હડકવા (rabies) : પ્રાણી દ્વારા મગજ પર સોજો કરતો વિષાણુજન્ય રોગ. તે માનવ સહિતનાં સસ્તન પ્રાણીઓના મગજમાં ચેપજન્ય સોજો એટલે કે મસ્તિષ્કશોથ (encephalitis) કરે છે. હડકવાને જલભીતિ (hydrophobia) કહે છે. તે અલર્ક (ગાંડો થયેલો કૂતરો) કૂતરો કરડે તેથી થતો હોવાથી તેને અલર્કવાત અથવા અલર્કતા (rabies) પણ કહેવાય. તેના અંગ્રેજી નામ ‘rabies’નો અર્થ થાય છે ‘ઉશ્કેરાટવાળું ગાંડપણ’. ચેપગ્રસ્ત પ્રાણી જ્યારે કરડે ત્યારે વિષાણુ શરીરમાં દાખલ થાય છે અને પરિઘીય ચેતાઓ (peripheral nerves) દ્વારા તે કેન્દ્રીય ચેતાતંત્રમાં પહોંચે છે. આ પ્રકારના તેમના પ્રવાસમાં તેમને જેટલો સમય લાગે તેટલા સમયને રોગનો ઉછેરકાળ (incubation period) કહે છે. જે તે ભાગ મગજથી જેટલો વધુ દૂર (દા. ત., હાથની સરખામણીમાં પગ) તેટલો ઉછેરકાળ લાંબો. તેથી તે ક્યારેક થોડાક મહિના જેટલો લાંબો સમયગાળો પણ લે છે. જે વ્યક્તિને અગાઉ રસી વડે રક્ષણ ન હોય તેઓમાં તે લગભગ અનિવાર્યપણે ઘાતક બને છે. હાલ ઉપલબ્ધ માહિતી પ્રમાણે ફક્ત 6 કિસ્સામાં દર્દી જીવિત રહી શક્યો છે અને તેમાં ફક્ત એક દર્દીને અગાઉ રસી દ્વારા રક્ષણ મળેલું ન હતું.
હડકવા (અલર્કવાત અથવા અલર્કતા) કરતો વિષાણુ : તેને અલર્કતાવિષાણુ (rabies virus) કહે છે, જે રહેબ્ડો-વાયરસ જૂથનો સભ્ય છે. તે RNA વિષાણુ છે. તેનું ચેપી વિષાણુ કણસ્વરૂપ નળાકાર છે. માણસને ચેપ લગાડતો વિષાણુ ઘનાકાર દ્વિપાર્શ્વસમરૂપતા (cubic symmetry) ધરાવે છે. દર્દીના ચેતાકોષોમાં શ્યામકાય (negri bodies) જોવા મળે તો તે હડકવાના નિદાનનું સૂચન કરે છે. વિષાણુ પોતે બંદૂકની ગોળી જેવો છે અને તેની લંબાઈ 180 નેનોમિટર તથા વ્યાસ 75 નેનોમિટર જેટલો છે. તેનું બહારનું આવરણ મેદનત્રલ(lipoprotein)નું બનેલું છે અને તેના પર મોગરા (knobs) જેવા અધિશર્કરાનત્રલ(glycoprotein)ના કંટકો આવેલા હોય છે. આવરણની નીચે પટલનત્રલ(membrane protein)નું સ્તર આવેલું હોય છે. મધ્યમાં વળ ચડેલો (helical) RNAનો બનેલો સંજનીન (genome) હોય છે, જેની સાથે ઉત્સેચક અને સંરચનાનત્રલ (structure protein) પણ હોય છે.
વ્યાધીકરણ : કોઈ પણ સસ્તન પ્રાણી(માનવ સહિત)ને તેનો ચેપ લાગે છે. મોટા ભાગનાં ચેપગ્રસ્ત પ્રાણીઓ માનવમાં ચેપ ફેલાવી શકે છે; દા. ત., ચામાચીડિયું, વાંદરું, શિયાળ, કૂતરો, ઢોર, વરુ, બિલાડી વગેરે. વિષાણુ ચેપગ્રસ્ત (અલર્કતાગ્રસ્ત, rabid) પ્રાણીના ચેતાઓ અને લાળમાં હોય છે. તેથી મોટે ભાગે તેમના કરડવાથી તે ફેલાય છે. મોટા ભાગના કિસ્સામાં માંદું પ્રાણી ઘણું આક્રમક બને છે અને કરડે છે. ચેપગ્રસ્ત ચામાચીડિયાં જે ગુફાઓમાં રહેતાં હોય તેમાં સંશોધનાર્થે કાર્ય કરતી વ્યક્તિઓમાં વાતબિન્દુ (aerosol) દ્વારા પણ ચેપ ફેલાય છે. માણસોમાં તે પ્રાણી કરડવાથી ફેલાય છે. માનવ-માનવ વચ્ચેનો ફેલાવો ભાગ્યે જ થાય છે જે કરડવાથી, ચુંબન કે જાતીય (લૈંગિક) સંબંધોથી ફેલાય છે.
નિદાન : માનવશરીરમાં પ્રવેશ્યા પછી વિષાણુ પરિઘીય ચેતાઓ (peripheral nerves) પાસે પહોંચીને તેમના માર્ગે કેન્દ્રીય ચેતાતંત્રમાં પ્રવેશે છે. મગજમાં પ્રવેશ્યા પછી તે ઝડપથી મસ્તિષ્કશોથ(encephalitis)નો વિકાર કરે છે. તેના મગજમાં લોહીનું પરિભ્રમણ વધે છે, તેના શ્વેતકોષો અને અન્ય ભક્ષકકોષો પેશીમાં ભરાય છે, મગજ પર તેથી સોજો આવે છે. આ પ્રક્રિયાને શોથ (inflammation) કહે છે અને મગજમાં થતા તેવા વિકારને મસ્તિષ્કશોથ કહે છે. તે સમયે દર્દીને હડકવાનાં ચિહનો ઉદભવતાં નથી. ક્યારેક આવો જ વિકાર કરોડરજ્જુ(મેરુરજ્જુ)માં પણ થાય છે. તેને મેરુરજ્જુશોથ (myelitis) કહે છે. શરૂઆતમાં શરદી-ફ્લૂ જેવાં ચિહનો-લક્ષણો થાય છે. તેને તાવ આવે છે અને કરડવાના સ્થાને પરાસંવેદના (paraesthesia) થાય છે. તેને પૂર્વવ્યાધિ (prodrome) કહે છે. તે 1થી 10 દિવસ રહે છે. ત્યાર પછી 2થી 12 અઠવાડિયે અને ક્યારેક 2 વર્ષ સુધીમાં ગમે ત્યારે મગજમાં થયેલા વિકારનાં લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે આ 4થી 8 અઠવાડિયાંનો સમયગાળો હોય છે. આંશિક લકવો, મસ્તિષ્કની ક્રિયામાં વિક્ષેપ, ચિંતા, અનિદ્રા, મનમાં ગૂંચવણ, ઉશ્કેરાટ, અસામાન્ય વર્તન, ભીતિવિકાર (paranoia), ધ્રુજારી, મનોભ્રમ (hallucination), સન્નિપાત (delirium), ઉન્માદ (mania) વગેરે થઈ આવે છે. પાછળથી પુષ્કળ લાળ અને આંસુ પડે છે, જેને દર્દી ગળી શકતો નથી. ગળા અને જડબાના સ્નાયુના લકવાને કારણે તે પાણી પણ ગળી શકતો નથી. તેથી આ વિકારને જલભીતિ (hydrophobia) કહે છે. તેને તરસ લાગે છે; પરંતુ પાણી ન પી શકાતું હોવાથી તે ભયભીત બને છે. વચ્ચે લક્ષણરહિતતાનો સમયગાળો પણ આવે છે અને અંતે પુષ્કળ તાવ ચડે છે. પ્રથમ લક્ષણ જોવા મળે તેના 2થી 10 દિવસમાં મૃત્યુ નીપજે છે. જવલ્લે જ, જૂજ કિસ્સામાં મૃત્યુ અટકાવી શકાયેલું છે.
આ રોગને અન્ય પ્રકારના મસ્તિષ્કશોથ(encephalitis)થી અલગ પડાય છે. સામાન્ય રીતે ચિહનો-લક્ષણો વડે નિદાન કરાય છે. રેપિડ ઇમ્યૂનોફ્લોરેસન્સ પદ્ધતિ વડે ચામડીના પેશીપરીક્ષણ(biopsy)ના કે સ્વચ્છા(cornea)ના નમૂનામાં તેનો પ્રતિજન દર્શાવી શકાય છે.
સારવાર : કૂતરું કરડે તે પછી અપાતું સંસર્ગોત્તર પ્રતિરોધક રસીકરણ (post-exposure prophylactic vaccination) તથા રોગનાં લક્ષણ દેખાય તે પહેલાં હૃદય, ફેફસાં અને અન્ય અવયવોની નિષ્ફળતામાં સહાયક ઘનિષ્ઠ તત્કાલ સારવાર દર્દીનો જીવ બચાવી શકે છે. રોગનાં લક્ષણો દેખાય તે પછી રાહતદાયી સારવાર અપાય છે. દર્દીને ડાપાઝેપામ અને ક્લોરપ્રોમેઝિન વડે સતત ઊંડા ઘેનમાં રખાય છે અને નસ દ્વારા કે જઠરનળી દ્વારા પોષણ અપાય છે.
પૂર્વનિવારણ : સંસર્ગપૂર્વ પ્રતિરોધ (pre-exposure prophylaxis) રૂપે માનવને ડિપ્લોઇડ સેલની રસીની 2 માત્રાઓ 4 અઠવાડિયાના અંતરે અપાય છે. ત્યાર પછી દર વર્ષે બળવર્ધક (booster) રસી અપાય છે. સામાન્ય રીતે જેમને તેનું વ્યાવસાયિક જોખમ છે તેઓ માટે આ પ્રકારનો પૂર્વપ્રતિરોધ ઉપયોગી છે.
સંસર્ગોત્તર પ્રતિરોધ (post-exposure prophylaxis) રૂપે કરડવાથી થયેલા ઘાવને ક્વોટનરી એમોનિયમ ડિટર્જન્ટ કે સાબુથી બરાબર સાફ કરાય છે. ઈજાગ્રસ્ત પેશીને કાપી કઢાય છે અને ટાંકા લેવામાં આવતા નથી. કરડવાના બનાવના 1 કે 2 દિવસમાં રસીકરણ શરૂ કરાય છે. મહત્તમ રક્ષણ માટે અતિપ્રતિરક્ષાલક્ષી રુધિરરસ (hyper-immune serum) અને રસી બંને અપાય છે. માનવમાં સૌથી સુરક્ષિત પ્રતિરક્ષા-રુધિરરસ રૂપે ઇમ્યૂનોગ્લોબ્યુલિન અપાય છે, જેમાંનું અર્ધું ઘાવમાં અને અર્ધું સ્નાયુમાં ઇન્જેક્શન દ્વારા અપાય છે. તેનાથી ક્યારેક અતિતીવ્ર પ્રતિરક્ષાલક્ષી પ્રતિક્રિયા થાય છે. રસી સામાન્ય રીતે 0, 3, 7, 14, 30 અને 90મા દિવસે અપાય છે. જો કૂતરાને અવલોકન હેઠળ રાખી શકાય અને તેનામાં હડકવા ન થાય કે તેનાથી તેનું મૃત્યુ ન થાય તો ઓછી માત્રામાં રસી આપી શકાય છે. પુન:સંયોજિત માનવપરક રસીના નિર્માતા તે માટે જરૂરી સૂચના આપે છે, જેને પાળવાથી લાભ રહે છે.
હડકવાની રસીની શોધનો ટૂંકો વૃત્તાંત : લૂઈ પાશ્ચરે આ જોખમી દર્દની રસી શોધી હતી. પ્રયોગ કરતી વખતે તેમણે પોતાના કમ્પાઉન્ડમાં જ હડકાયાં કૂતરાં રાખ્યાં તથા તેની ચેપી લાળને મેળવવા તેમણે પોતે કાચની નળી હડકાયેલા કૂતરાનાં મોમાં નાંખીને પોતાના મોઢા વડે તેની લાળ ચૂસી હતી. આ બંને મહાજોખમી કાર્યો હતાં. તેમના સાથીદારોનું સાહસ પણ બિરદાવવા લાયક ગણાય. તેમણે તૈયાર કરેલી રસી લિસ્ટર નામના 9 વર્ષના બાળક પર અજમાવાઈ. તેને 14 ઠેકાણે કૂતરો કરડ્યો હતો. તેની માતા તેને પાશ્ચર પાસે લઈને આવી હતી. સળંગ 14 દિવસ રસી અપાઈ. તે સમયે અજંપો અને ચિંતા ઘણાં હતાં; પણ સફળતા મળી. બાળક બચ્યું અને તેને અન્ય કોઈ જોખમ કે વિકાર પણ ન થયો. હાલ પ્રાણીમાંથી રસી બનાવવાને બદલે પુન:સંયોજન(recombitant)ની તકનીકથી આ રસી બનાવાય છે.
શિલીન નં. શુક્લ