હંસરાજ (તનુબીજાણુધાનીય = લેપ્ટોસ્પોરેન્જિયેટી)
February, 2009
હંસરાજ (તનુબીજાણુધાનીય = લેપ્ટોસ્પોરેન્જિયેટી) : ત્રિઅંગી વનસ્પતિઓના ફિલિકોફાઇટા (પ્ટેરોફાઇટા) વિભાગનો એક વર્ગ. આ વર્ગમાં 232 પ્રજાતિઓ અને લગભગ 8,680 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમને ‘હંસરાજ’ (fern) તરીકે ઓળખાવવામાં આવે છે. તે ઉષ્ણકટિબંધીય વર્ષા-જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં થતી હોવા છતાં સમશીતોષ્ણ પ્રદેશોમાં પણ જોવા મળે છે. તે ભેજવાળી, છાયાયુક્ત અને ઠંડી જગાઓમાં વિપુલ પ્રમાણમાં મળી આવતી હોવા છતાં વિષમ આબોહવામાં પણ થાય છે. Drynaria, Hypodematium crenatum, Dryopteris chrysocoma, Adiantum incisum, Woodsia elongata, Cheilanthes chrysophylla, Lepisorus nudus જેવી હંસરાજની જાતિઓ મરૂદભિદ (xerophytic) છે. Marsilea, Azolla અને Salvinia જેવી બહુ ઓછી પ્રજાતિઓ જલોદભિદ છે. મોટા ભાગની જાતિઓ મધ્યોદભિદ છે. તેઓ જંગલોમાં પ્રભાવી પરરોહી (epiphytic) વનસ્પતિસમૂહ બનાવે છે. તેઓ બહુવર્ષાયુ (perennial) હોય છે. ઘણી ઓછી જાતિઓ એકવર્ષાયુ હોય છે. તેઓ અત્યંત નાના કદથી (દા. ત., Anogramma leptophylla લગભગ 4 સેમી.થી 5 સેમી. ઊંચાઈ ધરાવે છે.) માંડી ઊંચું વૃક્ષ-સ્વરૂપ (દા.ત., સાયેથિયેસી કુળના હંસરાજ) ધરાવે છે. પ્રકાશસંશ્લેષણ અને પ્રજનન એમ બંને કાર્યો કરવાની પર્ણની ક્ષમતાને કારણે તેઓ વિવિધ પ્રકારની પર્યાવરણીય પરિસ્થિતિઓમાં જીવી શકે છે.
આકૃતિ 1 : અત્યંત નાનું કદ ધરાવતો હંસરાજ : Anogramma leptophyta
ભૂસ્તરવિજ્ઞાનની નોંધ મુજબ, તેઓ પ્રાચીન (Paleozoic) કલ્પના કાર્બનિફેરસ ભૂસ્તરીય યુગના ઉત્તરાર્ધમાં સૌપ્રથમ વાર જોવા મળ્યા અને આ યુગમાં જ તેઓ પ્રભાવી હતા; તેથી આ યુગને ‘હંસરાજનો યુગ’ કહે છે. જોકે તે યુગમાં લાયકોપોડ અને બીજધારીની તુલનામાં તેઓ અલ્પસંખ્યક હતા. તેથી તે યુગને હંસરાજના યુગ તરીકે ઓળખાવવો અનુચિત છે. તેનાં અર્વાચીન કુળોના સભ્યોની મધ્ય કલ્પ(Mesozoic)ના ટ્રાયેસિક અને જુરાસિક ભૂસ્તરીય યુગમાં હાજરી હતી. અર્વાચીન હંસરાજ તરીકે જાણીતા પૉલિપોડિયેસી કુળના – પ્રતિનિધિઓ અર્વાચીન ભૂસ્તરીય યુગ(Coenozoic)માં અસ્તિત્વ ધરાવતા હતા.
આકૃતિ 2 : વૃક્ષહંસરાજ (tree ferns) : સાયેથિયેસી અને ડિક્સોનિયેસી કુળના હંસરાજ વૃક્ષસ્વરૂપ ધરાવે છે. તેઓ દક્ષિણ પૅસિફિક, મલેશિયા અને ઑસ્ટ્રેલિયાના ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવેલા પર્વતીય પ્રદેશોમાં જોવા મળે છે. તેમની ઊંચાઈ લગભગ 20 મી. જેટલી હોય છે.
તેઓની ગાંઠામૂળી ભૂપ્રસારી, સીધી ટટ્ટાર કે ભૂમિની બહાર નીકળી હવાઈ પ્રકાંડમાં પરિણમે છે. Stenochlaena જેવા હંસરાજનું પ્રકાંડ અશક્ત અને આરોહી હોય છે. તે સામાન્યત: અસ્થાનિક મૂળ દ્વારા આરોહણ કરે છે. શાખાવિન્યાસ (branching) યુગ્મશાખી (દા. ત., Pellaea, Dryopteris, Polypodium, Pteridium) કે પાર્શ્વીય (દા. ત., Adiantum, Pteris) હોય છે. પર્ણો સાદાં, અખંડિત કે ખંડિત, મોટે ભાગે પિચ્છાકાર (pinnate) કે પંજાકાર (palmate), સંયુક્ત કે ઘણા હંસરાજમાં અતિવિભાજિત હોય છે. કેટલાકમાં પર્ણિકાઓ દ્વિભાજિત હોય છે. Pellaea, Onoclea અને Vittaria જેવી ઘણી પ્રજાતિઓમાં દ્વિસ્વરૂપી (dimorphic) પર્ણો સામાન્ય હોય છે. શિરાવિન્યાસ યુગ્મશાખી (dischotomous) કે જાલાકાર (reticulate) હોય છે. પર્ણવલન (ptyxis) અગ્રવલિત (circinate) પ્રકારનું હોય છે.
તનુબીજાણુધાની (leptosporangium) આ વર્ગનું વિશિષ્ટ લક્ષણ છે. તે એક જ બીજાણુધાનીય આરંભિક(sporangial initial)માંથી ઉત્પન્ન થાય છે. બીજાણુધાનીની દીવાલ એક જ સ્તરની બનેલી હોય છે. બીજાણુધાનીઓ સ્થૂળ (massive) હોતી નથી. બીજાણુઓની સંખ્યા મર્યાદિત હોય છે. બીજાણુધાનીઓ એક સમૂહમાં ગોઠવાઈ બીજાણુધાનીપુંજ (sorus) બનાવે છે. કેટલીક જાતિઓમાં બીજાણુધાનીપુંજને રક્ષણ આપતું આવરણ હોતું નથી તો અન્ય જાતિઓમાં બીજાણુધાનીપુંજને ફરતે પાતળું ત્વકીય આવરણ હોય છે, જેને પુંજછદ (indusium) કહે છે. બીજાણુધાનીઓ સ્ફોટીવલય (annulus) અને સ્ફોટીમુખ (stomium) ધરાવે છે. આદિબીજાણુક (archesporial) કોષોમાંથી પોષકસ્તર (tapetum) ઉદભવે છે. જન્યુજનક બહિર્બીજાણુક (exosporic) કે અંતર્બીજાણુક (endosporic) અને એકગૃહી (monoecious) કે દ્વિગૃહી (dioecious) હોય છે. પુંધાનીઓ પ્રક્ષેપી (projecting) હોય છે. પૂર્વદેહ(prothallus)માં અંત:જીવી (endophytic) ફૂગનો અભાવ હોય છે અને તે હૃદયાકાર અને લીલો હોય છે. યુગ્મનજનું પ્રથમ વિભાજન લંબવર્તી હોય છે. મોટા ભાગની હંસરાજની જાતિઓ સમબીજાણુક (homosporous) હોય છે; Marsilea, Azolla અને Salvinia જેવી જૂજ વનસ્પતિઓ જ વિષમબીજાણુક (hetero-sporous) હોય છે.
પ્રકાંડ સરળ કે વિચ્છેદિત આદિ મધ્યરંભ(protostele)થી નળાકાર. મધ્યરંભ (siphonostele) કે વિચ્છેદિત નળાકાર રંભ (dictyostele) અથવા બહુચક્રીય (polycyclic) મધ્યરંભ ધરાવે છે. પર્ણાવકાશો (leaf gaps) અને પર્ણપ્રદાયો(leaf traces)ને કારણે મધ્યરંભ જટિલ બને છે.
આધુનિક વર્ગીકરણ-પદ્ધતિ પ્રમાણે આ વર્ગને ત્રણ ગોત્રમાં વર્ગીકૃત કરવામાં આવે છે : (1) ફિલિકેલીસ, (2) માર્સિલિયેલીસ અને (3) સાલ્વિનિયેલીસ.
ફિલિકેલીસ સમબીજાણુક તનુબીજાણુધાનીય હંસરાજોનું બનેલું ગોત્ર છે. તેઓ લીલા સુકાય જેવો પૂર્વદેહ ધરાવે છે. લિંગી અંગો પૂર્વદેહની નીચેની સપાટીએથી ઉદભવે છે. બીજાણુપર્ણની ધાર પર કે નીચેની સપાટીએ બીજાણુધાનીઓ સમૂહમાં એકત્રિત થઈ બીજાણુધાનીપુંજ બનાવે છે.
આકૃતિ 3 : ફિલિકેલીસ ગોત્રના કેટલાક હંસરાજના બીજાણુધાનીપુંજ : (અ) બકલર ફર્ન (Dryopteris), (આ) લેડી ફર્ન (Athyrium), (ઇ) હોલી ફર્ન (Polystichum), (ઈ) કૉમન પૉલિપોડિયમ (Polypodium), (ઉ) મેડન હેર ફર્ન (Adiantum), (ઊ) ટ્રી ફર્ન (Cyathea)’
આકૃતિ 4 : હંસરાજની બીજાણુધાની
હોલ્ટમે આ ગોત્રને 10 કુળમાં વર્ગીકૃત કર્યું છે : (1) સાઇઝિયેસી, (2) ગ્લાઇકેનિયેસી, (3) હાઇમેનોફાઇલેસી, (4) ડિક્સોનિયેસી, (5) મેટોનિયેસી, (6) ડિપ્ટેરિડેસી, (7) સાયેથિયેસી, (8) ડેન્નસ્ટેડ્શિયેસી, (9) એડિયેન્ટેસી અને (10) પૉલિપોડિયેસી.
માર્સિલિયેલીસ નાનકડું જલજ (aquatic) હંસરાજોનું ગોત્ર છે. તેમને એક જ કુળ માર્સિલિયેસીમાં મૂકવામાં આવે છે. તેઓ વિષમબીજાણુક વનસ્પતિઓ છે અને બીજાણુધાનીઓ બીજાણુફલિકા (sporocarp) નામની વિશિષ્ટ રચનામાં ઉદભવે છે. બીજાણુધાનીઓ નાના બીજાણુધાનીપુંજ સ્વરૂપે ગોઠવાયેલી હોય છે. તેનો વિકાસ ક્રમિક (gradate) હોય છે. પ્રત્યેક બીજાણુધાનીપુંજ લઘુબીજાણુધાનીઓ (microsporangium) અને મહાબીજાણુધાનીઓ (mega-sporangium) – એમ બંને પ્રકારની બીજાણુધાનીઓ ધરાવે છે. કલિકા-અવસ્થામાં પર્ણવલન (ptyxis) અગ્રવલિત (circinate) પ્રકારનું જોવા મળે છે.
આકૃતિ 5 : Marsilea-નો છોડ
આ કુળમાં ત્રણ પ્રજાતિઓ – Pilularia (6 જાતિઓ), Regnellidium (1 જાતિ) અને Marsilea(53 જીવંત અને 10 અશ્મીભૂત જાતિઓ)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
સાલ્વિનિયેલીસ પણ પાણીમાં મુક્તપણે તરતા હંસરાજોનું બનેલું નાનકડું ગોત્ર છે. આ ગોત્ર બે પ્રજાતિઓ(Azolla અને Salvinia)નું બનેલું છે. Azolla અશાખિત અને લટકતાં મૂળ ધરાવે છે. Salvinia-માં મૂળ હોતાં નથી. બીજાણુધાનીઓ બીજાણુફલિકામાં ઉત્પન્ન થાય છે. પ્રત્યેક બીજાણુફલિકામાં એક જ બીજાણુધાનીપુંજ હોય છે. એટલે કે કાં તો તે માત્ર એક જ મહાબીજાણુધાની અથવા ઘણી લઘુબીજાણુધાનીઓ ધરાવે છે. બીજાણુફલિકાની દીવાલ બીજાણુધાનીપુંજના પુંજછદ તરીકે વર્તે છે. બીજાણુધાની સ્ફોટી-વલયરહિત હોય છે. તેનો વિકાસ તલાભિસારી (basipetal) હોય છે. લઘુબીજાણુધાનીમાં અસંખ્ય લઘુબીજાણુઓ (microspores) આવેલા હોય છે. Azollaમાં તેઓ પિંડિકાઓ(massulae)માં ખૂંપેલાં હોય છે. પિંડિકાનું નિર્માણ પોષકસ્તર(tapetum)ના પ્લાસ્માડિયમ-માંથી થાય છે. તેમની વચ્ચે વચ્ચે અંકુશલોમ (glochidia) ગોઠવાયેલા હોય છે. પર્ણોનું કલિકા-અવસ્થામાં અગ્રવલિત પર્ણવલન જોવા મળતું નથી.
આકૃતિ 6 : Salvinia-નો છોડ
આ ગોત્રને બે કુળમાં વર્ગીકૃત કરવામાં આવે છે : (1) સાલ્વિનિયેસી અને (2) અઝોલેસી. બંને કુળ એક એક પ્રજાતિનાં બનેલાં છે. Salvinia-ની 12 જાતિઓ અને Azolla-ની 6 જાતિઓ નોંધાઈ છે.
બળદેવભાઈ પટેલ