હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, અમદાવાદ : લયલા અને પુરુષોત્તમ હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરની સ્થાપના ઈ. સ. 1978માં રવીન્દ્રનાથ ટાગોરની સંસ્થા ‘શાંતિનિકેતન’ના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી કરવામાં આવી છે. કલાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મુખ્ય સ્થળ તરીકે ખ્યાત આ સંસ્થા કસ્તૂરભાઈ લાલભાઈ કૅમ્પસ, સેપ્ટ, ગુજરાત યુનિવર્સિટીની સામે આવેલ છે.
અહીં આ સેન્ટરમાં યુવાનો, બાળકો માટે ચિત્રકામ, નાટ્ય, નૃત્ય, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, ફોટોગ્રાફી, માટીકામ જેવી કલાઓની ટૂંકા ગાળાની અને લાંબા સમયની કાર્યશિબિરો વારંવાર યોજવામાં આવે છે. સાથે સાથે અહીં ચિત્રકલા, ફોટોગ્રાફી, શિલ્પ-સ્થાપત્ય, માટીકામના નમૂનાઓનાં પ્રદર્શનો પણ યોજવામાં આવે છે. સર્જનાત્મક વાતાવરણ દ્વારા પ્રતિભાશાળી કલાકારોની કલાને વિકસવાની અને પ્રદર્શિત કરવાની તક અહીં આ આર્ટ સેન્ટરમાં પૂરી પાડવામાં આવે છે. સંસ્થાનું પોતાનું આગવું એક દર્શનવિઝન છે. પોતાની અનન્ય પ્રતિભાના કારણે એનું નામ દેશ-વિદેશોમાં જાણીતું થયું છે. આના કારણે અનેક સંસ્થાઓ જેવી કે એલાયન્સ ફ્રાન્સવાં, બ્રિટિશ કાઉન્સિલ, મેક્સમુલર ભવન અને ‘યુસીસ’ની સાથે કલા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આદાનપ્રદાન ચાલ્યા કરે છે. અહીં નાટ્યક્ષેત્રે, એકાંકી/ત્રિઅંકી નાટ્યોત્સવો, પ્રયોગો, સ્પર્ધાઓ, નાટ્યવાંચનના કાર્યક્રમો વારંવાર યોજવામાં આવે છે. આ રીતે ગુજરાતી રંગભૂમિને વિકસવાની તક આ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. સાથે સાથે અહીં કવિઓ નિશ્ચિત કરેલા દિવસે ભેગા થઈ પોતાની કાવ્યકૃતિઓનું પઠન કરે છે અને પછી એની ચર્ચા કરવામાં આવે છે. એ રીતે ‘પૉઍટિક લૅબોરેટરી’ના સિદ્ધાંતને અનુમોદન આપવામાં આવે છે. અનેક વાર સિદ્ધહસ્ત કવિઓના કાવ્યપઠનના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. નૃત્યની કાર્યશિબિરો, ‘ક્લાસિકલ’ અને લોકનૃત્યના પ્રયોગો દ્વારા નૃત્યકલાનું પરિશીલન કરવામાં આવે છે.
રમણીય વાતાવરણમાં સંસ્થાનું પોતાનું ઓપન એર થિયેટર, પ્રદર્શન હૉલ, સેમિનાર રૂમ્સ, આર્ટિસ્ટ સ્ટુડિયો વગેરે છે.
એમ. એફ. હુસેન, સ્વ. ભૂપેન ખખ્ખર, પીરાજી સાગરા, જેરામ પટેલ, અમીત અંબાલાલ જેવા ખ્યાત ચિત્રકારો–શિલ્પકારોની વારંવારની મુલાકાતો થકી આ સંસ્થાનું ગૌરવ વધ્યું છે. સાથે સાથે ગુજરાતી સાહિત્યની ખૂબ મોટી સર્જક પ્રતિભાઓ જેવી કે સર્વશ્રી ઉમાશંકર જોશી, નિરંજન ભગત, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર, મધુ રાયની સર્જકતાનો લાભ આ કલા સંસ્થાને મળેલો છે. જેને કેવળ કલામાં રસ છે, જેની કલાભિમુખ પ્રતિભા છે તેવા યુવાનો, બાળકોને તક આપનારી આ સંસ્થાના યુવાન માનદ નિયામક ઉમંગ હઠીસિંહ છે. ઘણા કલાપ્રેમીઓ, કલાકારોની પ્રતિભા દ્વારા અને એમના કાર્યપ્રદાનના કારણે વિકસેલી આ સંસ્થા ખરેખર અમદાવાદનું જ નહિ ગુજરાતનું ગૌરવ છે અને કલાની તીર્થભૂમિ છે.
ઇન્દુ પુવાર