હકીકત : જાણીતું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા, દિગ્દર્શક અને પટકથા-લેખક : ચેતન આનંદ. ગીતકાર : કૈફી આઝમી. છબિકલા : સદાનંદ દાસગુપ્તા. સંગીત : મદનમોહન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, પ્રિયા રાજવંશ, બલરાજ સાહની, વિજય આનંદ, સંજય, સુધીર, જયંત, મેકમોહન, ઇન્દ્રાણી મુખરજી, અચલા સચદેવ.
આઝાદ ભારતના ઇતિહાસમાં 1962માં ચીને ભારત પર કરેલું આક્રમણ ઘણી રીતે મહત્વનું છે, કારણ કે તે વાસ્તવિકતાને ખરા સ્વરૂપમાં દર્શાવવામાં સફળ થયું છે. ચીન સાથેના આ યુદ્ધમાં બનેલી ઘટનાઓને આધારે આ ચલચિત્રનું નિર્માણ કરાયું છે. ભારતમાં યુદ્ધ આધારિત ચલચિત્રો બહુ ઓછાં નિર્માણ પામ્યાં છે, પણ તે સૌમાં ‘હકીકત’ શિરમોર ગણાય છે. આ ચિત્રે યુદ્ધ પછીની હતાશા અને નિરાશા ખંખેરવામાં અને લોકોમાં દેશદાઝ પ્રેરવા જેવું મહત્વનું કામ કર્યું હતું. આ ચલચિત્રના સર્જક ચેતન આનંદ એક સમયે સામ્યવાદી વિચારધારાના સમર્થક હતા; પરંતુ ‘હકીકત’માં તેમણે જવાહરલાલ નેહરુની નીતિઓ પર પ્રકાશ પાડ્યો છે. ચિત્રમાં મહત્વનું પાત્ર ભજવનાર બલરાજ સાહની ફિલ્મના એક દૃશ્યમાં ચીનના મહાન સામ્યવાદી નેતા માઓના પુસ્તક ‘લિટલ રેડ બુક’ પર ટીકાટિપ્પણી કરતા જોવા મળે છે. બલરાજ સાહની પોતે પણ સામ્યવાદી રંગે રંગાયેલા હતા. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુને અર્પણ કરાયેલા આ ચિત્રમાં ચીનના તે સમયના વડા ચાઉ એન લાઈની ભારતની મુલાકાત, નેહરુનો દેશને ઉદ્દેશીને સંદેશો અને એવાં બીજાં ઘણાં વાસ્તવિક દૃશ્યોનો દસ્તાવેજી ચિત્રોના માધ્યમથી ઉપયોગ કરાયો છે. સૈનિકોની એક નાનકડી ટુકડી લદાખના પહાડી પ્રદેશમાં યુદ્ધમાં ખપી ગઈ હોવાનું માની લેવાયું છે, કારણ તેની સાથે કોઈ સંપર્ક થઈ શકતો નથી; પણ આ ટુકડીને સ્થાનિક લોકોએ મદદ કરી છે. તેમની મદદ તથા કૅપ્ટન બહાદુરસિંહ અને તેમની પ્રેયસીના પ્રયાસોથી ટુકડીનો બચાવ થાય છે. ચીની સૈનિકોને ખાળી રાખવા બહાદુરસિંહ એકલા હાથે લડે છે અને અંતે શહીદ થાય છે, પણ તેમની ટુકડી બચી જાય છે. ‘હકીકત’માં નિરૂપાયેલાં યુદ્ધનાં શ્યોને વધુમાં વધુ વાસ્તવિક બનાવવામાં દિગ્દર્શકે કોઈ કસર છોડી નહોતી. ‘હકીકત’માં યુદ્ધમાં હારની વાત છે પણ તેમાં માનવતાને સમજાવતો બોધપાઠ પણ છે. આ ચલચિત્રનાં કેટલાંક ગીતો ‘કર ચલે હમ ફિદા જાન ઓ તન સાથિયોં….’, ‘હો કે મજબૂર હમેં ઉસને ભૂલાયા હોગા…’, ‘જરા સી આહટ હોતી હૈ…’ વગેરે ખૂબ લોકપ્રિય બન્યાં હતાં અને સદાબહાર બની ગયાં છે. આ ચલચિત્રનું મોટા ભાગનું શૂટિંગ લદાખમાં કરાયું હતું. આ ચલચિત્રને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાયો હતો.
હરસુખ થાનકી