હન્ચબૅક ઑવ્ નોત્ર દામ, ધ : લોકપ્રિય ચલચિત્ર. નિર્માણવર્ષ : 1939. ભાષા : અંગ્રેજી. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : આર.કે.ઓ. રેડિયો પિક્ચર્સ. નિર્માતા : પેન્દ્રો એસ. બેર્મેન. દિગ્દર્શક : વિલિયમ ટાઇટ્લર. કથા : વિક્ટર હ્યુગોની નવલકથા પર આધારિત. પટકથા : બ્રુનો ફ્રેન્ક, સોનિયા લેવિયન. સંગીત : આલ્ફ્રેડ ન્યૂમૅન. છબીકલા : જૉસેફ એચ. ઑગસ્ટ. મુખ્ય કલાકારો : ચાર્લ્સ લાફ્ટન, સેડ્રિક હાર્ડવિક, ટૉમસ મિચેલ, મૌરિન ઓ હારા, એડમંડ ઓબ્રાયન, એલન માર્શલ, વૉલ્ટર હેમ્પડન, હેરી ડેવેનપૉર્ટ.
તરસ્યા ક્વોસિમોડોને જલપાન કરાવતી એસ્મેરેલ્ડા
પંદરમી સદીના મધ્યકાલીન ફ્રાન્સમાં રાજા લૂઈ 11માના શાસન વખતે ચાલી રહેલી સામાજિક અને રાજકીય ઊથલપાથલના કપરા સમયમાં આકાર લેતી આ સંવેદનશીલ કથા નોત્ર દામ ચર્ચમાં ઘંટ વગાડવાનું કામ કરતા એક કદરૂપા ખૂંધિયા ક્વોસિમોડોના એક સ્વરૂપવાન જિપ્સી કન્યા એસ્મેરેલ્ડા પ્રત્યેના પ્રેમની છે. એસ્મેરેલ્ડા પૅરિસ આવે છે. પોતાના ગુજરાન માટે તે નર્તકી તરીકે કામ કરે છે. પૅરિસના વડા ન્યાયાધીશ અને દુષ્ટ પાદરી ઝ્યાં ફ્રોલોને તેના પ્રત્યે આકર્ષણ જાગે છે. જોકે એસ્મેરેલ્ડાના દિલમાં કૅપ્ટન ફૉર્બ્સ વસેલો છે એની તેને જાણ થાય છે. તે નોત્ર દામ ચર્ચમાં ઘંટ વગાડવાનું કામ કરતા કદરૂપા અને ખૂંધિયા ક્વોસિમોડોને એસ્મેરેલ્ડાને ઉઠાવી લાવવા મોકલે છે. કૅપ્ટન એસ્મેરેલ્ડાને બચાવે છે, પણ કૅપ્ટનની હત્યા થાય છે અને તેનો આરોપ એસ્મેરેલ્ડા પર આવે છે. તેની પાસે ગુનાનો એકરાર કરાવવા તેની રિબામણી કરાય છે, જે સહન ન થતાં એસ્મેરેલ્ડા પોતે હત્યા કરી હોવાનું કબૂલી લે છે, તેથી તેને ફાંસીની સજા ફરમાવાય છે. પણ ખૂંધિયો તેને બચાવી લે છે અને તેને ચર્ચમાં આશરો આપે છે. તે એ કન્યાના પ્રેમમાં પડે છે.
આ કથામાં વિક્ટર હ્યુગોએ એક બાજુ પંદરમી સદીના ફ્રાન્સમાં સમાજ પર ચર્ચની કેવી પકડ હતી તેને કેન્દ્રમાં રાખીને એવા લોકોની વાત કરી છે, જે સામસામા છેડાના છે. ખૂંધિયો અને જિપ્સી છોકરી સાવ છેવાડાનાં છે તો પાદરી જેવા લોકો ઉન્નત વર્ગના છે. ખૂંધિયો અત્યંત કદરૂપો છે, પણ તેનું આંતરિક સૌંદર્ય અને તેની માનવતા પાદરીના બાહ્ય દેખાવ અને ધર્માચાર્યના મહોરા હેઠળની તેની દુષ્ટતા કરતાં ચડિયાતાં છે. નવલકથાને પૂરતો ન્યાય આપતાં હોય એવાં જેટલાં પણ શ્રેષ્ઠ ચિત્રો બન્યાં છે તેમાં ‘ધ હન્ચબૅક ઑવ્ નોત્ર દામ’નો સમાવેશ થાય છે.
હરસુખ થાનકી