત કરે તેવી વિશ્વભરની કદાચ આ પ્રથમ ઘટના છે. ‘હમાસ’નો આ વિજય ઇઝરાયેલ અને અમેરિકાની મધ્યપૂર્વ અંગેની નીતિનો ઘોર પરાજય છે. આ ચૂંટણીમાં 42.9 % મત સાથે હમાસે 132માંથી 76 બેઠકો મેળવી હતી.
હમાસ પેલેસ્ટાઇનનું સૌથી મોટું આતંકવાદી સંગઠન છે, જેમાં મુખ્યત્વે સુન્ની મુસ્લિમો જોડાતા રહ્યા છે. ઇઝરાયેલની રચના અને ગાઝાપટ્ટી તથા વેસ્ટબૅન્કમાં બિનમુસ્લિમોના પ્રભુત્વના વિરોધમાં તેની રચના થઈ છે. સમગ્ર પેલેસ્ટાઇન પર પકડ અને પ્રભુત્વ સ્થાપિત કરવાનો આશય હમાસ ધરાવે છે, પેલેસ્ટાઇનમાં તેના સમર્થકો ભારે સંખ્યામાં છે. તેની પાસે મરજીવા ટુકડીઓનાં જૂથ છે. જે જાનના જોખમે આતંકભરી કાર્યવહી કરવા તત્પર હોય છે. સ્થાનિક નેતાઓ યહૂદીઓ સાથે વેરભાવને પ્રજ્વલિત રાખીને હમાસની લોકપ્રિયતાનો આંક ઊંચો લઈ જવામાં સફળ નીવડે છે; પરંતુ વૈશ્વિક સ્તરે આ સંગઠન આતંકવાદી સંગઠનની નામના ધરાવે છે, તેથી મુસ્લિમ રાજ્યો અને મુસ્લિમ સંગઠનો સિવાય તે અન્યત્ર કોઈ રાજકીય મહત્ત્વ પ્રાપ્ત કરી શક્યું નથી. એથી ઊલટું પેલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનાઇઝેશન (PLO) પેલેસ્ટાઇનમાંનું ઉગ્રવાદી સંગઠન છે, પણ તે આતંકવાદી માર્ગો છેલ્લા રસ્તા તરીકે જ અપનાવતું હોવાથી તેને આંતરરાષ્ટ્રીય વિચારવિમર્શમાં સામેલ કરવામાં આવે છે. જેના નેતા યાસર અરાફત હતા.
ઇઝરાયેલને અમેરિકાની સત્તાનું સતત સમર્થન પ્રાપ્ત થતું હોવાથી હમાસ જેવાં સંગઠનો આતંક દ્વારા કશું વિશેષ સિદ્ધ કરી શકતાં નથી તે સ્પષ્ટ છે.
રક્ષા મ. વ્યાસ