હઠીસિંહનાં દેરાં : અમદાવાદનું પ્રસિદ્ધ જૈનમંદિર. અમદાવાદમાં દિલ્હી દરવાજાની બહાર શાહીબાગના રસ્તે તે આવેલું છે. પંદરમા તીર્થંકર ધર્મનાથ ભગવાનને સમર્પિત આ મંદિર શેઠ હઠીસિંહે વિ. સં. 1901(ઈ. સ. 1845)માં બંધાવવાનું શરૂ કર્યું. પરંતુ તેમના એકાએક અવસાનને કારણે તેમનાં પત્ની શેઠાણી હરકુંવરે વિ. સં. 1903(ઈ. સ. 1847)માં તેનું બાંધકામ પૂરું કરાવ્યું. સાગરગચ્છના શાંતિસાગરસૂરિના વરદ હસ્તે મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ મંદિર ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, રંગમંડપ, સ્તંભાવલિયુક્ત પડાળી, મુખમંડપ અને દેવકુલિકાઓનું બનેલું છે. ગૂઢમંડપની ઉત્તર-દક્ષિણે અને રંગમંડપની ઉત્તર-દક્ષિણે તથા પશ્ચિમે શૃંગારચોકીઓ આવેલી છે. આ મંદિર બાવન જિનાલય પ્રકારનું છે. તે ઉત્તર-દક્ષિણ 38 મી. પહોળું અને પૂર્વ-પશ્ચિમ 48 મી. લાંબું અને 52.5 મી. ઊંચું છે. પૂર્વની દિશાએ એક સીધી હરોળમાં ત્રણ ગર્ભગૃહો જોડતી દીવાલ વિનાનાં છે. મધ્યના ગર્ભગૃહમાં મૂલનાયક તરીકે પંદરમા તીર્થંકર ધર્મનાથની, ઉત્તરના ગર્ભગૃહમાં ધર્મનાથની અને દક્ષિણના ગર્ભગૃહમાં આદીશ્વરની પ્રતિમાઓ બિરાજમાન છે. મૂલનાયકની પ્રતિમા પંચતીર્થી પ્રકારની છે. ગર્ભગૃહોની પીઠિકા પર અન્ય પ્રતિમાઓ પણ બિરાજમાન છે. ત્રણે ગર્ભગૃહોની દ્વારશાખા ત્રિશાખા પ્રકારની છે. મધ્યની દ્વારશાખા અલંકૃત છે જ્યારે પડખેની દ્વારશાખાઓ સાદી છે. ગર્ભગૃહવાળો ભાગ ત્રણ મજલાનો છે. બીજા મજલાના ગર્ભગૃહમાં ધર્મનાથ, શીતલનાથ અને સુમતિનાથની પ્રતિમાઓ છે. ગૂઢમંડપ બે મજલાનો છે. ગૂઢમંડપના પ્રવેશની ઉપરના ભાગે નવગ્રહનો પટ્ટ છે. પ્રવેશની બંને બાજુ દ્વારપાલનાં મોટાં શિલ્પો ધ્યાનાકર્ષક છે. દ્વારપાલની નજીકના ગવાક્ષોમાં અનુક્રમે કંદર્પા (પન્ના) યક્ષી અને કિન્નર યક્ષની પ્રતિમા છે. ગૂઢમંડપમાં આઠ ચોરસ સ્તંભો અષ્ટકોણાકારે ગોઠવેલા છે. દીવાલોમાં બાર અર્ધભીંતા સ્તંભો આવેલા છે. મંડપની અંદર પ્રવેશની બંને બાજુએ પણ બે ગવાક્ષો આવેલા છે. તે પૈકી ઉત્તરના ગવાક્ષમાં શેઠ હઠીસિંહની અને તેમની બે પત્નીઓની નવેસરથી ઘડાયેલી મૂર્તિઓ છે. ગૂઢમંડપની પડખેની બંને શૃંગારચોકીઓ બે મજલાની છે.
હઠીસિંહનાં દેરાં
ઉપરના મજલે જવાની સીડીઓ નૈર્ઋત્ય અને વાયવ્ય ખૂણે છે. મંડપની છત થરો વિનાની સંપૂર્ણ અર્ધવર્તુલાકાર છે. તેમાં સૌથી નીચે 16, તેની ઉપર 8 અને સૌથી ઉપર 4 નારી શિલ્પો કંડારેલાં છે. તેની ચોકીઓ અલંકૃત જાળીકામથી શોભાયમાન છે. ગૂઢમંડપ સંવર્ણા વડે આવૃત છે. ગૂઢમંડપ અને રંગમંડપની વચ્ચે ત્રિકમંડપ છે અને તે પણ બે મજલાનો છે. ત્રિકમંડપની નીચે લંબચોરસ ભોંયરું છે. તેમાં ઉત્તર અને દક્ષિણ બાજુએ નાની દેરીઓ છે. આ દેરીઓના ઘુંમટો ત્રિકમંડપના ભોંયતળિયે દર્શનીય છે. રંગમંડપની ઉત્તર-દક્ષિણ અને પશ્ચિમ બાજુએ શૃંગારચોકીઓ છે. ત્રણેમાં પ્રવેશ પશ્ચિમેથી થાય એ રીતે તેમાં પગથિયાંની રચના છે. આ ત્રણે શૃંગારચોકીઓ સહિત રંગમંડપ મજલા વિનાનો છે. રંગમંડપની અર્ધવૃત્તાકાર છત ઉપર જતાં સાંકડા થતા જતા 11 વર્તુલાકાર થરો વડે સુશોભિત છે. સૌથી ઉપરના થરની મધ્યમાં પદ્મશિલા છે. મંદિરના પ્રાંગણને ફરતી સ્તંભાવલી સાથેની દેવકુલિકાઓની હાર છે. ઉત્તર-દક્ષિણ અને પૂર્વની હારના ભદ્રપ્રાસાદો અન્ય દેવકુલિકાઓ કરતાં ઊંચા છે. દેવકુલિકાઓ સાથેની પડાળી ઉપરની છત સપાટ અને સાદી છે. દરેક દેવકુલિકાઓમાં વિવિધ તીર્થંકરોની પ્રતિમાઓ બિરાજમાન છે. પશ્ચિમમાં આવેલ બલાણક (માર્ગ-ખંડ) બે મજલાનો છે. તેમાં ભોંયતળિયે દક્ષિણે નાના મંદિરમાં ચતુર્ભુજ ઓસિયા માતાની પ્રતિમા છે. ઉત્તરમાં ચતુર્ભુજ કૃષ્ણ-વાસુદેવની આરસની સુંદર પ્રતિમા તેમના પરિવાર-દેવતા સહિત છે. તેઓ નેમિનાથના પરમ ભક્ત અને ભરતક્ષેત્રના ત્રણ ખંડોના પ્રમુખ દેવતા મનાય છે. ભવિષ્યની ચોવીસીમાં તેઓ બારમા તીર્થંકર – અમમનાથ તરીકે અવતરશે એવી જૈનોની માન્યતા છે. બલાણકની બંને બાજુએ ઉપરના મજલે જવાની ચક્રાકાર સીડીઓ છે. આ સીડીઓ ઘુંમટ વડે આચ્છાદિત મિનારા ઘાટના બાંધકામમાં ગોઠવેલી છે. મિનારાની આ રચનામાં ઇસ્લામી સ્થાપત્યની અસર જોવા મળે છે. બલાણકની સન્મુખે પશ્ચિમમાં બે મજલાનો મુખમંડપ આવેલો છે. તે ત્રિ-ચોકીનો બનેલો છે. તેની ઉત્તર-દક્ષિણના બંને ગવાક્ષોમાં ત્રિભંગમાં ઊભેલાં ઇન્દ્ર-ઇન્દ્રાણીનાં યુગ્મ-શિલ્પો શોભાયમાન છે. મંદિરની સામેના પ્રાંગણમાં નૈર્ઋત્ય ખૂણે આવેલો માન-સ્તંભ મહાવીર સ્વામીની 2500મી જન્મજયંતીની પુણ્યસ્મૃતિમાં બાંધવામાં આવ્યો હતો. તે 19મી સદીના અમદાવાદના સ્થાપત્યકીય વારસામાં અનેરું સ્થાન ધરાવે છે.
થૉમસ પરમાર