સ્વાઇત્ઝર આલ્બર્ટ
January, 2009
સ્વાઇત્ઝર, આલ્બર્ટ (જ. 14 જાન્યુઆરી 1875, કૈસરબર્ગ, જર્મની; અ. 4 સપ્ટેમ્બર 1965, લૅમ્બારેને, આફ્રિકા) : વિશ્વવિખ્યાત માનવતાવાદી ડૉક્ટર, સમાજસેવક અને વર્ષ 1952ના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા. પિતા લૂઈ (Louis) ધર્મોપદેશક હતા જેમની પ્રેરણાથી આલ્બર્ટમાં સંગીત પ્રત્યેની રુચિ જાગી, તેઓ બાળપણમાં જ ઑર્ગન વાદ્ય વગાડવાનું શીખ્યા અને આઠ વર્ષની ઉંમરે 1883માં પિતાના દેવળમાં ઑર્ગન વગાડતા થયા. માતા ઍડલી શિલિંજરને પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918) દરમિયાન જર્મન હયદળની ટુકડીએ પગતળે કચડી નાંખ્યા હતા. 1888માં આલ્બર્ટ તેમના કાકાની ભલામણથી મલહાઉસેનની શાળામાં દાખલ થયા અને 1893 સુધી શાલેય શિક્ષણ પૂરું કરી 1893માં ધર્મશાસ્ત્ર તથા તત્વજ્ઞાનના અભ્યાસાર્થે સ્ટ્રેસબર્ગ યુનિવર્સિટીમાં દાખલ થયા. સાથોસાથ તેમણે વિખ્યાત ઑર્ગનવાદક વિડર પાસે પૅરિસ ખાતે ઑર્ગન વગાડવાની શાસ્ત્રીય તાલીમ લીધી. સંગીત પ્રત્યેનો તેમનો લગાવ આજન્મ ચાલુ રહ્યો હતો. 1894માં તેમણે લશ્કરની તાલીમ લીધી (1894–95) અને તે દરમિયાન ફુરસદના સમયમાં ઈશુ ખ્રિસ્તના જીવનચરિત્ર અને ધર્મોપદેશનું અધ્યયન કર્યું.
આલ્બર્ટ સ્વાઇત્ઝર
એકવીસ વર્ષની ઉંમરે 1896માં તેમણે એવી પ્રતિજ્ઞા લીધી કે ત્રીસ વર્ષની ઉંમરથી તેઓ તેમનું બાકીનું જીવન સમાજસેવાને સમર્પિત કરશે, જેનું તેમણે અક્ષરશ: પાલન (1905–1965) કર્યું હતું. 1898માં તેમણે પૅરિસ ખાતે તત્વજ્ઞાનની સાથોસાથ ઑર્ગન અને પિયાનોવાદનની તાલીમ લીધી હતી. 1899માં ‘કાન્ટ્સ ફિલૉસૉફી ઑવ્ રિલિજન’ વિષય પર મહાનિબંધ લખીને તેમણે ડૉક્ટરેટની પદવી મેળવી હતી. કાન્ટ જેવા સમજવા માટે કઠિન અને જટિલ ગણાતા ચિંતકના વિચારો પર નિબંધ તૈયાર કરવાનું સાહસ કરવું એ જ તેમની એક મોટામાં મોટી સિદ્ધિ ગણાઈ હતી. તેમની વિચક્ષણ બૌદ્ધિક પ્રતિભાનો આ પુરાવો ગણવામાં આવ્યો હતો. વર્ષ 1900માં તેમણે ધર્મશાસ્ત્ર વિષય પર ડૉક્ટરેટની પદવી સંપાદન કરી હતી. 1903માં તેઓ પોતાની માતૃસંસ્થા સ્ટ્રેસબર્ગ કૉલેજના આચાર્યપદે નિમાયા હતા. 1904માં તેમણે પોતાની જાતને ફ્રેન્ચ ઇક્વેટોરિયલ આફ્રિકામાં મેડિકલ મિશનરી બનવાની તૈયારી દર્શાવી હતી, જેના પગલે 1905માં તેમણે કૉલેજના આચાર્યપદને સ્વૈચ્છિક તિલાંજલિ આપી અને મેડિસિનનો અભ્યાસ કરી ડૉક્ટર બનવાની તાલીમ લેવાની શરૂઆત કરી. આ માટે એક મિશનરીનો લેખ તેમના માટે પ્રોત્સાહક બન્યો હતો. 1911માં તેમણે ડૉક્ટરીનો અભ્યાસ પૂરો કર્યો હતો અને ડૉક્ટર બનવાની યોગ્યતા હાંસલ કરી હતી. ત્યાર બાદ તેઓ ઉષ્ણકટિબંધીય બીમારીઓનો અભ્યાસ કરવા માટે પૅરિસ ગયા હતા. 1912માં તેમણે જર્મન યુવતી હેલન બ્રૅસલૉ સાથે લગ્ન કર્યાં હતાં, જેણે લગ્ન પછી આલ્બર્ટને તેના ડૉક્ટરીના વ્યવસાયમાં મદદરૂપ થવા માટે નર્સ/પરિચારિકા બનવાની તાલીમ લીધી હતી. તે જ વર્ષે (1912) આ સ્વાઇત્ઝર દંપતીએ આફ્રિકા જવા માટે પ્રસ્થાન કર્યું હતું. એપ્રિલ 1913માં તેઓ આફ્રિકાના ગબન દેશના લૅમ્બરેને ખાતે પહોંચી ગયા, જ્યાં તેમણે જંગલમાં એક અત્યંત પ્રતિકૂળ ઓરડામાં ડૉક્ટરીનો વ્યવસાય શરૂ કર્યો. આ રીતે આલ્બર્ટની સમાજસેવાનો પ્રારંભ થયો હતો, જે તેમણે આજીવન ચાલુ રાખ્યો હતો (1913–1965).
પ્રથમ વિશ્વયુદ્ધની જાહેરાત થતાંની સાથે જ આલ્બર્ટ અને હેલન બંને જર્મન મૂળનાં હોવાથી તેમની ફ્રેન્ચ પોલીસે ધરપકડ કરી તેમને ઍન્ડેન્ડે ખાતે કેદીઓ તરીકે લઈ જવામાં આવ્યાં હતાં (1914–1917), જ્યાં તેમને ત્રણ માસ સુધી એક ઘરમાં પૂરી રાખ્યાં હતાં. સપ્ટેમ્બર 1917માં તે બંનેને દેશપાર કરી યુદ્ધકેદીઓ તરીકે આફ્રિકાથી ફ્રાન્સ મોકલી દેવામાં આવ્યાં હતાં. એ જ અરસામાં આલ્બર્ટની માતાની જર્મન પોલીસે હત્યા કરી હતી. 1918માં બંનેને જેલવાસમાંથી મુક્ત કરી દેવામાં આવ્યાં અને સ્વિટ્ઝર્લૅન્ડ મોકલી દેવામાં આવ્યાં હતાં. 1920–1923 દરમિયાન આફ્રિકા પાછા જવા માટે નાણાં ઊભાં કરવા સારુ આલ્બર્ટે વ્યાખ્યાનો આપ્યાં તથા સંગીતના જલસા પણ કર્યા. એપ્રિલ 1924માં જ્યારે આલ્બર્ટ એકલા જ આફ્રિકાના લૅમ્બરેને ખાતે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેમણે ત્યાં અગાઉ ઊભું કરેલ દવાખાનું તદ્દન બિસ્માર સ્થિતિમાં હતું. 1925માં તે વિસ્તારમાં મરડાની બીમારી ફેલાતાં નાછૂટકે તેમને તેમનું દવાખાનું ત્યાંથી અન્યત્ર મોટી જગ્યામાં ખસેડવાની ફરજ પડી. 1927માં નવી હૉસ્પિટલ તૈયાર થઈ ગઈ જેના માટે નાણાં ઊભાં કરવા 1927–1939ના બાર વર્ષના ગાળામાં તેમણે અવારનવાર યુરોપનો પ્રવાસ ખેડ્યો હતો. 1939માં યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ(1939–1945)નાં વાદળો ઘેરાતાં આલ્બર્ટ તરત જ આફ્રિકા પાછા ફર્યા જ્યાંથી ત્યાર પછીનાં દસ વર્ષ (1939–1949) તેઓ યુરોપ ગયા જ ન હતા. 1941માં તેમનાં પત્ની હેલન તેમના પતિ પાસે પહોંચી ગયાં. 1950–1952 દરમિયાન આલ્બર્ટે યુરોપનાં જુદાં જુદાં નગરોમાં સંગીતના ઘણા જાહેર કાર્યક્રમો આપ્યા. તે દરમિયાન તેમને ઘણાં પારિતોષિકો, પદવીઓ અને ઍવૉર્ડ્ઝ એનાયત થયા. દા. ત., 1953માં તેમને શાંતિનું નોબેલ પારિતોષિક અને 1955માં ઇંગ્લૅન્ડનાં રાણી એલિઝાબેથ-બીજાંએ તેમને ‘ઑર્ડર ઑવ્ મેરિટ’થી સન્માન્યા હતા. રાણીએ તેમને આપેલ ઍવૉર્ડ મેળવનાર તેઓ દરિયા પારની બીજી વ્યક્તિ હતી. 1957માં હેલનનું સ્વિટ્ઝર્લૅન્ડમાં અવસાન થયું, જેમના પાર્થિવ શરીરને આફ્રિકાના લૅમ્બરેને ખાતે દફનાવવામાં આવ્યું હતું. 1960માં ફ્રેન્ચ વસાહતવાદની ચુંગાલમાંથી ગબનને મુક્ત કરી તેને સ્વતંત્ર ઘોષિત કરવામાં આવ્યું હતું. નવી સરકારે આલ્બર્ટને રાષ્ટ્રસંઘમાં ગબન દેશના રાજદ્વારી પ્રતિનિધિ તરીકે મોકલવાની દરખાસ્ત મૂકી, જે આલ્બર્ટ સ્વાઇત્ઝરે નકારી કાઢી હતી. 1965માં તેમના અવસાન પછી બીજા ડૉક્ટરોએ લૅમ્બરેને ખાતેની તેમની હૉસ્પિટલ ચાલુ રાખી છે; પરંતુ હવે તેનાં મકાનો જર્જરિત થયેલાં હોવાથી 1981માં તે જ સ્થળે એક નવી અદ્યતન હૉસ્પિટલ ઊભી કરવામાં આવી છે.
તેમણે ન્યૂક્લિયર બૉંબ અને અન્ય પ્રકારનાં વૈશ્વિક શસ્ત્રીકરણનો સખત વિરોધ કર્યો હતો.
1906માં તેમણે ઈશુ ખ્રિસ્ત વિશે તથા ઑર્ગન વાદ્ય કેવી રીતે બનાવાય તેના વિશે પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. 1920માં પ્રકાશિત તેમનો ગ્રંથ ‘ઓન ધ એજ ઑવ્ ધ પ્રિમેવલ ફૉરેસ્ટ’ જાણીતું છે.
અમેરિકાના ‘લાઇફ’ સામયિકે વિશ્વશાંતિના આ પ્રખર હિમાયતી આલ્બર્ટ સ્વાઇત્ઝરને ‘વિશ્વના સર્વાધિક મહાન માનવી’ તરીકે બિરદાવ્યા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે