હંસ દમયંતી મત્તુ ઇતર રૂપકગલુ (1965)
February, 2009
હંસ દમયંતી મત્તુ ઇતર રૂપકગલુ (1965) : પી. ટી. નરસિંહાચાર (જ. 1905) રચિત કન્નડ નાટ્યસંગ્રહ. આ કૃતિ બદલ તેમને 1966ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આ સંગ્રહ 8 સંગીતમય નાટકોનો બનેલો છે. તે પૈકી 4 પ્રખ્યાત મહાકાવ્યો પર આધારિત છે, જ્યારે બીજાં 4 ઋતુઓને લગતાં છે. પ્રથમ 4 નાટકો નાટક અને કાવ્યક્ષેત્રે અજોડ છે.
નરસિંહાચારનાં ગીતિકાવ્ય–નાટકો સંગીત, કાવ્ય અને અભિનયનો સુમેળ સાધે છે. સંગીતમય ઊર્મિપ્રધાન સંવાદમાં નાટકની આવશ્યક વિશેષતા પ્રગટ થાય છે. આ કૃતિનાં 8 ગીતિકાવ્ય-નાટકોમાં રામાયણમાંથી રામનો જન્મ, રામનું સીતા સાથે લગ્ન અને સુવર્ણ-મૃગના પ્રસંગો અભિવ્યક્ત કરાયા છે. નળ રાજા અને દમયંતીને ભેગાં કરનાર હંસનો પ્રસંગ મહાભારતમાંથી પસંદ કરવામાં આવ્યો છે.
બીજી 4 પ્રકૃતિના વિવિધ મિજાજ દર્શાવતી – ‘દીપલક્ષ્મી’ દીપાવલી તહેવારની મહત્તા, ‘વસંતચંદન’ વસંતઋતુની ભવ્યતા, ‘હર્ષવર્ષા’ – વર્ષાઋતુની માદકતા અને ‘શરદવિલાસ’ – શરદઋતુનું સર્વોત્તમ સૌંદર્ય રજૂ કરતી – શુદ્ધ નાટ્યકાવ્યકૃતિઓ છે. આ નાટકોમાં દરેક ઊર્મિકાવ્ય શુદ્ધ કાવ્ય હોવા સાથે અભિનય સાથે સુસંગતતા સાધે છે. સંગીતની દૃષ્ટિએ દરેકમાં શબ્દસંગીત અને નાદસંગીતના સાયુજ્યથી ઊર્મિપ્રધાન નાટકમાં કેટલાંક અત્યંત રમણીય લક્ષણોની આહલાદક પ્રતીતિ થાય છે.
આ નાટકોની ખૂબી એ છે કે નાટ્યકારે શાસ્ત્રીય કર્ણાટકી સંગીત પર આધારિત સંપૂર્ણપણે નવા 25 રાગોનું નિર્માણ કર્યું છે. ‘હર્ષવર્ષા’ અને ‘શરદવિલાસ’માં કેટલાક રાગો લોકસંગીત પર આધારિત છે. પરંપરાગત સંગીતપ્રેમીઓને રીઝવે તેવા કેટલાક શુદ્ધ શાસ્ત્રીય રાગો પણ તેમાં છે. આ નાટકોનું સંગીતક્ષેત્રે પણ અતિ નોંધપાત્ર પ્રદાન ગણાય છે. નવા રાગોમાં વાસંતી, સંજીવની, હરિણી, ઋતુવિલાસ, ઋષભવિલાસ અને ગંધાર ડોલાનો સમાવેશ થાય છે. તેમણે સ્વરોના કેટલાક અનુપ્રાસ સાથે હિંદુસ્તાની શાસ્ત્રીય સંગતિનો ઉપયોગ આમાં કર્યો છે. આ ગ્રંથનાં ‘હંસ દમયંતી’ અને અન્ય સાત ઊર્મિપ્રધાન નાટકો શૈલીની દૃષ્ટિએ ઉત્તમ લેખાય છે.
પુરસ્કૃત કૃતિ ‘હંસ દમયંતી મત્તુ ઇતર રૂપકગલુ’ તેની સુંદર રચના તથા તેની મનોહર લયબદ્ધતા અને તેની મર્મસ્પર્શી કાવ્યમયતાને લીધે સમકાલીન કન્નડ સાહિત્યમાં અનોખું સ્થાન પામી છે.
બળદેવભાઈ કનીજિયા