સ્વેડબર્ગ થિયોડોર (Swedberg Theodor)
January, 2009
સ્વેડબર્ગ, થિયોડોર (Swedberg, Theodor) (જ. 30 ઑગસ્ટ 1884, ફેલેરેન્ગ, સ્વીડન; અ. 25 ફેબ્રુઆરી 1971, ઓરે બ્રો, સ્વીડન) : કલિલ રસાયણ (colloid chemistry) તથા બૃહદાણ્વિક (macro-molecular) સંયોજનો અંગેના સંશોધનમાં મહત્વનું પ્રદાન કરનાર, 1926ના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પારિતોષિકવિજેતા, સ્વીડિશ રસાયણવિદ્. તેમના પિતા ઇલિયાસ સ્વેડબર્ગ કાર્ય-પ્રબંધક (works manager) હતા. થિયોડોરે કોપિંગ સ્કૂલ, ઓરે બ્રો હાઈસ્કૂલ અને ગોથેનબર્ગ મોડર્ન સ્કૂલમાં શિક્ષણ લઈ 1903ના ડિસેમ્બરમાં સ્ટુડન્ટ એક્ઝામિનેશન પાસ કરી હતી. જાન્યુઆરી 1904માં તેઓ ઉપ્પસલા વિશ્વવિદ્યાલયમાં દાખલ થયા અને 1905માં સ્નાતક, 1907માં અનુસ્નાતક તથા 1908માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.
થિયોડોર સ્વેડબર્ગ
1905માં થિયોડોરે ઉપ્પસલા ખાતે કેમિકલ ઇન્સ્ટિટ્યૂટમાં સહાયક (assistant) તરીકે, 1907માં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે અને 1909માં ભૌતિક રસાયણના નિર્દેશક (demonstrator) તથા અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી. 1912માં તેઓ ઉપ્પસલા વિશ્વવિદ્યાલયમાં ભૌતિક રસાયણના પ્રાધ્યાપક તરીકે નિમણૂક પામ્યા હતા. 1949માં નિવૃત્ત થયા બાદ 1949થી 1967 સુધી તેઓએ ગુસ્ટાવ વૉર્નર ઇન્સ્ટિટ્યૂટ ફૉર ન્યૂક્લિયર કેમિસ્ટ્રીના નિયામક (director) તરીકે સેવાઓ આપી હતી.
થિયોડોર સ્વેડબર્ગે કલિલીય અને બૃહદાણ્વિક સંયોજનો ઉપર સંશોધન કર્યું હતું. તેમના ડૉક્ટરેટ પદવી માટેના મહાનિબંધ-(thesis)માં તેઓએ કલિલ કણો બનાવવાની નવી પદ્ધતિનું વિગતે વર્ણન આપેલું છે તેમજ આઇન્સ્ટાઇન અને સ્મોલુચોવ્સ્કીએ પ્રસ્થાપિત કરેલ બ્રાઉનિયન ગતિના સિદ્ધાંતની યથાર્થતા(validity)ની સાબિતી રજૂ કરી છે. કલિલીય કણોના વિસરણ (diffusion), પ્રકાશ-અવશોષણ અને અવસાદન (sedimentation) જેવા ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરી તેઓ એવા તારણ ઉપર આવ્યા હતા કે પરિક્ષિપ્ત (disperse) પ્રણાલી માટે પણ વાયુના નિયમો લાગુ પાડી શકાય છે.
સ્વેડબર્ગનું અત્યંત મહત્વનું પ્રદાન આણ્વીય-પરિક્ષિપ્ત (molecular-disperse) પ્રણાલીઓના અભ્યાસ માટે ઉપયોગી એવા દ્રુત-અપકેન્દ્રિત(ultracentrifuge)ની શોધ છે (1924). આ દ્રુત-અપકેન્દ્રિત દ્વારા મોટા અણુઓને 5000 ગુરુત્વાકર્ષણ જેટલું બળ આપી શકાતું હતું. જોકે હવે તો તે 106 ગણું વધારી શકાયું છે. આવા કણોનું અવસાદન માપતાં તેઓને માલૂમ પડ્યું કે શુદ્ધ પ્રોટીનના અણુઓ એક જ આમાપ(size)ના હોય છે. આ સાધન દ્વારા આવા પદાર્થોમાં રહેલી અશુદ્ધિઓને પણ પારખી શકાય છે. જટિલ હીમોગ્લોબિનનો અણુભાર પણ તેમણે નક્કી કરેલો.
સ્વેડબર્ગે આ ઉપરાંત નાભિકીય (nuclear) રસાયણ અને વિકિરણ જીવવિજ્ઞાન (radiation biology), ફોટોગ્રાફિક પ્રક્રમણ (processing) વગેરેનો પણ અભ્યાસ કરેલો છે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે સંશ્લેષિત રબર બનાવવાની પદ્ધતિ પણ શોધી કાઢેલી.
પોતાના જ્ઞાનના વિસ્તરણ માટે તેમણે વિવિધ દેશોનો પ્રવાસ ખેડેલો. જેમ કે 1908માં જર્મની, 1912માં હોલૅન્ડ તથા ફ્રાન્સ, 1913માં બર્લિન, 1916માં વિયેના, 1920માં લંડન અને પૅરિસ, 1922માં ઇંગ્લૅન્ડ અને ડેન્માર્ક તથા 1922–23માં યુ.એસ.ની મુલાકાત લીધી હતી.
સ્વેડબર્ગે ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે. દા. ત., Die Methoden Zur Herstellung Kolloider Lösungen anerganischer stoffe (1909), Die Existenz der Molekule (1912), Colloid Chemistry (1914) જેની બીજી આવૃત્તિ તેમણે એ. ટિસેલિયસ (1948ના નોબેલ પુરસ્કારના વિજેતા) સાથે 1928માં પ્રકાશિત કરેલી. સ્વીડિશ ભાષામાં તેમણે લોકભોગ્ય પુસ્તકો પણ લખ્યાં છે, જેમ કે Materien (1912 અને 1919), Arbetets dekadens (1915 અને 1920) અને Forskuing och Industri (1918).
પરિક્ષિપ્ત પ્રણાલીઓના અભ્યાસ બદલ તેમને 1926ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો. આ ઉપરાંત તેમને અનેક ચંદ્રકો પણ પ્રાપ્ત થયેલા છે. જેમ કે જ્હૉન એરિક્સન ચંદ્રક (1942), બર્ઝેલિયસ ચંદ્રક (1944) અને ફ્રેન્કલિન ઇન્સ્ટિટ્યૂટ ચંદ્રક (1949). તેમના સંશોધનકાર્ય બદલ તેમને વિજ્ઞાન અને આયુર્વિજ્ઞાનમાં ડૉક્ટરેટની માનદ પદવીઓ પણ વિવિધ યુનિવર્સિટીઓ તરફથી એનાયત કરવામાં આવેલી છે.
તેઓ સ્વીડિશ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, ધ હૉલે (Halle) એકૅડેમી, કેમિકલ સોસાયટી (લંડન), ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સ, ધ અમેરિકન ફિલોસોફિકલ સોસાયટી (ફિલાડેલ્ફિયા), ધ ન્યૂ યૉર્ક એકૅડેમી ઑવ્ સાયન્સ(વૉશિંગ્ટન)ના સભ્ય હતા.
ચિત્રકામ અને વનસ્પતિશાસ્ત્ર તેમના શોખના વિષયો હતા.
સ્વેડબર્ગે ચાર વાર લગ્ન કર્યાં હતાં (1909માં આયુર્વિજ્ઞાનના સ્નાતક એન્ડી એન્ડ્રીન સાથે; 1916માં જેન ફ્રોડી સાથે; 1938માં ઇન્ગ્રિડ બ્લોમક્વીસ્ટ સાથે અને 1948માં માર્ગેટ હેલન સાથે). તેમને છ પુત્રો અને છ પુત્રીઓ હતાં.
જ. પો. ત્રિવેદી