સ્વામી વિવેકાનંદ (જ. 12 જાન્યુઆરી 1863, કોલકાતા, બંગાળ; અ. 4 જુલાઈ 1902, કોલકાતા) : ભારતના આધ્યાત્મિક વારસાનું નવસંસ્કરણ કરનાર, અનન્ય સત્યાનુરાગી, દરિદ્ર પ્રત્યે અપાર અનુકંપા ધરાવનાર, રામકૃષ્ણ પરમહંસના શિષ્ય અને એમના વિચારોના સંદેશવાહક. તેમનો જન્મ કોલકાતાના સુપ્રસિદ્ધ વિદ્યાનુરાગી, સંસ્કારસંપન્ન, ધર્માનુરાગી દત્ત પરિવારમાં થયો હતો. એમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ હતું. નામકરણ પૂર્વે દાદા દુર્ગાચરણના નામ ઉપરથી દુર્ગાદાસ નામ પાડવાનું વિચારાયું હતું અને વીરેશ્વરની પૂજાથી આ પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હોવાનું માતા માનતાં હતાં એટલે વીરેશ્વર નામ રાખ્યું હતું; પરંતુ છેવટે નરેન્દ્રનાથ નામ રાખવામાં આવ્યું.
નરેન્દ્રનાથના પ્રપિતામહ રામમોહન દત્ત પ્રારંભે અંગ્રેજ સૉલિસિટરને ત્યાં કામ કરતા હતા અને એમના કામની નિષ્ઠાએ ભાગીદાર બન્યા હતા. રામમોહન દત્તને બે પુત્રો તે દુર્ગાચરણ અને કાલીપ્રસાદ. દુર્ગાચરણ પિતાના વ્યવસાયમાં જ જોડાયા હતા; પરંતુ સંસારમાં એમનું મન ઓછું હતું. એમની વૃત્તિ વૈરાગ્ય પ્રતિ ઢળેલી હતી; આથી લગ્ન બાદ પુત્રનો જન્મ થતાં એમણે ગૃહત્યાગ કર્યો હતો અને સંન્યાસ ગ્રહણ કર્યો હતો. પુત્ર વિશ્વનાથે ભણીને વકીલાતનો વ્યવસાય અપનાવ્યો. એમની પત્નીનું નામ ભુવનેશ્વરીદેવી. વિશ્વનાથ તે વિવેકાનંદના પિતા. ભુવનેશ્વરીદેવી પરમ ધર્માનુરાગી સન્નારી હતાં. એમની કૂખે નરેન્દ્રનાથનો જન્મ થયેલો. એ દિવસ પોષ વદ સાતમ ને સોમવારનો મકરસંક્રાંતિનો પવિત્ર દિવસ હતો.
સ્વામી વિવેકાનંદ
ભુવનેશ્વરીદેવીએ નરેન્દ્રને પ્રારંભનું શિક્ષણ દીધું. રામાયણ–મહાભારતની કથાઓ સાથે બંગાળી લિપિ શિખવાડી અને અંગ્રેજી ભાષાથી પણ નરેન્દ્રને વાકેફ કર્યો. છ વર્ષની વયે 1869માં પાઠશાળામાં ભણવા મોકલ્યો; પરંતુ ત્યાંનું વાતાવરણ નરેન્દ્રને માફક ન આવ્યું. વળી નરેન્દ્ર રમતિયાળ પણ ખૂબ હતો. પિતાએ પાઠશાળાના બદલે ઘરે જ શિક્ષકને ભણાવવા રોક્યા, નરેન્દ્રની તીવ્ર બુદ્ધિ અને ગ્રહણશક્તિના કારણે સાત વર્ષની વયે તો એણે ‘મુગ્ધબોધ’ નામક સંસ્કૃત વ્યાકરણ શીખી લીધું. વળી રામાયણનો કેટલોક ભાગ તો કંઠસ્થ કરી લીધો હતો. એને ‘રાજા’ની રમત ખૂબ ગમતી. એ કાયમ રાજા જ બનતો અને સત્તા ભોગવતો !
નરેન્દ્રને પદ્ધતિસરનું શિક્ષણ મળે તે માટે ઈ. સ. 1871માં પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મેટ્રોપૉલિટન ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યો અને એની શિક્ષણગતિ ચાલી. એની અસાધારણ બુદ્ધિથી ત્યાંના શિક્ષકો પ્રભાવિત થયા હતા. રમત સાથે સાધુ-સંન્યાસી તરફ એ અહોભાવથી જોતો. ત્યારે કોઈ જ્યોતિષીએ નરેન્દ્રનાથ સંન્યાસી બનશે તેવું ભવિષ્ય ભાખ્યું હતું.
વિલક્ષણ અને વિચક્ષણ વ્યક્તિત્વ ધરાવતા સ્વામી વિવેકાનંદ ઓગણીસમી સદીના ક્રાન્તિકારી આધ્યાત્મિક પુરુષ હતા. નરેન્દ્રનાથ વહેમમાં ન માનતા. કોઈથી ડરતા નહિ. વ્યાયામ પ્રત્યે એમને રુચિ હતી. 1877માં પિતાએ મધ્યપ્રદેશના રાયપુરમાં નિવાસ કર્યો ત્યારે પિતાથી વિશેષ પરિચિત થયા અને પિતા પણ પુત્રની બુદ્ધિથી વાકેફ થયા. એ ઉમદા પિતાએ નરેન્દ્રનાથનું ઘડતર કર્યું. વળી પિતા કોલકાતા પાછા આવ્યા. ત્યાં એમણે અંગ્રેજી–બંગાળી સાહિત્યનું વાંચન કર્યું અને ઇતિહાસનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. 1879માં પ્રાવેશિક પરીક્ષા પાસ કરી. નરેન્દ્રનાથે યુવાનીમાં પ્રવેશ કર્યો. ઉચ્ચ શિક્ષણ મેળવવા પ્રેસિડેન્સી કૉલેજમાં દાખલ થયા. એક વર્ષ પછી સ્કૉટિશ જનરલ મિશનરી બોર્ડે સ્થાપેલી સંસ્થામાં જોડાયા. હાલ એ સંસ્થા ‘સ્કૉટિશ ચર્ચ કૉલેજ’ તરીકે ઓળખાય છે. પ્રાવેશિક પરીક્ષાની એમની તૈયારી ખૂબ હતી. રાતદિવસ વાંચતા રહ્યા હતા અને ત્યારે પણ આધ્યાત્મિક વૃત્તિ જાગેલી; એથી ધ્યાનમાં બેસતા. આ પરિશ્રમથી એમની તબિયત લથડી. આથી હવાફેર અર્થે ગયા જવાનું બન્યું. 1881માં ફર્સ્ટ આર્ટ્સની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી. એ જ વર્ષે નવેમ્બર માસમાં શ્રી રામકૃષ્ણ પરમહંસને મળવાનું થયેલું. એ એમની પહેલી મુલાકાત હતી. શ્રી રામકૃષ્ણ પરમહંસની મુલાકાત પૂર્વે એમના વિશે પ્રો. વિલિયમ હેસ્ટી પાસેથી જાણ્યું હતું.
નરેન્દ્રનાથ અનેકવિધ પ્રવૃત્તિ કરતા રહેતા. ભણવાની સાથે સંગીતમાં પણ રુચિ થઈ. એટલે અહમદખાન અને વેણીગુપ્ત પાસે સંગીતની રીતસરની તાલીમ લીધી.
કૉલેજકાળ દરમિયાન પશ્ચિમના ન્યાયશાસ્ત્રનો અભ્યાસ નરેન્દ્રનાથે કર્યો હતો. એ જ રીતે તત્વજ્ઞાન અને ઇતિહાસનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. એમની અભ્યાસનિષ્ઠાથી કૉલેજના અધ્યાપકો પ્રભાવિત થયા હતા અને એમની શક્તિથી વાકેફ થયા હતા. વળી, એમનામાં આદર્શ અને વ્યવહારનો સુભગ સમન્વય હતો. એમના સહાધ્યાયીઓમાં એ આદર પામેલા. અભ્યાસ સાથે એ યુગના પ્રશ્નોમાં એમણે સક્રિય રસ દાખવ્યો હતો. એ બ્રહ્મોસમાજમાં જોડાયા હતા. કેશવચંદ્ર સેન એમાં અગ્રણી હતા. એમનું વ્યક્તિત્વ સહુ યુવાનોને આકર્ષતું હતું. બ્રહ્મોસમાજમાં ફાટફૂટ થતાં પંડિત શિવનાથ શાસ્ત્રી અને વિજયકૃષ્ણ ગોસ્વામીની આગેવાની હેઠળ ‘સાધારણ બ્રહ્મોસમાજ’ની સ્થાપના થઈ ત્યારે નરેન્દ્રનાથ એમાં જોડાયા હતા. એ સાથે આધ્યાત્મિક અનુભવની ઝંખના પ્રબળ બનવા લાગી હતી. એથી બ્રહ્મોસમાજની પ્રવૃત્તિથી ધીમે ધીમે અલગ પડવા લાગ્યા. ઈશ્વરદર્શનની ઇચ્છા તીવ્ર બનવા માંડી. મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરને મળ્યા; પરંતુ સંતોષકારક ઉત્તર ન મળ્યો, ત્યારે એમને શ્રી રામકૃષ્ણ પરમહંસનું સ્મરણ થયું. નરેન્દ્રનાથે દક્ષિણેશ્વર જવાનો નિર્ણય કર્યો અને ત્યાં પહોંચ્યા.
શ્રી રામકૃષ્ણ પરમહંસને સંશયવાદી નરેન્દ્રનાથમાં અપાર આસ્થા હતી. પોતાની અનુભૂતિ ઝીલનારની એમની શોધ નરેન્દ્રનાથમાં પૂર્ણ થતી દેખાઈ હતી. નરેન્દ્રનાથે પણ એમના તેજોમય સાન્નિધ્યમાં આધ્યાત્મિક વિકાસના માર્ગે ગતિ પ્રારંભી. આથી નરેન્દ્રનાથની આત્મશ્રદ્ધા, સત્યનિષ્ઠા અને આધ્યાત્મિકતામાં વૃદ્ધિ થઈ. શિષ્ય નરેન્દ્રનાથે ગુરુના ચરણે રહી એમનો સંદેશ વિશ્વને પહોંચાડ્યો.
નરેન્દ્રનાથનો શ્રી રામકૃષ્ણ સાથેનો સત્સંગ પાંગર્યો તે પૂર્વે એમનું વ્યક્તિત્વ ઘડાઈ ચૂક્યું હતું. પૂર્વનાં બધાં શાસ્ત્રોનો અભ્યાસ કરીને એ સમૃદ્ધ બન્યા હતા, તો પશ્ચિમનાં શાસ્ત્રોનું એમનું જ્ઞાન ખૂબ ઊંડું હતું. આ તો ઉત્તરવયની ઘટના હતી. 1884માં સ્નાતક થયા. એ પછી તરત એમના પિતાનું અવસાન થયું. પિતાની ઇચ્છા નરેન્દ્રનાથ એલએલ.બી. થઈને ધારાશાસ્ત્રી બને તેવી હતી. એમણે એ અભ્યાસ પ્રારંભ્યો, પણ પિતાના અવસાનથી કુટુંબ આર્થિક રીતે સંકડામણમાં આવી ગયું હતું. વળી કૌટુંબિક પરિસ્થિતિ વણસતાં આર્થિક મુશ્કેલી વધી. જીવનનિર્વાહ ચલાવવાનું કપરું બન્યું. નરેન્દ્રનાથ શિક્ષક બન્યા. વકીલને ત્યાં નોકરી કરી. અનુવાદ કરીને આજીવિકા મેળવી; પરંતુ આપત્તિઓમાં વૃદ્ધિ જ થતી રહી. એમણે એ પરિસ્થિતિનું વર્ણન આમ કર્યું છે – ‘પિતાના અવસાનનો શોક હજી ઊતર્યો ન હતો ત્યાં જ નોકરીની શોધમાં આથડવાનું મારા ઉપર આવી પડ્યું. હાથમાં અરજી લઈને ધોમધખતા તાપમાં જમ્યા વગર ઉઘાડે પગે હું એક ઑફિસથી બીજી ઑફિસે ધક્કા ખાતો. કેટલીક વાર મારા દુ:ખ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા એક-બે મિત્રો મારી સાથે હોય; પરંતુ દરેક સ્થળેથી મને જાકારો જ મળતો.’ વિપત્તિના વમળમાં અટવાયા છતાં ઈશ્વરના અસ્તિત્વ વિશે, એની કરુણા વિશે, એમણે શ્રદ્ધા ગુમાવી નહોતી. એ દરમિયાન નરેન્દ્રનાથ વિશે સાચી-ખોટી વાતો શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસે પહોંચી હતી. અલબત્ત, એમને જરાય શંકા જન્મી નહોતી. કપરા કાળમાં નરેન્દ્રનાથ ગુરુ પાસે ગયેલા, ત્યારે જે અનુભૂતિ થયેલી તે એમના જીવનનો વળાંક હતો.
નરેન્દ્રનાથ દક્ષિણેશ્વર ગયા અને શ્રી રામકૃષ્ણની છાયામાં એમના આધ્યાત્મિક વ્યક્તિત્વની ગતિને વેગ મળ્યો. એ આધ્યાત્મિક પ્રગતિનાં પગથિયાં ચઢી રહ્યા હતા ત્યારે શ્રી રામકૃષ્ણનું સ્વાસ્થ્ય બગડતું જતું હતું. એમને કોલકાતાથી બહાર શાંત વાતાવરણમાં લઈ જવાનું ગોઠવાયું, ત્યારે મઠની અવિધિસર સ્થાપના થઈ ચૂકી હતી. કાશીપુરમાં બંગલો ભાડે રાખ્યો અને 1885ની 11 ડિસેમ્બરે એમને નવા મકાનમાં લઈ જવામાં આવ્યા. એ એમના જીવનનો આખરી તબક્કો હતો. નરેન્દ્રનાથ ત્યારે સતત સાથે રહેતા હતા. 1886ની 16 ઑગસ્ટે શ્રી રામકૃષ્ણે જીવનલીલા સંકેલી લીધી. એમની ચિરવિદાય પછી નરેન્દ્રનાથ અને અન્ય શિષ્યો થોડા દિવસ કાશીપુરમાં રહ્યા. ત્યાંથી વરાહનગરમાં રહેવા લાગ્યા. 1886થી 1892નાં છ વર્ષ રામકૃષ્ણ મઠ વરાહનગર ખાતે રહ્યો હતો. ત્યાંથી ‘આલમબજાર’માં ખસેડવામાં આવ્યો. ત્યાર બાદ મઠ બેલૂરમાં ગંગાકિનારે નીલાંબર મુકરજીના બાગમાં આવ્યો. પછી બેલૂરમાં જ મઠની સ્થાપના થઈ.
વરાહનગર મઠમાં જે યુવકોએ વિધિપૂર્વક વિરજાહોમ કર્યો તેમાં નરેન્દ્રનાથ પણ એક હતા. હવે એમણે પૂર્વજીવનના સંબંધો અને સંસારી નામ ત્યાગીને સંન્યાસીનાં નામો ધારણ કર્યાં હતાં. નરેન્દ્રનાથે ત્યારે ‘વિવેકાનંદ’ નામ ધારણ કરેલું. પરિવ્રાજક કાળમાં એ ‘વિવિદિશાનંદ’ અને ‘સચ્ચિદાનંદ’ તરીકે ઓળખાતા હતા.
વિવેકાનંદ બન્યા પછી એમણે પરિવ્રાજક જીવનનો પ્રારંભ કર્યો અને ભારતનું ભ્રમણ કર્યું. પહેલાં ઉત્તર ભારતનાં તીર્થોમાં ફર્યા પછી હિમાલયમાં પરિભ્રમણ કર્યું. ત્યાંથી દિલ્હી અને રજપૂતાના ગયા. ગુજરાત અને મહારાષ્ટ્રની યાત્રા કરી, ત્યાંથી દક્ષિણ ભારતમાં કન્યાકુમારી પહોંચ્યા. ભારતવર્ષની યાત્રા દરમિયાન એમણે અમેરિકા જવાનું વિચાર્યું હતું. તે પાછળનો આશય હતો દ્રવ્ય કમાવાનો અને તે દ્વારા ભારતની નવરચના કરવાનો. દુ:ખી દેશબાંધવોનાં દુ:ખ-નિવારણ માટે એમણે દેશભક્તિમાં સંન્યાસ જોયો અને સંન્યાસમાં દેશભક્તિ જોઈ. કન્યાકુમારીના સાગરકાંઠે જે શિલા–Rock પર વિવેકાનંદને આ દર્શન થયું તે શિલા આજે ‘વિવેકાનંદ રૉક’ તરીકે ઓળખાય છે.
ઈ. સ. 1888થી શરૂ થયેલું વિવેકાનંદનું પરિભ્રમણ 1892 સુધી ચાલુ રહેલું. અલબત્ત આ પરિભ્રમણનો કડીબદ્ધ ઇતિહાસ મળતો નથી. જોકે એમને અસલ ભારતનું દર્શન થયું એટલું ચોક્કસ. કન્યાકુમારીથી એ પોંડિચેરી (પુદુચુરી) ગયેલા. ત્યાંથી પાછા ફરતાં અનેક સ્થળે એમણે વ્યાખ્યાન આપ્યાં હતાં. એમાંનું એક વ્યાખ્યાન હતું : ‘My mission to the West’ ‘પશ્ચિમમાં મારું કાર્ય’. એમણે અમેરિકા જવાનું મનોમન નક્કી કરી નાખ્યું હતું. હૈદરાબાદથી ચેન્નાઈ (મદ્રાસ) અને ત્યાંથી રાજસ્થાનમાં જયપુર થઈને મુંબઈ ગયા. 31 મે, 1893માં પી. ઍન્ડ ઓ. કંપનીની સ્ટીમર ‘પેનિન્સ્યુલર’માં અમેરિકા જવા રવાના થયા. ત્યાં જવાનો એમનો ચોક્કસ હેતુ હતો. વેદાન્તજ્ઞાનનો પ્રચાર અને ભારત માટે આર્થિક સહાય મેળવવી એ એમનો હેતુ હતો.
વિવેકાનંદ કોલંબોથી હોંગકોંગ થઈને જાપાનથી શિકાગો પહોંચ્યા. શિકાગોમાં એ મિસિસ હેલને ત્યાં રહ્યા હતા. શિકાગોમાં ભરાનારી વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવાનો એમનો આશય હતો. 1893ની 11 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ધર્મ પરિષદનું વિધિપૂર્વક ઉદઘાટન થયું હતું. સાંજની સભામાં વિવેકાનંદે ટૂંકું વ્યાખ્યાન આપ્યું. એમણે કરેલું સંબોધન ‘બહેનો અને ભાઈઓ’ સહુને આકર્ષી ગયું અને સભાએ તાળીઓના ગડગડાટથી એમના શબ્દો વધાવી લીધા. એ વ્યાખ્યાનમાં એમણે કહેલું : ‘મને ગર્વ થાય છે કે હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધિ છું કે જેણે જુલમનો ભોગ બનેલા તથા નિરાશ્રિત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશોના લોકોને આશ્રય આપ્યો છે.’
વિવેકાનંદના વ્યાખ્યાનમાં હૃદયને સ્પર્શતી સચ્ચાઈ અને દૃષ્ટિબિન્દુની વિશાળતાએ સભા મુગ્ધ થઈ અને સ્વામી વિવેકાનંદ છવાઈ ગયા. એ પરિષદમાં એમણે પછીથી ‘હિન્દુ ધર્મ’ વિશે વ્યાખ્યાન આપેલું જેનાથી એમની ખ્યાતિ વિશ્વમાં થઈ. ત્યારે એમણે સભાને ‘અમૃતનાં સંતાનો’ એવું સંબોધન કર્યું હતું. એ ધર્મ પરિષદમાં એમણે ‘ભારતવર્ષને ધર્મની તાત્કાલિક જરૂર નથી’ અને ‘બૌદ્ધ ધર્મ એટલે હિન્દુ ધર્મની પૂર્તિ’ એ અન્ય બે વ્યાખ્યાનો આપ્યાં હતાં. એમના વક્તવ્યથી સહુ પ્રભાવિત થયેલા અને ‘ધી ન્યૂયૉર્ક હેરોલ્ડ’માં લખાયું હતું કે ‘સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ પરિષદની સૌથી મહાન વ્યક્તિ છે, એમાં શંકા નથી. એમનું વ્યાખ્યાન સાંભળ્યા પછી એમ લાગે છે કે આવી સુશિક્ષિત પ્રજા માટે મિશનરીઓને મોકલવા એ કેટલું મૂર્ખાઈ ભર્યું છે.’ એમના વિચારોથી એ પૂર્વના સંદેશવાહક મહાપુરુષ રૂપે ઓળખાયા. એમણે અમેરિકામાં અનેક વ્યાખ્યાનો આપીને હિન્દુ ધર્મની ભવ્યતા ઉજાગર કરી. ભારતમાં એમના કાર્યને અંજલિ આપવા માટે કોલકાતામાં સભાનું આયોજન થયું હતું. સ્વામીજી ભારતમાં લોકોના હૃદયમાં વસી ગયા. શિકાગોમાં બે માસ રહ્યા. ન્યૂયૉર્ક અને બોસ્ટનમાં પણ એમણે પોતાનું વેદાન્તપ્રચારનું કાર્ય કર્યું. ત્યાંથી ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં ત્રણ માસ વસવાટ કર્યો. સ્વામીજીના અંગત સચિવ તરીકે ગુડવિન હતા. એમનું અકાળે અવસાન થયું હતું. ઇંગ્લૅન્ડથી અમેરિકા અને અમેરિકાથી પાછા 1896માં ઇંગ્લૅન્ડ પ્રવાસ કર્યો. હાર્વર્ડ યુનિવર્સિટીના અધ્યાપક વિલિયમ જેમ્સ એમને ‘ગુરુ’ કહેતા અને એમણે એમના પુસ્તકમાં સ્વામીજીને ‘આદર્શ વેદાંતી’ તરીકે ઓળખાવ્યા હતા. યુરોપના પ્રવાસમાં એમણે ઠેરઠેર વ્યાખ્યાનો આપીને હિન્દુ ધર્મના પ્રચારનું કાર્ય કર્યું. 1896ના અંતમાં યુરોપથી ભારત આવ્યા. વચ્ચેના દેશોનો પ્રવાસ એમણે કર્યો હતો.
ઈ. સ. 1897ના ફેબ્રુઆરી માસમાં સ્વામીજી ચેન્નાઈ (મદ્રાસ) સ્ટેશને પહોંચ્યા ત્યારે અપૂર્વ ઉત્સાહ સાથે એમનું સ્વાગત થયું હતું. સ્વામીજી ચેન્નાઈમાં નવ દિવસ રહ્યા હતા. ત્યાં એમનું માનપત્ર આપીને સન્માન કરાયું હતું. એમણે ત્યાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. ચેન્નાઈથી 15 ફેબ્રુઆરીએ સ્ટીમર દ્વારા કોલકાતા ગયા. કોલકાતામાં પણ એમનું ભાવભીનું સ્વાગત થયું હતું. બંગાળમાં એમણે પોતાનું દૃષ્ટિબિન્દુ અનેક વ્યાખ્યાનોમાં સમજાવ્યું. સતત કામના લીધે એમનું સ્વાસ્થ્ય પણ કથળ્યું હતું. 1899માં બેલૂર મઠની સ્થાપના અને 1901માં ટ્રસ્ટની રચના કરીને સંચાલન ટ્રસ્ટીમંડળને સોંપ્યું, પછીથી ‘રામકૃષ્ણ મિશન’ અલગ પડાયું. એ વચ્ચે એમણે ઉત્તર ભારતમાં પ્રવાસ કર્યો હતો. કાશ્મીર પણ ગયા. પછી કોલકાતા પાછા ફર્યા. ભગિની નિવેદિતાએ વિવેકાનંદ પાસેથી બ્રહ્મચર્યની દીક્ષા લીધી હતી. મિસ માર્ગારેટમાંથી એ ભગિની નિવેદિતા બન્યાં. સ્વામીજીએ બેલૂર મઠના શિષ્યોને તાલીમ આપી હતી. મઠનું મુખપત્ર ‘ઉદબોધન’ પ્રારંભ્યું. ભારતમાં વિવિધ સ્થળે આશ્રમ અને મઠની સ્થાપના કરી ‘પ્રબુદ્ધ ભારત’, ‘બ્રહ્મવાદિન’ અને ‘ઉદબોધન’ નામક માસિક શરૂ કર્યાં. અમેરિકાની બીજી વાર મુલાકાત કરી યુરોપ ગયા.
1901માં પુન: બેલૂર મઠમાં આવ્યા અને પ્રવૃત્તિઓના ભાર તળે એમની તબિયત બગડી. છતાં સક્રિયતા ઘટી નહિ. શિષ્યો વચ્ચે રહ્યા. શાસ્ત્રનું અધ્યયન–અધ્યાપન કર્યું. આજીવન કર્મમાં મગ્ન સ્વામી વિવેકાનંદનું 4 જુલાઈ, 1902ના રોજ અવસાન થયું ત્યારે એમની વય 39 વર્ષ, 5 માસ અને 24 દિવસ હતી. ભૌતિક, બૌદ્ધિક અને આધ્યાત્મિકતાનો સમન્વય સાધવો એ એમનો આદર્શ હતો. મનુષ્ય- જાતિનું કલ્યાણ એમનું ધ્યેય રહ્યું. એ ઈશ્વરના દૂત હતા અને તેમનું સૂત્ર હતું – ‘उत्तिष्ढत जाग्रत प्राप्य वरान्निबोधत ।’
પ્રફુલ્લ રાવલ