સ્વામી, બી. જી. એલ. (જ. 1918, બૅંગાલુરુ, મૈસૂર; અ. ? 1981) : કન્નડ લેખક. તેમને તેમના ગ્રંથ ‘હન્સુરુ હોન્નુ’ બદલ 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
તેઓ કન્નડ સાહિત્યના અગ્રણી ડી. વી. ગુંડપ્પાના પુત્ર છે. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી 1944માં વનસ્પતિશાસ્ત્રમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1978માં તેઓ ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજમાંથી વનસ્પતિશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. તેમણે યુ.એસ.ની હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે 1947–1950 દરમિયાન જીવવિદ્યા તથા વનસ્પતિશાસ્ત્રમાં સંશોધન-ફેલો તરીકે કામગીરી કરી હતી. પછી તેઓ ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજમાં જીવવિદ્યાના પ્રાધ્યાપક રહ્યા અને 1978માં પ્રિન્સિપાલ તરીકે સેવાનિવૃત્ત થયા.
તેમણે કન્નડમાં 8 અને તમિળમાં એક ગ્રંથ આપ્યા છે. તે ઉપરાંત વનસ્પતિશાસ્ત્રવિષયક 300થી વધુ શોધનિબંધો વિવિધ ભારતીય અને વિદેશી સામયિકોમાં પ્રસિદ્ધ કર્યા છે. તેમના ગ્રંથ ‘અમેરિકાડલ્લીનાનૂ’ બદલ 1962માં તેમને કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
તેમની પુરસ્કૃત કૃતિ ‘હન્સુર હોન્નુ’(1976)નો સાહિત્યિક અર્થ ‘ગ્રીન ગોલ્ડ’ થાય છે. શીર્ષક પરથી ‘વર્લ્ડ ઑવ્ પ્લાન્ટ્સ’ ગ્રંથની વિષયવસ્તુ માટેનો લેખકનો કાયમનો લગાવ પ્રતીત થાય છે. તેમાંયે માનવોના સમગ્ર જીવનમાં એક અથવા બીજી રીતે માનવોના સાથી બનેલા કેટલાક છોડથી વાચકને માહિતગાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. લેખકે માનવસ્વભાવની નિકટવર્તી જાણકારી અને જીવન વિશેની પોતાની સહાનુભૂતિપૂર્વકની સમજણનું નિરૂપણ કર્યું છે. હજારો છોડની જાતોના વર્ગીકરણની પદ્ધતિ, તેમાં અમુક છોડનું સ્થાન, છોડને ઓળખવાનાં બાહ્ય લક્ષણો, તેનું જીવનચક્ર, તેનું આર્થિક મહત્વ અને રોજિંદા જીવનમાં તેની ભૂમિકા વગેરેનું સરળ અને સ્પષ્ટ ભાષામાં લેખકે પોતે જ ચિત્રો દોરીને હૂબહૂ વર્ણન કર્યું છે.
ભારતીય પુરાણો તથા સંસ્કૃત, કન્નડ અને તમિળના પ્રશિષ્ટ સાહિત્યમાંથી જે તે છોડનો સંલગ્ન સંદર્ભ ટાંકીને તેની પરંપરાગત દંતકથાઓ અને અન્ય માહિતીજ્ઞાન તેમણે અહીં પીરસ્યું છે. વળી છોડનું મૂળ વતન, ભારતમાં તેનું આગમન, હાલનું નિવાસસ્થાન વગેરે દર્શાવીને તેમણે વિચક્ષણ વ્યંગ્યશક્તિ અને પ્રબળ વિનોદરસિકતા દાખવીને ચિત્રાત્મક અને ગાંભીર્યયુક્ત સાહિત્યિક શૈલીમાં સંપ્રજ્ઞતાપૂર્વક જે રીતે ગ્રંથ તૈયાર કર્યો છે તે કન્નડ સાહિત્યમાં મહત્વના પ્રદાનરૂપ છે.
બળદેવભાઈ કનીજિયા