હમદાની, અલ્–, બદીઉઝ્ઝમાઁ (જ. 969, હમદાન, ઈરાન; અ. 1008, હિરાત, અફઘાનિસ્તાન) : સુવિખ્યાત કવિ, નામાંકિત વિદ્વાન અને પ્રખર ભાષાશાસ્ત્રી. પૂરું નામ અબુલફઝલ એહમદ બિન અલ્ હુસૈન બિન યાહ્યા બિન સઈદ અલ્ હમ જાની. તેમણે પોતાના વતનમાં પર્શિયન અને અરબી ભાષાનું શિક્ષણ લીધું હતું. પછી અલ-સાહિબ(જ. આબ્બાદ; અ. 995)નો પરિચય થતાં, તેમની પાસેથી ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું. જુર્જાન અને નેસાબૂર(નિશાપુર)ની મુલાકાત લીધી. ત્યાં અબુબક્ર અલ્ ખ્વારિઝમી (અ. 993 અથવા 1002) નામના પ્રકાંડ વિદ્વાન પુરુષ સાથે જાહેરમાં વાદવિવાદ કર્યો. આ જ્ઞાનચર્ચાઓએ તેમને તુરત જ નામના બક્ષી. પાછળથી ઈરાન અને અફઘાનિસ્તાનના ખૂણેખૂણામાં ફરી વળ્યા અને છેવટે હિરાત(અફઘાનિસ્તાન)માં વસવાટ કર્યો. ત્યાં તેમણે પરિણીત જીવન ગાળ્યું.
‘મકામાહ’(Assembly)ના નવસર્જક તરીકે પણ તેમનું નામ જાણીતું છે. મકામાહ સાહિત્યનું એક એવું નાટ્યસ્વરૂપ છે, જેમાં લેખક કથાને બદલે સ્વરૂપને મહત્ત્વનું ગણે છે અને પોતાના કાવ્યસર્જનમાં પ્રતિભાશક્તિ, જ્ઞાન અને શબ્દચાતુર્યને શ્રેષ્ઠ રીતે અભિવ્યક્ત કરે છે. જોકે આ મત ચર્ચાસ્પદ રહ્યો છે. હિટ્ટી નામના વિવેચકના મત મુજબ કોઈ એક વ્યક્તિએ ‘મકામાહ’નું સર્જન કર્યું હોય તેમ બનવું શક્ય નથી. ખરેખર તો પ્રાસાનુપ્રાસવાળું ગદ્ય અને આલંકારિક ભાષાના સ્વાભાવિક વિકાસનું ફળ એટલે ‘મકામાહ’. જોકે આ સ્વરૂપને વિશિષ્ટ રીતે પ્રચલિત કરવાનું માન હમદાનીને ફાળે જાય છે. અલબત્ત, ઇબ્ન-દુરેયદ (અ. 933) અને તેમની પહેલાંના અનેક શૈલીકારોએ પણ ‘મકામાહ’ માટે કામ કરેલું છે.
હમદાનીએ 400 જેટલા મકામાહનું સર્જન કર્યું હોવાની માન્યતા છે. જોકે તેમાંથી માત્ર 52 જ ઉપલબ્ધ છે. મકામાહને લીધે તેમને બદી અલ્-ઉઝ્ઝમાઁના ઇલકાબથી નવાજવામાં આવ્યા હતા. સૌપ્રથમ મકામાહ ઈ. સ. 1298માં અસ્તના(તુર્કસ્તાન)માં પ્રસિદ્ધ થયા હતા અને ત્યાર પછી 1886માં બેરુતમાં. ગદ્ય અને પ્રાસાનુપ્રાસવાળા ગદ્ય તથા પદ્યના મિશ્ર સ્વરૂપમાં તે લખાયા હતા. બસરાના અલ્-હરીરી (1054–1122) માટે હમદાની એક આદર્શ હતા. લગભગ સાત સદીઓ સુધી હરીરીની કૃતિઓને અરબી ભાષાના મુખ્ય ખજાના તરીકે આદરપાત્ર ગણવામાં આવી હતી.
હમદાનીની અન્ય નોંધપાત્ર કૃતિઓમાં ‘રસાઈલ બદીઉઝ્ઝસાન’ (પ્રથમ પ્રકાશન અસ્તનામાં 1888 અને પાછળથી બેરુતમાં 1890) અને ‘દીવાનશિઅર’ (જેની હસ્તપ્રત પૅરિસની લાઇબ્રેરીમાં છે અને જેનું પ્રકાશન ઇજિપ્તમાં 1903માં થયું હતું) છે.
મકસૂદ એહમદ
અનુ. વિ. પ્ર. ત્રિવેદી