હન્ટ, વિલિયમ મોરિસ (Hunt, William Morris) (જ. 31 માર્ચ 1824, બ્રેટલ બોરો વેર્મોન્ટ, અમેરિકા; અ. 8 સપ્ટેમ્બર 1879, આઇલ્સ ઑવ્ શોએલ્સ, ન્યૂ હેમ્પશાયર) : બાર્બિઝોં ચિત્રશૈલીમાં ચિત્રણા કરનાર અમેરિકન રંગદર્શી ચિત્રકાર. હાર્વર્ડ કૉલેજમાં અભ્યાસ શરૂ
વિલિયમ મોરિસ હન્ટ
કર્યા પછી એ અધૂરો છોડી હન્ટે પૅરિસમાં કૂતૂરે પાસે થોડો સમય ચિત્રકલાનો અભ્યાસ કર્યો અને એ પછી બાર્બિઝોં ચિત્રશૈલીના ચિત્રકાર જ્યાં ફ્રાંસ્વા મિલે પાસે તેઓ ચિત્રકલાની તાલીમ પામ્યા. બાર્બિઝોં શૈલીમાં તેમણે ચિત્રસર્જન કર્યું. અમેરિકામાં બોસ્ટન પાછા ફર્યા પછી તેમના પ્રભાવને લીધે બીજા સ્થાનિક ચિત્રકારો પણ બાર્બિઝોં ચિત્રશૈલી તરફ ઢળ્યા. 1855માં હન્ટે તેમનાં શ્રેષ્ઠ ચિત્રો સર્જ્યાં : ‘ગર્લ ઍટ ધ ફાઉન્ટેન’, ‘હર્ડી-ગર્ડી બૉય’ (Hurdy-Gurdy) અને ‘ધ ફ્લાઇટ ઑવ્ નાઇટ’ (1878). લોકમાંગને પહોંચી વળવા માટે તેમણે મોટી સંખ્યામાં વ્યક્તિચિત્રો પણ આલેખ્યાં. દુર્ભાગ્યે 1872માં લાગેલી આગ ગ્રેટ બોસ્ટન ફાયરમાં તેમનાં ઘણાં ચિત્રો બળીને ભસ્મ થઈ ગયાં. એ પછી એમણે અમેરિકન નિસર્ગનું આલેખન કર્યું. હન્ટ કલા-શિક્ષક તરીકે પણ સફળ નીવડ્યા. તેમના શિષ્યોમાંથી જૉન લાફાર્જ અને વિલિયમ જેમ્સ તથા હેન્રી જેમ્સે ચિત્રકારો તરીકે નામના મેળવી. હન્ટે કલા અંગે પુસ્તક પણ લખ્યું છે : ‘ટૉક્સ ઑન આર્ટ’ (1878).
અમિતાભ મડિયા