હક્સલી એન્ડ્રુ ફિલ્ડિંગ (સર) (Sir Andrew Feilding Huxley)
February, 2009
હક્સલી, એન્ડ્રુ ફિલ્ડિંગ (સર) (Sir Andrew Feilding Huxley) (જ. 22 નવેમ્બર 1917, લંડન) : સન 1963ના તબીબી અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના સર જ્હૉન એકિલસ અને સર એલેન હોજકિન સાથે સરખા ભાગના વિજેતા. તેમણે ચેતાકોષના પટલ(membrane)ના મધ્યસ્થ અને બાહ્ય ભાગોની ઉત્તેજના અને નિગ્રહણ(inhibition)માંની આયન-સંબંધિત ક્રિયા-પ્રવિધિ (mechanism) અંગે શોધ કરી હતી. તેથી આ સન્માન પ્રાપ્ત થયું હતું. ચેતાકોષો (ચેતાતંતુઓ) ઉત્તેજનાના વહન દ્વારા સંદેશાનું વહન કરે છે. ઉત્તેજનાનું વહન ચેતાતંતુના પટલોમાં વીજભારમાં આવતા ફેરફારો દ્વારા થાય છે. આ વીજભારના ફેરફારો આયનોના પટલોની બંને બાજુ પરના વિવહનો (flux) અથવા ‘આવ-જા’ને કારણે થાય છે.
એન્ડ્રુ ફિલ્ડિંગ હક્સલી (સર)
તે અંગેનું તેમણે સંશોધન કર્યું હતું. તેમના પિતા વૈજ્ઞાનિક અને લેખક તથા તેમના સાવકા ભાઈઓ જાણીતા જીવવૈજ્ઞાનિક અને લેખક હતા. તેમણે 1925–1930 વચ્ચે યુનિવર્સિટી કૉલેજ સ્કૂલમાં અને 1930–1935 વચ્ચે વેસ્ટમિન્સ્ટર સ્કૂલમાં અભ્યાસ કર્યો. તેમને અભ્યાસ દરમિયાન સ્કૉલરશિપ મળી હતી. સન 1937–38માં શરીરરચનાશાસ્ત્ર (anatomy) અને ત્યાર બાદ 1938–39માં દેહધર્મવિદ્યા(physiology)માં અભ્યાસ કર્યો. સન 1939માં તેઓ હોજકિન સાથે સામુદ્રિક જીવવિજ્ઞાન પ્રયોગશાળામાં જોડાયા. સન 1945 સુધી તેમણે સાથે કામ કર્યું. ત્યાંથી તેમનું કાર્ય સંશોધનલક્ષી બન્યું. સન 1960માં દેહધર્મવિદ્યાના લંડન યુનિવર્સિટી કૉલેજમાં પ્રાધ્યાપક બન્યા. તેમણે ‘જર્નલ ઑવ્ ફિઝિયૉલૉજી’ (1950 –1957) અને ‘જર્નલ ઑવ્ મોલેક્યુલર બાયૉલૉજી’(1960–1962)નું સંપાદન કાર્ય કર્યું હતું.
શિલીન નં. શુક્લ